કોરોનાવાયરસ જન્ય કોવિડ-૧૯નો ભોગ બનેલા બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જૉન્સનને ગઇકાલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ પણ તેમની સ્થિતિ વધુ બગડેલી જણાતા તેમને સઘન સારવાર કક્ષ (આઇસીયુ)માં ખસેડવામાં આવ્યા હતા.
સ્થાનિક સમય પ્રમાણે રવિવારે રાત્રે જૉન્સને લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સોમવારે તેમની સ્થિતિ વધુ બગડતા તેમને આઇસીયુમાં ખસેડવાનો નિર્ણય ડોકટરોએ કર્યો હતો. સ્થાનિક સમય પ્રમાણે સોમવારે સાંજે સાત વાગ્યે તેમને આઇસીયુમાં દાખલ કરાયા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ સર્જાતા તેમને ઓક્સિજન આપવામાં આવ્યો હતો. સોમવારની આખી રાત તેમણે આઇસીયુમાં ગાળી હતી. જ્યારે આજે વડાપ્રધાન કાર્યાલયના એક પ્રવકતાએ જણાવ્યું હતું કે જૉન્સનની સ્થિતિ સ્થિર છે અને તેઓ સારી સ્થિતિમાં છે. વડાપ્રધાનને વેન્ટિલેટર પર મૂકવાની જરૂર નથી એમ તેમણે જણાવ્યું હતું. અને આજે દિવસ દરમ્યાન વધુમાં એમ પણ જણાવાયું હતું કે જૉન્સન કોઇ પણ જાતની મદદ વિના શ્વાસ લઇ રહ્યા છે. સ્થાનિક સમય પ્રમાણે સોમવારે રાત્રે વડાપ્રધાને પોતાના પ્રથમ સહાયક એવા યુકેના વિદેશ મંત્રી ડોમિનિક રાબને પોતાની કામગીરી સંભાળી લેવા જણાવ્યું હતું.
બીજી બાજુ, બ્રિટિશ વડાપ્રધાનની તબિયતના સમાચારથી વિશ્વભરમાં ચિંતાનું મોજું ફેલાયું છે અને ઠેર ઠેરથી તેમના સાજા થઇ જવાના શુભેચ્છા સંદેશાઓ વહેતા થયા છે. ભારતીય વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વીટર સંદેશામાં કહ્યું હતું કે તમે જલદીથી હોસ્પિટલમાંથી બહાર આવી જાઓ અને ઝડપથી સંપૂર્ણ તંદુરસ્ત થઇ જાઓ તેવી આશા. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તમામ અમેરિકનો જૉન્સનના સાજા થઇ જવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. સ્થાનિક સ્તરેથી બકિંગહામ પેલેસ, લંડનના મેયર સાદીક ખાન, બ્રિટનના ગૃહ મંત્રી પ્રીતિ પટેલ વગેરે તરફથી શુભેચ્છા સંદેશાઓ મૂકવામાં આવ્યા હતા.