સુરત: (Surat) આખા દેશમાં મુંબઈ પછી જો કોઈ શહેરમાં ગણેશોત્સવની (Ganesh Utsav) મોટાપાયે ઉજવણી થતી હોય તો તે સુરત શહેર છે. અમદાવાદની રથયાત્રાની જેમ સુરતમાં ગણેશોત્સવનો મહિમા છે. સુરતના સાર્વજનિક ગણેશોત્સવમાં આશરે 40તી 50 લાખ લોકો જોડાય છે. ગણેશ વિસર્જનના દિવસે લાખો લોકો સુરતમાં રસ્તાઓ પર વિસર્જન યાત્રા જોવા માટે ઉમટે છે. સુરત માટે સાર્વજનિક ગણેશોત્સવનો અલગ મહિમા છે પરંતુ ગત વર્ષે કોરોનાના કારણે સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણી થઈ શકી નહોતી. પરંતુ આ વખતે રાજ્યમાં કોરોનાના કેસ કાબુમાં આવી જતાં અને સુરતમાં પણ કોરોનાના કેસ સિંગલ ડિજિટમાં આવી જતાં રાજ્ય સરકારે સુરતમાં સાર્વજનિક ગણેશોત્સવને ઉજવવા માટે મંજૂરી આપી છે. સરકારે (Government) સાર્વજનિક ગણેશોત્સવમાં ચાર ફુટની પ્રતિમાની (Murty) સ્થાપના કરી શકાશે તેવી જાહેરાત પણ કરી છે.
ગત અષાઢી બીજના દિવસે યોજાતી રથયાત્રામાં શહેરમાં તંત્રએ મજુરી આપી ન હતી. રથયાત્રા માત્ર બે દિવસ બાકી હતા ત્યારે પોલીસ તંત્રના આડોડાઇથી કરફ્યુના માહોલમાં તેમજ કડક ગાઇડલાઇનના પગલે રથયાત્રા કાઢવાની મોખિત આયોજકોને વાત કરતા સ્વૈચ્છિક પણે રથયાત્રા નહિ કાઢવાનો આયોજકોએ નિર્ણય લીધો હતો. આમ સતત બીજા વર્ષે પણ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા ન હતા. જેના કારણે આગામી 10 મી સપ્ટેમ્બરના રોજ આવનારા ગણેશોત્સવમાં સાર્વજનિક ગણેશોત્સવ તંત્ર દ્વારા પરવાનગી આપવામાં આવશે કે નહી તેની ગણેશભક્તો, મંડળો, મૂર્તિકારો રાહ જોઇ રહ્યા હતા ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં વધુ 4 ફુટની પ્રતિમાં સાથે સાર્વજનિક ગણેશોત્સવ યોજવાની છૂટ આપતા ગણેશભક્તોમાં ખુશી વ્યાપી ગઇ છે.
સાર્વજનિક ગણેશોત્સવને મંજૂરી આપવા માટે ગણેશ ઉત્સવ સમિતીએ તાજેતરમાં જ રજૂઆતો પણ કરી હતી
સુરતમાં સાર્વજનિક ગણેશોત્સવને મંજૂરી આપવા માટે તાજેતરમાં રજૂઆતો પણ કરવામાં આવી હતી. સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના સંતોએ તાજેતરમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સમક્ષ ચાર ફૂટની પ્રતિમા સાથે સાર્વજનિક ગણેશોત્સવની યોજવા પરવાનગી આપવા માટે માંગણી કરી હતી.