Vadodara

કમાટીબાગમાં શિલ્પકૃતિઓ સ્વરૂપે મળ્યું બહુમાન

રાજવી સર સયાજીરાવ ગાયકવાડે શહેરીજનોને ઘણી બધી અમૂલ્ય ભેટો આપી છે. જેમાંનું આપણું કમાટીબાગ ઍ ઍક અનોખું આભુષણ છે. કમાટીબાગમાં ઘણી બધી શિલ્પકૃતિઓ સ્થાપિત કરવામાં આવી છે. જેની પાછળ કોઈ હેતુ અથવા તો ઐતિહાસિક ઘટના કારણભૂત છે. જે અંતર્ગત આજે આપણે જાણીશું કમાટીબાગમાં સ્થાપિત અમરેલીના ધારીના બે બહાદુર યુવકોના શિલ્પો વિશે અને ઍમની બહાદુરી વિશેની સમગ્ર ઘટના પહેલા આ બે યુવકોના શિલ્પો ઍક સાથે હતા. પરંતુ દસ વર્ષ પહેલા કરાયેલા ફેરફારોના આધારે આ શિલ્પોને અલગ અલગ જગ્યા પર પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે.

જેની પાછળ રહેલા ઐતિહાસિક મહત્વ વિશે વાત કરતા શૈલેન્દ્ર પાટિલ જણાવે છે કે, સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાને શિકારનો ઘણો શોખ હતો. ઍક દિવસ તેઓ પોતાના ભાઈ સંપતરાવ અને બીજા તેમના અધિકારીઓ સાથે અમરેલીના ધારી ગામમાં સિંહના શિકાર માટે ગયા હતા. આ બનાવ લગભગ ૧૯૧૬ થી ૧૯૧૮ વચ્ચેના સમયગાળાનો છે. જયાં શિકારમાં રાજાની સાથે ત્યાંના સ્થાનિક બે યુવાનો પણ તેમના માર્ગદર્શન માટે જોડાયા હતા. આગલા દિવસે કેમ્પ લગાવ્યા બાદ બીજા દિવસે તેઓ શિકાર માટે ગયા. ત્યાં અચાનક સામે સિંહ દેખાયો.

ઍટલે સર સયાજીરાવે તુરંત જ પોતાની લોડ કરેલી બંદૂક કાઢી અને સિંહ પર ચલાવવ ગયા હતા. પરંતુ કમનસીબે બંદૂક ફૂટી નહીં ઍનાથી વિપરિત છંછેડાયેલો સિંહ સયાજીરાવ પર હુમલો કરવાની તૈયારીમાં હતો. ઍવામાં બે સ્થાનિક યુવાનોઍ સ્થિતિ પારખી ઍક તીરકામઠાથી અને બીજાઍ કટારથી સિંહ પર હુમલો કર્યો.

ઝપાઝપીના દિલધડક દ્રશ્યો સાથે સયાજીરાવે ફરીથી પોતાની બંદૂક લોડ કરી અને સિંહ પર બંદૂક ચલાવી ત્યાં જ ઢેર કરી દીધો. રાજા જોડે આવેલા અધિકારીઓ ઘટનાની જાણ થતાં તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા. જયાં સર સયાજીરાવ હેમખેમ હોવાથી હાશકારો અનુભવ્યો હતો. પરંતુ સયાજીરાવે બે સ્થાનિક યુવકોનો આભાર માન્યો હતો અને ઍમને કેટલીક ભેદ સૌગાદો આપી તેમનું બહુમાન પણ કર્યું અને આપણા કમાટીબાગમાં આ વીર બહાદુરોની શિલ્પકૃતિ દ્વારા તેમની બહાદુરીની દુનિયા સમક્ષ ઉજાગર કરી.

Most Popular

To Top