સુરત : સુરતની કોર્ટ (Surat court)માં પ્રેકટિસ કરતા વકીલો (Advocates)ને હવે વધુ એક ભાર સહન કરવાનો સમય આવ્યો છે. અત્યાર સુધી કોઇપણ વકીલો કોર્ટમાં વકીલાતનામુ રજૂ કરે ત્યારે તેની ઉપર 10 રૂપિયાની સ્ટેમ્પ (Stamp) લગાડવી પડતી હતી, પરંતુ હવે આ ટીકીટનો ભાવ ડબલ કરીને 20 રૂપિયા કરી દેવામાં આવતા સુરતના જૂનિયર વકીલોમાં નારાજગી જોવા મળી છે. જ્યારે હાઇકોર્ટ તેમજ અન્ય ટ્રીબ્યુનલમાં 20 રૂપિયાની જગ્યાએ 40 રૂપિયા વેલફેર ટીકીટ (Welfare Ticket) કરી દેવામાં આવી હતી. આ અંગેનો પરિપત્ર બીસીજી (ગુજરાત બાર કાઉન્સિલ) દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ સને-1991માં બીસીજી દ્વારા વેલફેર સ્કીમ શરૂ કરવામાં આવી હતી. જે વકીલો ગુજરાત બાર કાઉન્સિલમાં નોંધાય તેઓ વેલફેર સ્કીમ હેઠળ અમૂક રકમ જમા કરાવતા હતા. બીજી તરફ જ્યારે પણ બીસીજીના સભ્યનું અવસાન થાય ત્યારે તેને વેલફેર સ્કીમમાંથી સહાય ચૂકવવામાં આવતી હતી. લોકડાઉન દરમિયાન દોઢ વર્ષ ઉપરાંત કોર્ટની કામગીરી બંધ રહી હતી. આ દરમિયાન કોરોનાની બીમારી તેમજ અન્ય બિમારીને કારણે 400 થી વધુ વકીલોના મોત નીપજ્યા હતા. બીસીજી દ્વારા તેઓને રૂા. 3.50 કરોડથી વધુની સહાય ચૂકવી દેવામાં આવી છે. ત્યારે હાલમાં વેલફેરનું ફંડ ખુબ જ ઓછું થઇ ગયું હતું.
આ દરમિયાન વેલફેરનું ફંડ વધારવા માટે થઇને બીસીજી દ્વારા મીટીંગનું આયોજન કરાયુ હતુ અને વેલફેર ચાર્જમાં વધારો કરાયો હતો. બીસીજીએ બહાર પાડેલા પરિપત્રમાં જણાવ્યું હતું કે, જિલ્લા અને તાલુકા કક્ષાની જે કોર્ટો છે તેમાં વકીલાતનામા ઉપર 10 રૂપિાયની વેલફેર સ્ટેમ્પ લગાડવો પડતો હતો, પંરતુ તેની જગ્યાએ હવે રૂા. 20નો સ્ટેમ્પ લગાડવો પડશે. આ ઉપરાંત ગુજરાત હાઇકોર્ટ, ટ્રીબ્યુનલ અને સ્પેશ્યલ કોર્ટમાં રૂા. 20ની જગ્યાએ રૂા. 40 ભરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બીસીજીએ આ પરિપત્ર ગુજરાત રાજ્યના તમામ તાલુકા અને જિલ્લા કોર્ટને મોકલી આપ્યો હતો.
હાલમાં બીસીજી પાસે વેલફેર ફંડ નથી એટલે ટીકીટ વધારવામાં આવી : વકીલ જીતેન્દ્ર ગોળવાળા
ગુજરાત બાર કાઉન્સિલના સભ્ય અને સુરતની કોર્ટમાં પ્રેકટિસ કરતા વકીલ જીતેન્દ્ર ગોળવાળાનો સંપર્ક કરવામાં આવતા તેમણે કહ્યું કે, કોરોનાની મહામારીમાં કોર્ટ દોઢ વર્ષ સુધી બંધ રહી હતી. આ દરમિયાન 2400 વકીલોને 3.50 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત દોઢ વર્ષમાં જ ગુજરાત રાજ્યમાં 400 જેટલા વકીલોના મોત નીપજ્યા હતા. તેઓને વેલફેર વળતરમાંથી 12 કરોડ ઉપરાંતની સહાય ચૂકવવામાં આવી છે. રેગ્યુલર કોર્ટ શરૂ હોય ત્યારે વેલફેરમાં રૂા. અઢીથી ત્રણ કરોડની આવક થાય છે. જ્યારે લોકડાઉનમાં માત્ર રૂા. 12.50 લાખની જ આવક થઇ છે. જેના કારણે બીસીજીએ વેલફેર ટીકીટમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે, અને આ માટે કોઇએ વિરોધ પણ નોંધાવ્યો નથી.
કેટલાક સરકારી વકીલો વેલફેર સ્ટેમ્પ લગાડતા ન હોવાથી તેઓને પણ સૂચના આપવામાં આવી
બીસીજી દ્વારા બહાર પાડેલા પરિપત્રમાં જિલ્લા સરકારી વકીલ, આસીસ્ટન્ટ સરકારી વકીલ, સ્પેશ્યલ સરકારી વકીલ અને હાઇકોર્ટમાં તેમજ ગુજરાત સરકાર તરફે હાજર રહેતા સ્પેશ્યલ વકીલોને ફરજીયાત વેલફેર સ્ટેમ્પ એપિયરન્સ પુરસીસ લગાવવા માટે પણ કહેવાયું છે. જો કે, કેટલાક વકીલો આવી સ્ટેમ્પ લગાડતા ન હોવાથી તેઓને ગુજરાત બાર કાઉન્સિલની જોગવાઇનું પાલન કરવા માટે પણ જાણ કરીને સૂચના આપવામાં આવી હતી.