Business

પુરૂષાર્થ જ આપણો પારસમણિ

પ્રાર્થના એ જ પારસર્માણ. વર્તમાન ઘોંઘાટ યુગમાં જીવનારા આપણને શાંતિની જેટલી જરૂર છે એટલી કોઈપણ યુગમાં નહોતી. વિજ્ઞાન પ્રાર્થનાનું વિરોધી છે એમ માનવું ભૂલ ભરેલું છે, ધૂન એ પ્રાર્થનાનું એક સ્વરૂપ છે. કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે ધૂન લગાવવી પડે છે. અર્થાત્ એકાગ્રતા કેળવવી પડે છે, ધૂણી લગાવવી પડે છે. પ્રાર્થનાના અનેક સ્વરૂપો છે. આપણે ક્યા સ્વરૂપે પ્રાર્થના કરીએ છીએ એ મહત્ત્વનું નથી. મહત્ત્વનું છે પ્રાર્થનાનું હાર્દ. અંતરને ઓળખ્યા વિના કોઈને પણ પામી શકાતું નથી. પ્રાર્થનામાં અભ્યાસની જરૂર છે, પુરુષાર્થની જરૂર છે.

– પુરુષાર્થ જ આપણો પારસમણિ છે. એનાથી આપણે પવિત્ર બની જઈએ છીએ, એટલું જ નહીં પણ જીવનમાંથી પ્રેમની સુગંધ વહેવા લાગે છે અને એ પ્રેમના સ્પર્શથી અનેકોના અંતરે ટાઢક વળે છે. પારસમણિના સ્પર્શથી જેમ લોહ સુવર્ણ બની જાય છે તેમ પ્રાર્થનાના બળે પ્રેમનું સર્વોચ્ચ સ્વરૂપ અનુભવાય છે. પ્રાર્થના પ્રભુની પૂજા છે. ઈશ્વરની ઈબાદત છે. જેનું હૃદય પ્રેમમય હશે જેનું અંતર ભક્તિભીનું હશે તેને ઈબાદતમાં શ્રદ્ધા બેસશે. પ્રાર્થના એટલે વિનંતી પણ તે વિનંતી કલાકની પ્રાપ્તિ માટે નહીં સ્નેહને શરણે જવાની હોય છે.

 આપણે સુવર્ણના યુગમાં જીવીએ છીએ. સુવર્ણ જાણે આપણી સિદ્ધિ છે. સુવર્ણ જ આપણું લક્ષ્ય છે. સર્વ સુખોનું કેન્દ્ર સુવર્ણ છે. જુઓ આ વાત સાચી હોય તો આપણે બધી શોધ પડતી મૂકીને પારસમણિની શોધ કરવાની રહે છે, પણ સમાજમાંથી થોડાક તો એ વાત જાણે છે કે સુવર્ણ સર્વોપરી નથી. ભૌતિક સુખના સીમાંકન સુધી ભલે એનું ચલણ રહેતું, પણ જિંદગીની સાચી ધરતી પર એ નાણું પાછું ફરે છે અને તેથી લોહને સુવર્ણ બનાવે તેવા પારસમણિની આપણને જરૂર નથી. આપણે તો એવા પારસમણિની જરૂર છે કે જેના સ્પર્શ માત્રથી જીવન સુગંધમયી બની જાય, પ્રભુમય બની જાય જે આપણને સાચા સુખ-શાંતિ, પવિત્રતા અને ઈશ્વરીય આનંદની અનુભૂતિ કરાવતું રહે.

સૂર્યનો ઉદય થાય છે ને અસ્ત થાય છે એ સમય પટમાં આપણે આપણી જાતને – મનને અનેક પ્રવૃત્તિઓમાં ગૂંથી લઈએ છીએ. કદાચ આપણે સ્વાર્થને કેન્દ્રમાં રાખીને આપણી પ્રવૃત્તિઓનું વિકેન્દ્રીકરણ કરીએ છીએ. એ વિકેન્દ્રીકરણમાં આપણે ક્યાં શીર્ણ-વિદીર્ણ થઈ જઈએ એની આપણને ખબર પડતી નથી અને એટલે જ દિવસના આરંભે કે દિવસના અંતે પ્રાર્થના એ આપણું આશ્વાસન બની શકે છે. પ્રાર્થનાને સમયનું બંધન નથી, પણ સવારે આપણું મન પવિત્ર અને પ્રફુલ્લિત હોય છે એટલે મનને પ્રાર્થનામાં વાળવાનું સરળ બની જાય છે.

 પ્રાર્થના એજ પારસમણિ એટલા માટે છે કે પોતાના સહવાસથી બીજાને જ્ઞાનમય બનાવી દે છે. પોતાની પ્રભુપ્રાર્થનાના પરિમલથી બીજાને પ્રેમમય બનાવી દે છે. પોતે જો ઋતમય હોય જ, પણ અન્યને પણ તેની પૂજા કરનાર ઋષિ બનાવી દે. પારસમણિ જેવા પ્રભુ પસંદ પુરુષ સહજ મળતા નથી. લાખોમાં એક દુર્લભ પુરુષ જ એવું જીવન જીવતો હોય છે. જે બીજાને પણ જીવાડી જાય છે. પોતાના ઈશ્વરીય સ્મિતના સ્પર્શ ઘણાં સુખી થઈ જાય છે. એની પાસે લોકોની અશાંતિને ઠારવાની અલૌકિક શીતળતા હોય.

 દિવસભરના કર્મોનો હિસાબ પણ આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે સામે આવે છે અને કંઈ ખોટું કર્યું હોય તો પ્રાર્થનામાં પરોવાયેલું મન પ્રભુ સાથે જોડાતા એ ભૂલો, પ્રભુ ક્ષમા કરે છે. આપણે આપણા સ્વાર્થ માટે કરોડો ખર્ચી શકતા હોઈએ છે તો પછી ઈશ્વરને ઓળખવા માટે, મનની શાંતિ માટે, અંતરમાં ડોકિયું કરવા માટે, થોડીક ક્ષણો ખર્ચી ન શકીએ? વાસ્તવમાં તો આપણે ઘણો બધો સમય વેડફી નાંખતા હોઈએ છીએ, ત્યારે “સમય જ નથી” એવી બૂમો પોકળ લાગે છે.

ઘણીવાર તો માણસ પોતાના ગુણોથી પરિચિત નથી હોતો. જો આપણે આપણામાં છુપાયેલા સદ્ગુણોથી પરિચિત થઈએ અને બીજા માટે કામે લગાડીએ તો આપણે આપણી જ નહિ, પણ અન્યના ભાગ્યની રેખાઓ પણ પારસમણિ બનીને બદલી શકીએ. હૃદયની લિપિ ઓળખાઈ જાય તો પછી જગતની કોઈપણ લિપિ ઓળખાઈ જશે. સહાનુભૂતિનો પારસનો સ્પર્શ શું ન કરી શકે? પારસમણિના અંશ એવા આપણે પોતાની દૃષ્ટિએ નહિ, પણ સામાની દૃષ્ટિએ જોઈએ અને જીવીએ તો આપણો સ્પર્શ સુવર્ણમય નહિ પણ ઈશ્વરીય સ્નેહમયી અવશ્ય બની રહેશે.

પ્રેમ + ભક્તિ અને પ્રાર્થના એક જ રેખાના ત્રણ બિંદુઓ છે. પ્રેમ વગર ભક્તિ શક્ય નથી, ભક્તિની ભાવના વિના પ્રાર્થના શક્ય નથી અને પ્રાર્થના વગર પ્રભુનું શરણ શક્ય નથી. અને પ્રભુ સિવાય શ્રેષ્ઠ પારસમણિ તૂલ્ય કોઈ બનાવી શકે નહિ. આપણે આપણી જાતને ઓળખવા ઇચ્છતા હોઈએ તો, પારસમણિ જેવી મહેક મહેકાવવી હોય તો, પ્રાર્થના જેવું પ્રબળ અસ્ત્ર બીજું કોઈ નથી. મિત્રો, આપણે અંતરની આરાધનાથી પ્રાર્થના દ્વારા પારસ બનીએ અને આપણા સહપરિવાર માટે એની સુગંધ ફેલાવવા પ્રેરણાસ્ત્રોત બનીએ એવી શુભકામના સાથે… ઓમ્ શાંતિ…

Most Popular

To Top