તમિલનાડુમાં ડીએમકે સરકારે આજે પેટ્રોલ પર લિટરે રૂ. 3નો ટેક્સમાં કાપ જાહેર કર્યો હતો અને બળતણના ભાવવધારા માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી હતી અને કહ્યું કે ગ્રાહકોને રાહત પૂરી પાડવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે.નાણાં મંત્રી પલાનીવેલ થિઆગા રાજને 2021-22 માટેનું સુધારેલું બજેટ વિધાનસભામાં રજૂ કરતા ટેક્સમાં કાપની જાહેરાત કરી હતી. આનાથી સરકારની તિજોરીને વર્ષે રૂ. 1160 કરોડનું નુક્સાન થશે.
તમિલનાડુ પેટ્રોલિયમ ડિલર્સ એસોસિયેશનના પ્રમુખ કે પી મુરાલીએ કહ્યું કે ચેન્નાઇમાં પેટ્રોલના ભાવ હવે રૂ. 102.49 છે અને રાજ્યના અન્ય ભાગોમાં મહત્તમ 104.48ના ભાવે વેચાય છે. 3ના ઘટાડાથી રાજ્યના અન્ય ભાગોમાં પણ ભાવ એ રીતે ઘટશે.
મે મહિનાથી પેટ્રોલ અને ડિઝલના ભાવ વધવાના શરૂ થયા બાદ પેટ્રોલ પર ટેક્સ કાપ મૂકનાર તમિલનાડુ દેશનું પહેલું રાજ્ય છે. આ કાપ મૂકતા પહેલાં રાજ્યમાં પેટ્રોલ પર 15% વત્તા લિટરે રૂ. 13.02 ટેક્સ હતો જે લિટરે કુલ રૂ. 24.26 થાય છે.પેટ્રોલ પર કેન્દ્ર સરકાર મે 2014માં લિટરે રૂ. 10.39 એક્સાઇઝ વસૂલતી હતી એ હવે લિટરે રૂ. 32.90 થઈ છે.