સુરત: શહેરના ચોક બજાર પોલીસમથકની હદમાં ચીકુવાડી ખાતે આવેલી સોસાયટીમાં રહેતી તબીબ યુવતીએ તેની માતા અને બહેનને ઇન્જેક્શનનાં ઓવર ડોઝ આપી હત્યા કરી પોતે ઉંઘની 28 ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રક્ષાબંધનના દિવસે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ હતી. બનાવની જાણ થતા પોલીસના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. માતા અને એક પુત્રીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે તબીબ યુવતીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.
કતારગામ વિસ્તારમાં ચીકુવાડી ખાતે સહજાનંદ સોસાયટીમાં રહેતા 61 વર્ષીય મંજુલાબેન કાનજીભાઈ પ્રજાપતિને સંતાનમાં બે દિકરી અને એક પુત્ર છે. મંજુલાબેનના પતિ વર્ષોથી અલગ રહે છે. તેમની મોટી દિકરી ડો.દર્શના (ઉ.વ.31) બીએચએમએસ તબીબ છે. તે ઘર નજીક આશ્વત નામની ક્લિનિક ચલાવે છે. નાની દિકરી ફાલ્ગુની (ઉ.વ.30) વિવેક વિદ્યાલયમાં શિક્ષિકા હતી. તેમનો ભાઈ અને ભાભી સવારે મુંબઈથી આવ્યા ત્યારે ઘરમાં બંને બહેનો અને માતા બેભાન અવસ્થામાં પડેલી હતી. જેમાંથી માતા અને ફાલ્ગુનીનું મોત થયું હતું. દર્શનાનો શ્વાસ ચાલતો હોવાથી તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં તેનો જીવ બચાવી લેવાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. અને માતા તથા પુત્રીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યો હતો. દર્શનાએ પહેલા તેની માતા અને બહેનને ઉંઘના ઓવર ડોઝ ઇન્જેક્શન આપી તેમની હત્યા કરી હતી. 10 એમએલની એક બોટલ લાવી હતી. ઉંઘ માટે 2 એમએલ આપવાની હોય છે તેની જગ્યાએ 5-5 એમએલના ડોઝ આપ્યા હતા. બાદમાં પોતે ઉંઘની 28 ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આ અંગે દર્શના વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.
માતા અને બહેન તેના વગર ન રહી શકશે માટે હત્યા કરી
પોલીસને તપાસ દરમિયાન એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં દર્શનાએ પોતે જીંદગીથી કંટાળી ગઈ હોવાથી આપઘાત કરવાનું પગલું ભરવાનો ઉલ્લેખ કર્યો હતો. અને તેની માતા અને બહેન તેના વગર રહી શકશે નહીં જેથી તેમને પણ સાથે લઈ જાઉ છું તેવું લખ્યું હતું. આ સિવાય જો તેમના પિતાએ સાચવ્યા હોત તો આ સમય નહીં આવ્યો હોત. પોલીસે સ્યુસાઈડ નોટ કબજે લઈ આ અંગે પણ વધારે તપાસ હાથ ધરી છે.
ભાઈ રક્ષાબંધન માટે આવ્યો, પણ એક બહેન હોસ્પિટલમાં તો બીજીનું મોત
ડો.દર્શના અને ફાલ્ગુનીને એક ભાઈ છે. તેમનો ભાઈ અને ભાભી સામાજિક પ્રસંગમાં ત્રણેક દિવસથી મુંબઈ ગયા હતા. આજે રક્ષાબંધન હોવાથી ભાઈ સવારમાં સુરત ઘરે આવી ગયો હતો. ઘરે આવ્યો તો અંદર બંને બહેનો અને માતાને બેભાન જોયા હતા. તેમની પાસે જઈને જોતા એક બહેન અને માતા તો મોતને ભેટી ચુક્યાં હતાં. અને બીજી બહેન આઈસીયુમાં ખસેડવી પડે તેવી હાલતમાં હતી.
માતા અને બહેનને દુ:ખાવાનું ઇન્જેક્શન છે તેમ કહી આપ્યું
દર્શના પોતે તબીબ હોવાથી તેની માતાને ઘણી વખત દુ:ખાવો થતો ત્યારે પેઈનકિલરનું ઇન્જેક્શન આપતી હતી. ગઈકાલે પણ તેની માતાને તથા બહેનને પણ કદાચ વાયરલને કારણે શરીરમાં દુ:ખાવો હતો. જેથી દર્શનાએ દુ:ખાવાનું ઇન્જેક્શન છે તેમ કહીને આપ્યું હતું. પરંતુ બંનેને ઉંઘનું ઓવરડોઝ આપ્યો હતો. જે તેમની હત્યા કરવાના ઇરાદે અપાયું હતું.