બીજિંગ: ચીન (china)માં રાજધાની બીજિંગ સહિત 15 શહેરોમાં ડેલ્ટા વેરિયન્ટ (delta variant)ના કોવિડ કેસોમાં અચાનક ઉછાળો આવ્યો છે. પૉઝિટિવ કેસો (Positive case)ના ઝૂમખાં મળી રહ્યા છે અને સત્તાવાર મીડિયાએ ડિસેમ્બર 2019માં વુહાન (Wuhan)માં વાયરસ (Corona virsu)ફાટ્યો ત્યારબાદ સૌથી વ્યાપક ઘરેલુ રોગચાળો ગણાવ્યો છે.
પૂર્વ ચીનના જિંગ્સુ પ્રાંતના નેન્જિંગના એક એરપોર્ટ પરથી કોરોનાના કેસોમાં ઉછાળો શરૂ થયો હતો અને તે પાંચ બીજા પ્રાંત અને બીજિંગ મ્યુનિસિપાલ્ટીમાં ફેલાયો છે એમ ગ્લોબલ ટાઇમ્સે જણાવ્યું હતું. સંખ્યાબંધ એરપોર્ટ સ્ટાફ પૉઝિટિવ આવ્યા બાદ નેન્જિંગ શહેરે તમામ ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે. બહુ ઝડપથી ફેલાતા અને ભારતમાં સૌ પ્રથમ ઓળખી કઢાયેલા ડેલ્ટા વેરિયન્ટના કેસો ચીનના 15 શહેરોમાં નોંધાયા છે. નવા કેસોની સંખ્યા હજી સેંકડોમાં જ છે છતાં વિવિધ પ્રાંતોમાં ફેલાયેલો હોવાથી ચિંતા ઊભી થઈ છે.
અધિકારીઓને ચિંતા એ છે કે છેલ્લા કેસના 175 દિવસો બાદ બીજિંગમાં અચાનક કેસો આવવા લાગ્યા છે. રાજધાનીની અંદર રાષ્ટ્રપતિ જિનપિંગ સહિતના ટોચના નેતાઓ રહે છે અને પહેલી જુલાઇએ કમ્યુનિસ્ટ પાર્ટીની શતાબ્દી ઉજવણીઓ માટે સ્થાનિક સરકારે 2.2 કરોડની વસ્તીવાળા આ શહેરને મહિનાઓ સુધી સુરક્ષિત રાખ્યું હતું. ભારત અને બીજા ઘણા દેશો માટે ચીને હજી એનું આકાશ ખોલ્યું નથી અને મોટા ભાગની બીજિંગ જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને અન્ય શહેરોમાં વાળવામાં આવે છે અને ત્યાં ઉતારૂઓએ બીજિંગમાં પ્રવેશતા પૂર્વે 21 દિવસ ક્વૉરન્ટાઇન રહેવું પડે છે.
જો કે આ બબલ થોડા દિવસ અગાઉ ફૂટી ગયું હતું જ્યારે આફ્રિકન દેશના એક ઉચ્ચ અધિકારી ડેલિગેશન સાથે આવ્યા અને પૉઝિટિવ ટેસ્ટ આવ્યો હતો. ગભરાયેલા અધિકારીઓએ એ લક્ઝરી હૉટેલને સીલ કરી દીધી હતી. 90 લાખની વસ્તીવાળા નેન્જિંગ શહેરે તમામ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી હતી. અહીં કોરોનાના 200થી વધુ કેસ મળ્યા છે. આની અસર લોકો પર પડી છે અને અત્યાર સુધી ઢીલ રાખીને સમર વેકેશનનું આયોજન કરતા લોકોએ વેકેશન રદ કરી દીધું છે.
ચીનમાં અત્યારે 932 સક્રિય કેસો છે અને એમાંથી 25 ગંભીર છે. 40% વસ્તીનું રસીકરણ થઈ ચૂક્યું છે.