ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે, ત્યારે તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રદેશ કોંગ્રેસ પણ આળશ ખંખેરીને હવે મંદી, મોંઘવારી અને મહામારીમાં ત્રસ્ત ગુજરાતના ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગના નાગરિકો – પરિવારોની વ્યથાને વાચા આપવા તા. ૭મી જુલાઈ થી તા. ૧૭ જુલાઈ ”જન ચેતના” અભિયાન શરૂ કરશે.
પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કપરા સમયમાં સરકારની અણઘડ અને ખોટી નીતિઓને કારણે લાખો લોકોના મોત થયા, ધંધા વેપાર ચોપટ થયા, લોકો આર્થિક રીતે પાયમાલ થયા. તમામ રીતે ત્રાહિમામ પ્રજા એક બાજુ મહામારી મંદી અને મોઘવારીથી ત્રસ્ત છે.
અને એવા સમયમાં ભાજપ સરકાર અને એના શાસકો મોટા ઉત્સવ અને રાજકીય એજન્ડામાં મસ્ત છે. મોંઘવારીના સમયમાં પેટ્રોલ ડીઝલ ૧૦૦ એ પહોચ્યું છે. ગેસ સિલિન્ડર ૮૫૦ એ પહોચ્યું છે અને તેલ ૨૫૦૦ રૂપિયા ડબ્બો પહોંચ્યી ગયો છે. તેવા સમયમાં પ્રજા મોંઘવારી થી ત્રસ્ત છે. પ્રજા આર્થિક રીતે પાયમાલ છે.
સત્તા સ્થાને બેઠેલા ભાજપના શાસકો આજે પ્રજાની બિલકુલ દરકાર કર્યા સિવાય પોતાના રાજકીય એજન્ડાઓમાં મસ્ત છે. ત્યારે ગુજરાતની સાડા ૬ કરોડની જનતા ત્રાહિમામ હોય અને પ્રજામાં જે આક્રોશ છે, જે વેદના છે, જે દર્દ છે, એને વાચા આપવા માટે કોંગ્રેસ ૭ જુલાઈથી શરૂઆત કરીને ૧૭ જુલાઈ સુધી સમગ્ર રાજ્યમાં ૩૩ જિલ્લાના ૨૪૩ તાલુકા સ્થળે અને તમામ ૮ શહેરોમાં જન ચેતના અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે.
કોંગ્રેસ આ જન ચેતના અભિયાનના માધ્યમથી લોકોનો સંપર્ક કરશે. પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ વધારા સામે, મોંઘવારી સામે લોકોમાં જે આક્રોશ છે. એને વાચા આપવા માટે રેલીઓ – કાર્યક્રમો કરવામાં આવશે. પેટ્રોલ ડીઝલનો જે ભાવ વધારો થયો છે એના પ્રતિક સ્વરૂપે સાયકલ યાત્રાઓ કરવામાં આવશે. અને સાથે સાથે પેટ્રોલ પંપો પર આ ભાવવધારો પાછો ખેચવા માટે સહી ઝુંબેશ પણ ચલાવવામાં આવશે.