સુરત: (Surat) સુરત ક્રાઈમ બ્રાંચમાં (Crime Branch) ફરજ બજાવતા એએસઆઈની પત્નીના (Wife) નામે જહાંગીરપુરા ખાતે ગ્રીનપાર્કમાં લીધેલો પ્લોટ નાનપુરા ખાતે રહેતી મહિલાએ તેના સાગરિત સાથે મળી અન્યને વેચી દઈ છેતરપિંડી આચરી હતી. ખુટતી સ્ટેમ્પ ડ્યુટીના કારણે સબ રજીસ્ટ્રાર કચેરીમાં જમા રહેલો દસ્તાવેજ મહિલાએ બારોબાર છોડાવી અન્યને વેચાણ દસ્તાવેજ (Sales document) કરી આપ્યો હોવાની ફરિયાદ રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
- જે મહિલાની પાસેથી ખરીદ્યો હતો તેણે અન્ય રીઢા ગુનેગાર સાથે મળીને ઠગાઈ કરી
- ખુટતી સ્ટેમ્પ ડ્યુટીના નામે અસલ દસ્તાવેજ નહીં આપી તેના આધારે ફરી પ્લોટ અન્યને વેચી દીધો
- પોલીસ કર્મચારીની પત્ની પાલિકામાં વેરાબીલમાં નામ દાખલ કરવા જતા કૌભાંડ સામે આવ્યું
રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જહાંગીરપુરા ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતી 49 વર્ષીય હસીનાબેન સિરાજબાબુ મેહમુદ કડીવાલાએ રાંદેર પોલીસ સ્ટેશનમાં તાહેરાબીબી સીરાજુદ્દીન શેખ (રહે, હબીબશા મોહલ્લો, નાનપુરા) તથા મોહમદ ઝુબેર અબ્દુલ રહીમ શેખ (રહે, આંબાવાડી, કાલીપુરા, સલાબતપુરા)ની સામે ફરિયાદ નોંધાવી છે. હસીનાબેનના પતિ ક્રાઈમ બ્રાંચમાં એએસઆઈ છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ રાંદેર ખાતે રેવન્યુ સર્વે નંબર 86 ગ્રીનપાર્ક સોસાયટીનો પ્લોટ નંબર 69 તાહેરાબીબી પાસેથી વર્ષ 1999માં 25 હજારમાં ખરીદ્યો હતો. જેના બદલામાં ધી સુરત ટેક્ષટાઈલ ટ્રેડર્સ બેંક લિ. કતારગામના સેલ્ફનો ચેક આપ્યો હતો.
આ પ્લોટ હસીનાબેનના નામે જે કે સમયે રજીસ્ટર દસ્તાવેજ થયો હતો. તાહેરાબીબીએ પોતાની ટુંકી સહી કરી હતી. બાદમાં બેંકમાં જઈને 25 હજાર ઉપાડી લીધા હતા અને વેચાણ દસ્તાવેજ સબ રજીસ્ટ્રાર કચેરી કતારગામમાં જમા રાખ્યો હતો. નવો નંબર સુધારા દસ્તાવેજથી રજીસ્ટર થયો છે. હસીનાબેનને વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો ત્યારે તાહેરાબીબીએ 200, 100 અને 50નો સ્ટેમ્પ 10 ઓગસ્ટ 1992ના રોજનો ખરીદી કરી જુનો દસ્તાવેજ નોંધાવ્યો હતો તેની ઝેરોક્ષ આપી હતી. જેની રજીસ્ટર દસ્તાવેજમાં માત્ર ઝેરોક્ષ રજુ કરી હતી. ઓરીજનલ દસ્તાવેજ કતારગામ સબ રજીસ્ટ્રાર કચેરીમાં ખુટતી સ્ટેમ્પ ડ્યુટીના કારણે જમા હતો. દસ્તાવેજ છોડાવા માટે સબ રજીસ્ટ્રાર કચેરી દ્વારા વર્ષ 2014 માં તાહેરાબીબીને નોટિસ મોકલી હતી.
આ અંગે તાહેરાબીબીએ મો.ઝુબેરને વાત કરતા તાહેરાબીબી સાથે મળી પ્લોટનો દસ્તાવેજ નવેસરથી તેના નામે કરાવી લીધો હતો. વર્ષ 2000માં દસ્તાવેજના આધારે પાલિકાના રાંદેર ઝોન કચેરીમાં રજુ કરી ઝુબેરે વેરાબીલમાં તેનું નામ ચઢાવી દીધું હતુ. હસીનાબેન દસ્તાવેજની ઝેરોક્ષના આધારે પાલિકામાં વેરાબીલમાં નામ દાખલ કરવા માટે અરજી કરતા કૌભાંડ સામે આવ્યું હતું. રાંદેર પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.
ઝુબેર બોગસ દસ્તાવેજ બનાવવામાં માહેર
ક્રાઈમ બ્રાંચના નામથી ભલભલા આરોપીઓને પસીનો છુટી જતો હોય છે. ત્યારે ક્રાઈમ બ્રાંચના એએસઆઈની પત્નીના નામનો બોગસ દસ્તાવેજ બનાવનાર ઝુબેર અગાઉ પણ બોગસ દસ્તાવેજ બનાવી ચુક્યો છે. ઝુબેર શેખ ખોટા દસ્તાવેજ બનાવવાના કેસમાં અગાઉ ઉમરા અને ખટોદરામાં પકટાયો હતો.