Vadodara

શહેરના વિવિધ 4 સ્થળે લાખોની મતાની ચોરી કરી તસ્કરો ફરાર

વડોદરા: વડોદરા શહેરમાં તસ્કરો ફરી એકવાર બેફામ બન્યા છે. જાણે પોલીસને પડકાર ફેંકતા હોય તેમ ગણતરીના કલાકોમાં શહેરના જુદા જુદા ચાર જેટલા સ્થળોએ લાખો રૂપિયાની મતાના સોનાચાંદીના ઘરેણાં અને રોકડ મળી કુલ રૂ, ચોરી કરી ફરાર થઈ ગયા છે . રાત્રિ કરફ્યુ હોવા છતાં તસ્કરો બેખોફ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે પોલીસના નાઈટ પેટ્રોલીંગ સામે પણ સવાલો ઉભા થયા છે. હાલ મકાન માલિકોને પરસેવાની કમાણીની લાખો રૂપિયાની મત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો. મકાન માલિકોએ સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવતા નિંદ્રાધીન  પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ખોડિયાર નગર રોડના મોતીભાઈ પાર્કની બાજુમાં આવેલ વીરા વિલાસમાં રહેતા હિતેશકુમાર કિશનકુમાર જસવાણી ગારમેન્ટનો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 24  જુલાઈના રોજ તેઓ પોતાના મકાનને તાળું મારી પરિવાર સાથે દર્શન અર્થે સારંગપુર ગયા હતા. દરમિયાન ત્રાટકેલા અજાણ્યા તસ્કરો મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશી બેડરૂમમાં આવેલ લાકડાના કબાટનો સામાન વેરવિખેર કરી રોકડા રૂપિયા 40 હજાર તથા રૂ. 3.89 લાખની મતાના સોના ચાંદીના ઘરેણા મળી કુલ 4.29  લાખની મતા ચોરી ફરાર થઈ ગયા હતા. બનાવ સંદર્ભે બાપોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં તાંદલજા વિસ્તારમાં આવેલી રાબિયા પાર્ક સોસાયટીમાં રહેતા તોસિફ હિસામુદ્દીન શેખ ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે. ગત 25મી જુલાઈના રોજ તેઓ પોતાના મકાનને તાળું મારી ટ્રાન્સપોર્ટના કામકાજ અર્થે જામનગર ગયા હતા. દરમિયાન ત્રાટકેલા અજાણ્યા તસ્કરો મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશી તિજોરી નો સામાન વેરવિખેર કરી રોકડા રૂપિયા 40 હજાર તથા રૂ. 1.37 લાખના સોના ચાંદીના ઘરેણા મળી કુલ રૂ. 1.77 લાખની મતા ચોરી ફરાર થઈ ગયા હતા. બનાવ સંદર્ભે જે.પી.રોડ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ત્રીજા બનાવમાં દંતેશ્વર વિસ્તારમાં આવેલી દર્શનમ પર્લ સોસાયટીમાં પરિવાર સાથે રહેતા 33 વર્ષીય પૂર્વ દિનેશકુમાર વૈદ્ય ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત તા. 26મી જુલાઇના રોજ પરિવાર ઉપરના માળે સુવા માટે ગયો હતો. બીજા દિવસે પરિવાર નીચે પહોંચતા ઘરનો સામાન વેરવિખેર જણાતા ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બેડરૂમની બારીની ગ્રીલ ને પહોળી કરી મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ 55 હજાર રોકડા રૂપિયા, 1.39 લાખના સોના-ચાંદીના ઘરેણાં અને 2 હજારની ઘડિયાળ મળી કુલ રૂ. 1.95 લાખ ઉપરાંતની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા ફરિયાદના આધારે મકરપુરા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

અન્ય એક બનાવમાં સમા કેનાલ રોડ ઉપર આવેલા વૃંદાવન ડુપ્લેક્સ માં રહેતા નિલેશભાઈ હસમુખલાલ લાલપુરવાળા ખાનગી કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત તા. 25મી જુલાઈના રોજ તેઓ પરિવાર સાથે નેત્રણ ફરવા માટે ગયા હતા. દરમિયાન મુખ્ય દરવાજાનું ઇન્ટરલોક તોડી તથા નકુચો તોડી ઘરમાં પ્રવેશેલા તસ્કરોએ કબાટમાં રાખેલા 15 હજાર રોકડા રૂપિયા , પ્લેટિનિયમ બ્રેસલેટ, બે કેમેરા સહિત 68 હજારની મત્તા ચોરી ફરાર થઈ જવાનો બનાવ સમા પોલીસ મથકે નોંધાયો છે.

Most Popular

To Top