SURAT

કાપડ ઉદ્યોગમાં જો હવે ટેક્સના દરો બદલવામાં આવે તો બેરોજગારી વધવાની ભીતિ

સુરત: (Surat) ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનો (GST) કાયદો અમલમાં આવ્યો છે ત્યારથી કાપડ ઉદ્યોગ પર ઇન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચરને લઇ કાપડ ઉદ્યોગકારો (Textile Traders) પરેશાન છે. જોકે હાલ પરિસ્થિતિ થાળે પડી છે પરંતુ દેશભરમાં વિવિધ કાપડ સંગઠનોના અલગ અલગ મત હોવાથી વારંવાર કાપડ ઉદ્યોગને રજૂઆતો થઇ રહી છે. થોડા દિવસો પહેલા કેટલાક કાપડ સંગઠનો દ્વારા કાપડ ઉદ્યોગ (Textile Industries) પર તમામ સ્તર પર એક સમાન ડ્યૂટી લાગૂ કરવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી હતી. જોકે હવે ફેડરેશન ઓફ ઇન્ડિયન આર્ટ સિલ્ક એન્ડ વિવિંગ ઇન્ડસ્ટ્રી દ્વારા હાલમાં જ ટેક્સ સ્લેબ છે. તેમાં કોઇ ફેરફાર નહીં કરવામાં આવે તેવી રજૂઆત કાપડ મંત્રાલયમાં કરવામાં આવી છે.

ફીઆસ્વી, ભીવંડી ટેક્સટાઈલ મેન્યુફેક્ટરર્સ એસોસિએશન અને હલારી પાવરલુમ્સ, પાંડેસરા વીવર્સ સોસાયટી અને ઓનર્સ અને વીવર્સ એસોસિએશને ટેક્સટાઈલના પોલિયેસ્ટર કાપડમાં યાર્નથી લઇ કાપડ સુધી એક જ ડ્યૂટી હોવી જોઇએ તેવી માંગણી કરી હતી. જીએસટી કાઉન્સિલની પાછલી મિટીંગમાં ટેક્સટાઈલ સેક્ટર પર જીએસટીના દરમાં ફેરફાર અંગે ચર્ચા થવાની હતી. જોકે, ટેક્સટાઈલ સેક્ટરની વિવિધ સંસ્થાઓ દ્વારા જીએસટીના દરને લઈને થયેલી અલગ – અલગ રજૂઆતને પગલે કાઉન્સિલની મિટીંગમાં કોઇ નિર્ણય લેવાયો નહતો. ઉદ્યોગકારોનું કહેવું હતું કે અલગ-અલગ ડ્યૂટી સ્ટ્રક્ટર હોવાથી કરોડો રૂપિયાનું રિફંડ અટકી પડતાં કેપિટલ બ્લોક થતી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. ખાસ કરીને મોટા કમ્પોઝિટ યુનિટ અને સ્પીનીંગ ઈન્ડસ્ટ્રિઝ તેમાં સામેલ છે.

તેની સામે ફિઆસ્વીએ રજૂઆતમાં જણાવ્યું છે કે જો જીએસટી સ્લેબમાં ફેરફાર થાય તો સરકારને મળનારી રેવેન્યુને કોઈ અસર થવાની નથી પરંતુ અન્ય જીએસટીના દરની આડમાં ફરીથી યાર્નના દર ઉંચા જશે.જેની સીધી અસર દેશના એમએમએફ સાથે સંકળાયેલા ૧૨ લાખ વણાટ એકમોની ૧૯ લાખથી વધુની રોજગારીને થઈ શકે છે. જેની સામે જીએસટીના સ્લેબમાં ફે૨ફાર કરવાની જગ્યાએ હયાત દરને ચાલુ રાખવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. ફિઆસ્વીના ચેરમેન ભરતગાંધી અને કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા મયૂર ગોલવાળાએ જણાવ્યું હતું કે હાલમાં જે ટેક્સ સ્લેબની દરો છે, તેમાં જો ફેરફાર કરાશે તો કાપડ ઉદ્યોગને નુકશાન થવાની શક્યતા વધારે છે. મોટી સંખ્યામાં લોકો બેરોજગાર બનશે, માટે હાલના દરો યથાવત રાખવા જોઇએ.

હાલમાં કેટલો ટેક્સ લાગે છે

  • યાર્ન તૈયાર કરવાના રો- મટિરિયલ્સ પર: ૧૮ ટકા
  • યાર્ન પર: ૧૨ ટકા
  • ગે કાપડ અને ફિનિશ્ડ કાપડ પર: પ ટકા

Most Popular

To Top