ગોધરા: યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારના રોજ ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું.બપોર બાદ વરસાદી માહોલ બનતા રોપવે ત્રણ કલાકથી વધુ સમય બંધ રાખવાની ફરજ પડી હતી. પાવાગઢ ખાતે 50 હજાર થી વધુ માઇભક્તો એ મહાકાળી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સાથે માઈ ભકતોએ કુદરતી સૌંદર્યની મજા માણી હતી.
ભક્તોનો ધસારો હોવાથી મંદિર ખાતે દર્શન કરવા માટે માઈ ભક્તોની લાંબી લાઈન લાગેલી જોવા મળી રહી હતી. જ્યારે બપોર બાદ પવન સાથે વરસાદ શરૂ થતા રોપ વે બંધ થતાં અનેક માઇભકતો મુશ્કેલીમાં મુકાયા હતા. રોપવે ની ટિકિટ લઈને બે કલાકથી વધુ સમય લાઈનમાં ઊભા રહેલ માઇભકતો ખરાબ વાતાવરણના કારણે રોપ વે બંધ કરવામાં આવતા આક્રોશ પણ તે વખતે જોવા મળ્યો હતો સાથે નાછૂટકે ટિકિટ હોવા છતાં પગપાળા દર્શનાર્થીઓ માચી ખાતે નીચે ઉતરતા જોવા મળી રહયા હતા.