સુરત: ઓલપાડના (Olpad) અટોદરા પાટિયા નજીક ગત તા.10મી જૂનના રોજ રોડ ઉપર દોડતી બે ફોર વ્હીલ કારના ચાલકો વચ્ચે કાર ઓવરટેક (Car Overtake) કરવા મામલે બબાલ મચી હતી. આ બબાલની ફરિયાદ નોંધાવવા ગયેલા સાંધીએર ગામના કારચાલકની ફરિયાદ નોંધવાના બદલે ઓલપાડ પીએસઆઇ અશોક મોરીએ રાજકારણીઓના ઇશારે આરોપીઓનો પક્ષ લઈ ફરિયાદી સહિત તેના પરિવારને ધમકાવ્યા હતા. આ મામલો સુરત રેન્જ આઇ.જી.ના દરબારમાં પહોંચતાં આખરે જિલ્લા પોલીસ વડાં (District Police Chief) ઉષા રાડાએ પીએસઆઇ અશોક મોરી તથા અ.હે.કો.મુકેશ જોગરાણાને સસ્પેન્ડ કરતાં ઓલપાડ પોલીસમથક ફરી પોલીસકર્મીઓ માટે ચેતવણી રૂપ સાબિત થયું છે.
ગત તા.10મી જૂનના રોજ સાંજે છ કલાકના સુમારે સાંધીએર ગામની જદુનગર સોસાયટીમાં રહેતો કલ્પેશ આહીર તેમની બોલેરો કાર હંકારી ઓલપાડ તરફથી ઘરે આવી રહ્યો હતો. એ સમયે અટોદરા ગામના પાટિયા પાસે આઇ.ટ્વેન્ટી કાર નં.GJ-05,RG-2090ના ચાલક સાથે કાર ઓવરટેક કરવા મામલે બબાલ મચી હતી. આ બબાલમાં આઈ.ટ્વેન્ટી કારના મુસ્લિમ ચાલકે તેના અન્ય સાગરિતોને બોલાવતાં કલ્પેશ આહીરે પણ તેના પરિવારને જાણ કરતાં બંને જૂથ વચ્ચે બબાલ મચી હતી. આ ઝઘડામાં ફરિયાદીના પિતરાઈ વિજય તથા ધના ગોપાળ આહીરને ઢીકામુક્કી, ગેરેજના સાધનોથી માર મારતાં બંનેને શરીરે ઇજા તથા ધનાભાઇ આહીરને આંગળીમાં ફેક્ચર થયું હતું. જ્યારે શખ્સો સાથેની ઝપાઝપી દરમિયાન વિજય અને ધના આહીરની સોનાની બે ચેઇનો લૂંટી ટપોરીઓ ફરાર થઈ ગયા હતા. આ વિડીયો બોલેરો કારમાં સવારી કરી રહેલા ફરિયાદી પરિવારનાં નાનાં ભૂલકાંએ મોબાઈલમાં કેદ કરી લીધો હતો.
બબાલ બાદ વિડીયો સાથે પોલીસ ફરિયાદ આપવા પહોંચેલા આહીર પરિવારની ફરિયાદ લઈ ગુનો નોંધવાના બદલે ઓલપાડના ઇનચાર્જ પીઆઇ અશોક મોરીએ ઓલપાડ સ્થાનિક ભાજપના બે મુસ્લિમ રાજકારણીઓના દબાણ હેઠળ ગુનો નોંધ્યો ન હતો. પરંતુ ફરિયાદી પરિવારને ખુદ પીએસઆઇ મોરીએ ધમકી આપી હતી કે, જો આરોપી મરી જશે તો તમારા ઉપર હત્યાનો ગુનો નોંધીશ. આ ધમકીથી ડઘાઈ ગયેલા આહીર પરિવાર ન્યાય માટે સુરત રેન્જ આઈ. જી.રાજકુમાર પાંડિયનના દરબારમાં ગયા હતા. જેના પગલે પોલીસે બીજા દિવસે મધરાત દરમિયાન ગુનો નોંધવાની નોબત આવી હતી. જો કે, રાજકરણીની લપેટમાં આવી ગયેલા પીએસઆઇ અશોક મોરી અને જમાદાર મુકેશ જોગરાણાએ લૂંટ ગુના તથા કાર ચાલક આરોપીએ માસ્ક ન પહેર્યું હોવા છતાં કોરોના જાહેરનામાં ભંગનો ગુનો નોંધ્યો ન હતો. આ પ્રકરણમાં આખરે જિલ્લા પોલીસ વડાંએ ગઈકાલે ફરિયાદીનો આખરી જવાબ લઈ પીએસઆઇ(ઇનચાર્જ) અશોક મોરી તથા અ.હે.કો.મુકેશ જોગરાણા ઉપર શિક્ષાનો કોરડો વીંઝી સસ્પેન્ડ કરી દીધા હતા.
ફરિયાદ પાછી ખેંચાવવા પ્રયાસ થયો હતો
આ ગુનામાં ખાખી વર્દીનો દુરુપયોગ કરી ફરિયાદી પરિવાર સામે રોફ જમાવનાર પીએસઆઇ અશોક મોરીએ સસ્પેન્સનના કોરડાથી બચવા ઓલપાડ કોંગ્રેસના એક નેતાનો સહારો લઈ આહીર પરિવાર સાથે સમાધાન કરી ફરિયાદ પાછી ખેંચાવવા ખૂબ ધમપછાડા કરવા છતાં તેઓ ફાવ્યા ન હતા.