દાહોદ: દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામે પરણીત મહીલા પર થયેલ અત્યાચારના બનાવના પડઘા સમગ્ર દાહોદ જિલ્લા સહિત ગુજરાત રાજ્યમાં પડી રહ્યા છે ત્યારે આ બનાવમાં એક નવો વળાંક સામે આવ્યો છે જેમાં અત્યાચારનો ભોગ બનેલી પરિણીતા દ્વારા પોતાના પતિ વિરુદ્ધ લગ્નજીવનના સમયગાળા દરમિયાન શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ પરિણીતાએ પોલીસ મથકે નોંધાવતા પોલીસે પરિણીતાના પતિ વિરુદ્ધ આ ગુના સબબ પણ ગુનો નોંધી કાયદેસરની ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે.
અત્યાચારનો ભોગ બનેલ 23 વર્ષીય પરિણીતા સાજનબેન દિનેશભાઈ કાનીયાભાઈ મછાર દ્વારા ગત તારીખ 8મી જુલાઇના રોજ પોતાના પતિ દિનેશભાઈ કાનીયાભાઈ મછાર વિરુદ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ આપતા પરિણીતાએ જણાવ્યું હતું કે, દિનેશભાઈ સાથે તેઓના લગ્ન આજથી પાંચ વર્ષ પહેલા સમાજના રીતરિવાજ મુજબ થયા હતા.
લગ્નના એકાદ વર્ષ સુધી સારું રાખ્યા બાદ પરિણીતા સાજનબેનને કોઈને કોઈ પ્રકારે પતિ દિનેશભાઈ દ્વારા મેણા – ટોણા મારી અને ઘરનું કામ આવડતું નથી, તું મને ગમતી નથી, તારી ચાલ ચલગત સારી નથી, તેમ કહી વારંવાર સાજનબેનને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતો હતો. આ સંદર્ભે ધાનપુર પોલીસ મથકે પરિણીતા સાજનબેનની ફરિયાદના આધારે આ ગુના સબબ આ કલમનો પણ ઉમેરો કરી પતિ દિનેશભાઈ વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે બીજી તરફ ગુજરાત રાજ્યમાં આવેલ એવા નાનકડા અને ગ્રામીણ વિસ્તારથી બાહુલ્ય ધરાવતા એવા દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામે આ પરિણીતા પોતાના પ્રેમી સાથે ભાગી ગઇ હતી અને ત્યારબાદ પરિણીતાના પ્રથમ પતિ તથા તેના સાસરિયા તેમજ ગ્રામજનો દ્વારા પરિણીતા તથા તેના પ્રેમીને પકડી લાવી ખજૂરી ગામે લઇ આવ્યા હતા અને ત્યાં પરિણીતા અને તેના પ્રેમીને ગડદાપાટુનો માર મારી પરિણીતાએ પહેરી રાખેલ કપડા ફાડી નાખી તથા તેની ખેંચતાણ પણ કરી પરિણીતાને નિર્વસ્ત્ર કરી માર માર્યો હતો અને ત્યારબાદ પરિણીતા સાજનબેનના ખભા પર પતિ દિનેશભાઈ બેસી જઈ ગામમાં ફેરવી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો કોઈ કે, સોશિયલ મીડિયામાં વાયરલ કરતાની સાથે જ જિલ્લા સહિત ગુજરાત રાજયમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
ત્યારે આ બનાવ સંદર્ભે પોલીસે પતિ સહિત ૨૦ થી વધુ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી પતિ સહિત 14 વ્યક્તિઓની આ ગુનામાં અટકાયત કરી હતી ત્યારે બીજી તરફ આ ઘટનાના ઉચ્ચસ્તરીય પડઘા પણ પડ્યા હતા અને જાણવા મળ્યા પ્રમાણે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી અને આવી ઘટના ગુજરાતમાં ચલાવી લેવામાં નહીં આવે તેમજ સ્ત્રીઓનું માન સન્માન જળવાઈ તેમજ તેઓને ન્યાય મળે તે માટે આ ઘટના સબ મુખ્યમંત્રી દ્વારા તપાસના આદેશો પણ આપવામાં આવ્યા હતા અને આરોપીઓને સખતમાં સખત સજા કરવામાં આવશે એવું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું.
ત્યારે આ સંદર્ભે દાહોદ જિલ્લાના કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડા દ્વારા પણ આવી ઘટનાઓને તેમજ સ્ત્રીઓ પર થતા અત્યાચારના બનાવોને સાંખી લેવામાં નહીં આવે તેવા કડક આદેશો સાથે ચેતવણી પણ ઉચ્ચારી હતી કે, ખોટી માન્યતા અને અંધશ્રદ્ધાના નામે મહિલાઓ સાથે તેમના આત્મગૌરવને હાનિ પહોંચે એવું કોઈપણ કૃત્ય ચલાવી લેવામાં નહીં આવે. સમાજને જાગૃત કરવા માટે એક જનજાગૃતિ અભિયાન આગામી દિવસમાં દાહોદ જિલ્લામાં
ચલાવવામાં આવશે.