Business

સ્વતંત્રતા અને લોકશાહી તંત્રમાં તણાવ, લોકશાહીમાં બદલાવ અને ‘સ્વ’ સરકારના હાથમાં

સ્વતંત્રતા અને લોકશાહી, આ બંન્નેના ઇતિહાસનાં મૂળિયાં ૨૦૦૦ વર્ષ પહેલાં રોમની સેનેટમાં રોપાયા હતા. ત્યારની સ્વતંત્રતા અને અત્યારની સ્વતંત્રતામાં ઘણો ફેર છે, વળી વિશ્વના વિવિધ રાષ્ટ્રોમાં પણ સ્વતંત્રતાની વ્યાખ્યા બદલાતી રહી છે. પ્રાચીન રોમની વાત કરીએ તો ત્યારે તો લોકશાહી અને સ્વતંત્રતા એટલે કે સામાન્ય નાગરિકનું રાજકીય પ્રક્રિયામાં આગળ પડતું યોગદાન. કોઇપણ નાગરિક યુદ્ધ અને શાંતિ અંગે પોતાના વિચાર વ્યક્ત કરી શકતો, મહત્ત્વના મુદ્દાઓ પર પોતાનો મત આપી શકતો અને તેને જરૂર લાગે તો જાહેર પ્રવચન પણ આપી શકતો.

પરંતુ એક રીતે સ્વતંત્રતા મતાધિકાર સુધી સીમિત હતી કારણકે અભિવ્યક્તિમાં કશું પણ કઠે તો તેની સામે પગલાં લેવાતા. દાર્શનિક સોક્રેટિસને અદાલતમાં ઊભો કરાયો હતો. કારણ કે તે એથેન્સની સંસ્કૃતિ તથા શાસકો જે દેવોમાં વિશ્વાસ કરતા તેમની પર સોક્રેટિસને વિશ્વાસ નહોતો. સમયાંતરે અંગત સ્વતંત્રતા અને નાગરિકોએ પસંદ કરેલા લોકો રાજ્યમાં પ્રતિનિધિત્વ કરે તેવી લોકશાહીએ આકાર લીધો. આપણા, એટલે કે નાગરિકોના એવા અધિકારો આવ્યા જેનો ભંગ સરકાર ન કરી શકે –બિનસાંપ્રદાયિકતા તેનું જ એક ઉદાહરણ છે. પરંતુ પછી નાગરિકો ચાહે ત્યારે સંસદ બોલાવી દે એવા પ્રાચીન ખ્યાલો દૂર થયા.

પ્રાચીન એથેન્સમાં જે રીતે કામ થતું તે આધુનિક સમયમાં શક્ય નથી. વસ્તી વધી છે, ગુલામી નાબૂદ થઇ ગઇ છે, પહેલાંની માફક લોકો પાસે ફાજલ સમય નથી, લોકો અંગત અધિકારો પ્રત્યે વધુ સજાગ બન્યા છે. લોકશાહીના અને સ્વતંત્રતાના પ્રાચીન અને આધુનિક સ્વરૂપના ફેરફારને ટૂંકમાં સમજવાનો આપણે પ્રયાસ કર્યો. પરંતુ અંગત સ્વતંત્રતા, રાષ્ટ્રપ્રેમ, લોકશાહી આ બધું જ વિશ્વમાં રાજકીય સત્તાઓના પરિવર્તન સાથે પણ બદલાતું રહ્યું છે.

એમાં ય જીવલેણ રોગચાળો, આર્થિક અને શારીરિક અસલામતી અને હિંસક સંઘર્ષોને પગલે લોકશાહીનો બચાવ કરનારાઓને તેમની સરમુખત્યાર શત્રુઓ સામેની લડતમાં ફટકા વેઠવા પડ્યા છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે જોહુકમી બળૂકી બની છે અને સ્વતંત્રતાનું સંતુલન ખોરવાયું છે. ખોટા માર્ગદર્શનને પગલે પેદા થયેલી દેશભક્તિ અને આતંકવાદ વચ્ચેની ભેદરેખા જાણે પાતળી થઇ ગઇ છે. તમને ગયા વર્ષે અમેરિકન સંસદ પર થયેલો હુમલો યાદ જ હશે! ત્યાં અમેરિકન ધ્વજ લઇને ઉભેલાં ટોળાં હતા તો ટ્રમ્પના ધ્વજ પણ ત્યાં દેખાઇ રહ્યા હતા.

જે રીતે અમેરિકન જમણેરીઓએ ત્યાં પોતાની દેશભક્તિ દર્શાવી હતી તે યોગ્ય છે ખરી? તેઓ જે ખ્રિસ્તી ધર્મ અને સંસ્કૃતિ વગેરેને આગળ ધરતા હોય છે તેના માનને હાનિ ન પહોંચે તે માટે તેમણે શું કર્યું? કાયદો અને વ્યવસ્થા તો એ લોકો જ જાળવી શકે છે એમ કહેનારા આ રાષ્ટ્ર’વાદી’ઓએ માત્ર નુકસાન કર્યું, રમખાણો કર્યાં, અરાજકતા ફેલાવી, હિંસા આચરી. આ કેવી દેશભક્તિ? પાછા ટ્રમ્પે તેમના વખાણ પણ કરેલા. આવું જ કંઇક જો ‘બ્લેક લાઇવઝ મેટર’નો મુદ્દો ઉઠાડનારાએ કર્યું હોત, જે તેમના પોતાના અધિકારો માટે હોત તો તેમને જૂદા જ પ્રકારનો ધિક્કાર મળ્યો હોત. જો કે જે ટોળાએ દેકારો મચાવ્યો અને નુકસાન કર્યું તે ૮૦-૧૦૦ જણા સિવાયના લોકો પણ હતા. જે ટ્રમ્પના ટેકેદાર હોવા છતાં પણ શાંતિથી પોતાના વિચારો વ્યક્ત કરવા ધારતા હતા, તેમને કેપિટલ હિલમાં ઘુસી જઇને તોડફોડ કરવામાં રસ નહોતો.

જેમણે તોડફોડ કરી તેઓ પોતાની જાતને દેશભક્ત અને દેશપ્રેમી ગણાવતા હતા, પણ શું તેમણે જે કર્યું તેમાં એવું કશું ય દેખાયું? USA એમાં પણ રેફ્યુજીઝના પ્રશ્નો છે. ભારતની જેમ USA એ પણ ઉદારવાદી લોકશાહીના મૂળભૂત વિચારોથી બીજા રસ્તે ભટકેલું રાષ્ટ્ર છે. UK માં ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સ ઉપરાં નોર્થન આયરલેન્ડના કેટલાક હિસ્સાઓનો સમાવેશ થાય છે. અહીં લોકશાહીમાં સ્થિરતા છે. સરકારે રાજકીય અધિકારો અને નાગરિક સ્વતંત્રતા પર ભાર મૂક્યો છે પણ છેલ્લાં કેટલાક વર્ષોમાં સરકારે નાગરિકો પણ વધુ નજર રાખવાનું શરૂ કર્યુ છે, અહીં ઇસ્લામોફોબિયા અને એન્ટિ-ઇમિગ્રન્ટસેન્ટિમેન્ટમાં વધારો જોવા મળ્યો છે. ત્યાં અમૂક હિસ્સાઓમાં એબોર્શન અને સજાતીય લગ્નો પર પર્તિબંધ રહ્યો છે જે પણ થોડા સમય પહેલા દૂર કરાયો છે.

ચીનના સામ્યવાદમાં સરમુખત્યારશાહીનો જ ચહેરો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અહીં સત્તાધિશોનાં દબાણ, મર્યાદાઓ, નિયમો વધતા રહ્યા છે. રાષ્ટ્રની બ્યુરોક્રસી ફરતે સત્તાધિશોનો ગાળિયો વધુ સખત કરાઇ રહ્યો છે. ચાઇનિઝ કોમ્યુનિસ્ટ પાર્ટીને મીડિયા, ધાર્મિક જૂથ, યુનિવર્સિટીઝ, વ્યવસાયો, સિવીલ સોસાયટી સાથે જોડાયેલા લોકો તમામ પર નિયંત્રણ કરવું છે અને તેઓ તેમ જ કરી રહ્યા છે. ચીનમાં વસનારાઓ માટે સ્વતંત્રતાનો આઇડિયા શું હોઇ શકે? તેમને આ બધાં બંધનોની સામે વિકસિત દેશ હોવાની હોંશ મનમાં રાખી માળખાકિય સવલતોની વાહવાહીમાં જીવવાનું માફક આવતું હશે?

ત્યાં રાજકીય સ્પર્ધાની પરવાનગી નથી, કોઇ બીજો પક્ષ મોટો થવા જ નથી દેવાતો. ચીનના રાજકીય તંત્રમાં આઠ નાની બિનસામ્યવાદી પાર્ટીઓને થોડોઘણો ભાગ ભજવવાનો મોકો મળે છે. લોકશાહીની તરફેણ કરનારા નાગરિકોને આકરી સજા ફટકારાય છે. અભિવ્યક્તિની સ્વતંત્રતાને ચીનમાં કોઇ સ્થાન નથી. કારણ કે ત્યાં મીડિયા પર અઢળક મર્યાદાઓ લાદી દેવાયેલી છે. મીડિયાસેન્સરશીપરને પગલે ઘણાં અગ્રણી ન્યૂઝપોર્ટલ્સ ત્યાં વર્ષોથી બ્લોક છે. આ ચીનની ઝલક છે તો બીજી તરફ રશિયામાં વ્લાદિમીરપુતિનની સરમુખત્યાશાહી ચાલે છે. મોસ્કોના ક્રેમલિનમાંથી ચૂંટણીના પરિણામો મેનેજ થઇ જાય છે. મીડિયા પર નિયંત્રણ છે, સૈન્ય અમુક જ તરફનો ઝૂકાવ ધરાવે છે, ન્યાયતંત્ર પણ સરકારના તાબામાં જ છે, ત્યાં એલજીબીટી ક્યૂકોમ્યુનિટીને ટાર્ગેટ કરાય છે, સ્વૈચ્છિક સંસ્થાઓ અને પત્રકારોને ધમકીઓ મળ્યા કરે છે અને ભ્રષ્ટાચારનો કોઇ પાર નથી.

સ્વતંત્રતા અને લોકશાહીને મામલે આપણે આજે સ્વતંત્રતા દિવસ નિમિત્તે એક રાષ્ટ્ર તરીકે ક્યાં ખડા છીએ તેનો વિચાર કરવો જરૂરી છે. હિંદુ રાષ્ટ્રવાદને પોષતી સરકારને કારણે વૈશ્વિક સ્તરે સ્વતંત્રતાને મામલે ભારતનું સ્થાન નીચું આવ્યું છે. પત્રકારો પર થતા હુમલા, ધ્રુવીકરણ, ભેદભાવ ભરી નીતિઓ આપણા વર્તમાનની વાસ્તવિકતાઓ છે. આપણે બીજા દેશોની વિગતવાર વાત કરી. કારણ કે આપણે વિચારતા થઇએ કે આપણે કઇ દિશામાં જઇ રહ્યા છીએ. લોકશાહી હોવા છતાં ય એક જ જણના મન પ્રમાણે દેશ ચાલેની સ્થિતિ આપણે જોઇ રહ્યા છીએ. લોકશાહીનું પોત પાતળું પડી રહ્યું છે, જેને સમજાય છે તે વેઠે છે, વિચારે છે. જેને નથી કળાતું તેઓ વાહવાહીમાં વ્યસ્ત છે. બીજા રાષ્ટ્રો કરતા આપણે ત્યાં સંજોગો વિકટ બની શકે છે, કારણ કે આપણો વિવિધતામાં એકતા વાળો દેશ છે પણ એકતા ઓછી થઇ રહી છે અને નાના મુદ્દે અરાજકતા ફેલાઇ જાય છે. ‘વાદ’ એ પ્રેમથી અલગ લાગણી છે તે આપણે સમજવું રહ્યું. વિશ્વમાં કોઇપણ રાષ્ટ્રમાં પૉપ્યુલિસ્ટ લીડરશીપથી નાગરિકોને ફાયદો નથી થયો. 

Most Popular

To Top