શ્રીનગર: (Shrinagar) જમ્મુ અને કાશ્મીર (Jammu kashmir) મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે 24 જૂનના રોજ થનારી પ્રાદેશિક પક્ષોની સર્વદલીય બેઠકમાં નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લા અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તી સામેલ થશે તેવું હાલ જણાઈ રહ્યું છે. પીએમ મોદી સાથે થનારી બેઠક અગાઉ મંગળવારે શ્રીનગરમાં ફારૂક અબ્દુલ્લાની (Farooq Abdulla) અધ્યક્ષતામાં ગુપકાર પાર્ટીઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં મહેબૂબા મુફ્તી (Mehbooba Mufti) સહિત 7 નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકનો એજન્ડા હતો પીએમ મોદી દ્વારા યોજવામાં આવેલી બેઠકમાં હાજરી આપવી અને કયા વિષય પર ચર્ચા કરવી. મહેબૂબા મુફ્તીએ કહ્યું કે તેમનો જે પણ એજન્ડા હશે, અમે અમારા એજન્ડા તેમની સમક્ષ રજુ કરીશું અને આશા રાખીશું કે અમારા જવાથી ઓછામાં ઓછું એટલું તો થાય કે જેલોમાં કેદ અમારા લોકોનો છૂટકારો થાય. અને હાલ જો તેઓને છોડી ન શકાય તેમ હોય તો ઓછામાં ઓછું તેઓને જમ્મુ અને કાશ્મીર લાવે જેથી કરીને તેમના પરિવારના લોકો તેમને મળી શકે.
દરમ્યાન જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ફરી એકવાર પાકિસ્તાન સાથે વાત કરવાનો રાગ આલાપ્યો છે. ગુપકાર ગઠબંધનના નેતાઓની બેઠક બાદ તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના મુદ્દે પાકિસ્તાન સાથે વાતચીત થવી જોઈએ. જો રાજ્યમાં શાંતિ લાવવી હોય તો તે માટે પાકિસ્તાન સાથે વાતચીત થવી જોઈએ. સંવાદ શાંતિ પુન:સ્થાપિત કરવાનો એકમાત્ર રસ્તો છે. આ પહેલીવાર નથી જ્યારે મહેબૂબાએ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો રાગ આલાપ્યો છે. તેમણે ઘણી વાર પાકિસ્તાન સાથે વાત કરવાની હિમાયત કરી છે.
મહેબૂબા મુફ્તીએ કહ્યું કે ગુપકાર ગઠબંધનનો જે એજન્ડા છે તે હેઠળ અમે વાત કરીશું. અમારી પાસેથી જે છીનવી લેવાયું છે, જે ખોટું કરાયું છે તેના પર વાત કરીશું. તે ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે. તેને બહાર કર્યા વગર જમ્મુ કાશ્મીરમાં અમન બહાલ કરી શકાય નહીં. આ સાથે જ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે ભારત સરકારે કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથે પણ વાત કરવી જોઈએ. જણાવી દઈએ કે મહેબૂબા મુફ્તીનો ઇશારો કલમ 37૦ ની તરફ હતો. આ સાથે વહીદ પારાનું નામ લીધા વિના તેમણે કહ્યું કે રાજકીય કેદીઓને મુક્ત કરવામાં આવે. તે કેદીઓને મુક્ત કરવાની જીદ કરશે. આ સમય દરમિયાન તેમણે પાકિસ્તાન સાથે વાત કરવાની હિમાયત કરી હતી.