સુરત: 2 વર્ષ પૂર્વે જ તાપી નદી (Holy river tapi)માં મૂર્તિઓના વિસર્જન (dasama visarjan) પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. જેના પગલે હવે કોઈપણ મૂર્તિઓને તાપી નદીમાં વિસર્જિત કરવા દેવામાં આવતી નથી. આગામી તા.17થી 18 દરમિયાન દશામા મૂર્તિ વિસર્જનને ધ્યાનમાં રાખી વિયર કમ કોઝવે વાહન વ્યવહાર માટે બંધ (cozway close) રાખવામાં આવશે તેવું ફરમાન મનપા કમિશનર બંછાનિધિ પાની દ્વારા આપવામાં આવ્યું છે.
તાપી નદીમાં મૂર્તિઓ (idols)નું કોઇપણ પ્રકારે વિસર્જન નહીં થાય એ માટે વિસર્જનના દિવસે તમામ ઓવારાને બેરિકેટ (barricade) કરી બંધ રાખવામાં આવશે. જેથી દશામાની મૂર્તિ પણ ઘરઆંગણે જ વિસર્જન કરવી પડશે. મનપા દ્વારા હવેથી મૂર્તિઓનું વિસર્જન ઘર આંગણે જ કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે. જેથી કોવિડ ગાઈડલાઈન (covid guideline)નું પણ પાલન થઈ શકે. દશામા મૂર્તિના વિસર્જનને લઈ તા.17 ઓગસ્ટે બપોરે 12 કલાકથી તા.18 ઓગસ્ટની સાંજે 5 કલાક સુધી સિંગણપોર અને રાંદેરને જોડતો વિયર કમ કોઝવે ટ્રાફિક તથા રાહદારીઓ માટે સંપૂર્ણ બંધ રહેશે. કોઇપણ પ્રકારે મૂર્તિઓનું વિસર્જન વિયર કમ કોઝવે પરથી થઈ શકશે નહીં. જાહેરનામાના ભંગ બદલ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેમ મનપા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
બેરીકેડીંગના સ્થળોએ ધ્યાન કેન્દ્રીત થાય તે રીતે, પ્રતિમાઓના વિસર્જનના પ્રતિબંધ અંગેના સાઈનેજ । સુચના બોર્ડ લગાવવાની વ્યવસ્થા, જે તે ઝોનના કાર્યપાલક ઈજનેરોએ કરવાની રહેશે. ઝોન વિસ્તારના પોલીસ સ્ટેશન સાથે આગોતરૂ સંકલન કરવાનું રહેશે અને પોલીસ વિભાગ દ્વારા મુકવામાં આવેલ બંદોબસ્તની સાથે જરૂર જણાયે સુરત મહાનગરપાલિકાનો સીકયોરીટી બંદોબસ્ત પણ વિસર્જનના દિવસે ચીફ સીકયોરીટી ઓફિસરના સંકલનમાં રહી ગોઠવવો. રાત્રીના સમયે પણ પુરતુ નિરિક્ષણ થાય તે હેતુસર જે તે ઝોનના ઓવારા, નદીનાળા વિગેરે સ્થળો પર જરૂરી માત્રામાં ફલડ લાઈટની વ્યવસ્થા જે તે ઝોનના કાર્યપાલક ઈજનેરોએ કરવી.
દશામા ઉત્સવ, જન્માષ્ટમી ઉત્સવ, શ્રી ગણેશ ઉત્સવ તથા અન્ય ઉત્સવો દરમ્યાન, ઉત્સવ બાદ ધાર્મિક પ્રતિમાઓનું વિસર્જન ઈકો ફ્રેન્ડલી પધ્ધતિથી ઘરઆંગણે, સોસાયટીના કોમન પ્લોટમાં કોવિડની ગાઈડલાઈનની અમલવારી સાથે કરવા નાગરિકો મંડળોને જરૂરી શિક્ષણ આપવા દરેક ઝોનમાં પ્રચાર અભિયાન વ્યવસ્થા જે તે ઝોનના આસિસ્ટન્ટ કમિશનરે કરવાની રહેશે.