ગોધરા: પંચમહાલ જિલ્લામાં હાલ વરસાદ ખેંચાતા વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોમાં ચિંતામાં મુકાયા છે તો બીજી તરફ જિલ્લામાં આવેલા જળાશયોમાં પણ પાણીના સ્તર નીચે જવા પામ્યા છે જેને લઈને કેનાલ આધારિત ખેતી કરતા ખેડૂતોની સ્થિતિ પણ દયનિય થવા પામી છે. ચાલુ વર્ષે પંચમહાલ જિલ્લામાં ચોમાસાની સિઝનની શરૂઆતતો સમયસર થઈ હતી પરંતુ પાછળથી વરસાદ ખેંચાયો છે ત્યારે હાલ જિલ્લામાં ખેતીની સ્થિતિ ખરાબ થવા પામી છે.
પંચમહાલ જિલ્લામાં દર વર્ષે સરેરાશ 171545 હેકટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવતું હોય છે જ્યારે આ વર્ષે 148800 હેકટર વિસ્તારમાં જ વાવેતર થઈ શક્યું છે. હાલ વરસાદ ન આવવાથી જિલ્લામાં ડાંગરનું 50% વિસ્તારમાં જ વાવેતર થવા પામ્યું છે. પાણીના અભાવે બાકીના 50% વિસ્તારમાં હજુ પણ ચોમાસુ ડાંગરની રોપણી જ થઈ શકી નથી. જયારે જે વિસ્તારોમાં ડાંગર,મકાઈ, બાજરી સહિત કઠોળ પાકોનું વાવેતર કરી દેવામાં આવ્યું હતું તે પાકો પણ હાલ વરસાદ ન આવવાને લઈને સુકાઈ જવાની આરે આવ્યા છે.
આગામી 3 દિવસ સુધીમાં જો વરસાદ ન આવે તો વરસાદ આધારિત તમામ પાકો નિષ્ફળ જાય તેવી સ્થિતિનું નિર્માણ હાલ થવા પામ્યું છે. ત્યારે જિલ્લાના જળાશયોમાં પણ પાણીના સ્તર નીચા જવા પામ્યા છે. જિલ્લાના મુખ્ય જળાશય પાનમ ડેમમાં પણ હાલ ડેમની કુલ સંગ્રહ ક્ષમતા ના 40% જેટલો જ પાણીનો જથ્થો રહેવા પામ્યો છે. ડેમમાં જળ સપાટી હાલ 121 મીટર જેટલી છે. ત્યારે ડેમ આધારિત કેનાલ મારફતે સિંચાઈનું પાણી મેળવતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે, વરસાદ ખેંચતા ડાંગરની રોપણી માટે સિંચાઈનું 500 ક્યુસેક પાણી કેનાલમાં છોડવામાં પણ
આવ્યું હતું.