ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીના ડિગ્રી- ડિપ્લોમા અભ્યાસક્રમ માટે આવતીકાલ તારીખ 2જી ઓગસ્ટ 2021થી www.gujacac.nic.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકાશે. ઓનલાઇન રજીસ્ટ્રેશન અને તેની રજિસ્ટ્રેશન ફી ભરવાની છેલ્લી તારીખ 22 ઓગસ્ટ-2021 સાંજે 5 સુધી રહેશે. ઉમેદવારે સંબંધિત ડોક્યુમેન્ટ અપલોડ કરીને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે અને રજિસ્ટ્રેશન ફી (નોન રિફંડેબલ) 300 રૂપિયા ફક્ત ઓનલાઈન દ્વારા ચૂકવણી કરવાની રહેશે.
વિદ્યાર્થીએ કોઈપણ ડોક્યુમેન્ટ રૂબરૂ આપવાની અથવા તેની રૂબરૂ ચકાસણી કરાવવાની જરૂર નથી. પ્રવેશ માટેની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઇન જ કરવામાં આવે છે. ડિગ્રી ફાર્મસીની સરકારી અનુદાનિત સ્વનિર્ભર એમ કુલ 75 સંસ્થાઓની 6,186 અને ડિપ્લોમાં ફાર્મસીની 1,331 મળી કુલ 7,517 બેઠકો માટે આવતીકાલથી ઓનલાઇન પ્રવેશ કાર્યવાહી શરૂ થશે. જેના માટેની પ્રવેશ લાયકાત રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર સાથે ગણિતશાસ્ત્ર જીવવિજ્ઞાન, બાયોટેકનોલોજી સાથે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પાસ કરેલું હોવું જોઈએ. આ વર્ષે પ્રવેશની લાયકાતમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.
સરકારી અને અનુદાનિત સંસ્થાઓની 95 ટકા બેઠકો અને સ્વનિર્ભર સંસ્થાઓની 50 ટકા બેઠકો માટેના મેરીટ ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર સાથે ગણિતશાસ્ત્ર કે જીવવિજ્ઞાનના બોર્ડના થીયરી પર્સેન્ટાઇલના 50 ટકા અને સંબંધિત વિષયોની ગુજકેટની પરીક્ષાના પર્સેન્ટાઇલના 50 ટકા પર મેરીટ બનાવવામાં આવશે. જ્યારે સરકારી અને અનુદાનિત સંસ્થાઓની 5 ટકા બેઠકોનું મેરીટ જેઈઈ મેઈન- 2021ના ઓલ ઇન્ડિયા રેન્ક પર મેરીટ અથવા નીટ પરીક્ષાના પર્સેન્ટાઇલ પર બનાવવામાં આવશે.