નડિયાદ: નડિયાદ પાલિકાના વિવાદાસ્પદ ટેક્સ ચોરી કૌભાંડમાં ચીફ ઓફિસરની સુચના બાદ ટેક્સ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવ્યાના ૭ મહિના બાદ ત્રણેય આરોપીઓ રવિવારે પોલીસ મથકે હાજર થતાં તેમની ધરપકડ કરાઇ હતી. ટેક્સ વિભાગના ત્રણ કર્મચારીએ કોમ્પ્યુટરના સોફ્ટવેરમાં છેડછાડ કરી આશરે 500 જેટલી મિલકતના ટેક્સમાં ચેડા કર્યાં હતાં અને રૂ.25 લાખની ઉચાપત કરી હતી.
નવેમ્બર ૨૦૨૦ માં તત્કાલીન પાલિકા પ્રમુખ દિપીકાબહેન પટેલને પાંચેક એન્ટ્રીમાં શંકા જણાતાં ચીફ ઓફિસરને તેઓએ રજુઆત કરતાં તપાસનો શરૂ થયો હતો. પ્રાથમિક તપાસમાં જ મિલકધારકોના બાકી વેરાની રકમમાં કોમ્પ્યુટર સોફ્ટવેર થકી છેડછાડ કરી ખાતુ નીલ કરી દીધેલું જણાઈ આવ્યું હતું. પાલિકાના કર્મચારીઓ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં મિલકત ધારકોના બાકી રકમમાં ખોટી એન્ટ્રી કરાતી હતી.
જેમાં 500 જેટલા મિલકત ધારકો પાસેથી રૂ.25 લાખની વસુલાતના બદલે એન્ટ્રી સાથે ચેડા કરી પાલિકાને આર્થિક નુકશાન કર્યું હતું. આ બાબતે ઇ. ટેક્સ સુપ્રિ. મયંક દેસાઇની ફરિયાદ આધારે નડિયાદ પોલીસે કાસમભાઈ મોલવી, અનીલ અંબુભાઈ ઠાકોર, સુનિતાબેેન મિસ્ત્રી (રહે. તમામ નડિયાદ) સામે ગુનો નોંધ્યો હતો. રવિવારે ટેક્સ ચોરી કૌભાંડના ત્રણેય આરોપીઓ ડભાણ પોલીસ ચોકીએ હાજર થતાં તેમને નડિયાદ ટાઉન પોલીસ મથકે હાજર કરતાં અટકાયત કરી તપાસ હાથ ધરી છે.