Dakshin Gujarat

170 તોલા દાગીના હડપ કરનાર ભાજપ અગ્રણી પાસેથી 120 તોલા દાગીના રિકવર કરાયા

bilimora : બીલીમોરાની આર.એ.પરીખ ( R A PARIKH ) જ્વેલર્સમાંથી 170 તોલા દાગીના રફેદફે કરનાર તાલુકા પંચાયતની દેવસર 2ની સીટ પરથી ચૂંટાયેલા ભાજપના ( BHAJAP) સભ્ય પાસેથી પોલીસે રિમાન્ડ દરમિયાન 120 તોલાના દાગીના રિકવર કર્યા છે. જ્યારે હજી 50 તોલા રિકવર કરવાનાં બાકી છે અને શનિવારે તેના રિમાન્ડ પૂરા થતા બાકીના 50 તોલા પોલીસ કઈ રીતે રીકવર કરશે તે હજી સ્પષ્ટ થયું નથી.

અરિશમાબેન બીરેન પટેલ તથા તેનો ભાઈ જૈમીન નીલકંઠભાઈ પટેલે રૂપિયા 60.71 લાખના 170 તોલા સોનાના દાગીના બીલીમોરાના આર.એ.પરીખ જ્વેલર્સ પાસેથી લઈને તેનું પેમેન્ટ નહીં કરતા જ્વેલર્સ શેતલ માંડલિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે બંનેની ધરપકડ કરી છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો. દરમિયાન અરિશ્માબેન પટેની કબૂલાતના આધારે તેના પુરુષ મિત્ર અને ભાજપી સભ્ય હર્ષિલ જયેશભાઈ નાયકને તેણે દાગીના આપ્યાનું જણાવતા પોલીસે કેસમાં ત્રીજા આરોપી તરીકે હર્ષિલ નાયકનું નામ ઉમેરી શોધખોળ કરી હતી. તેવામાં જ હર્ષિલ નાયક 18 દિવસ પછી પોલીસ સ્ટેશને સરન્ડર થયો હતો. પોલીસે તેના રિમાન્ડ મેળવી તપાસ કરી રહી હતી. જેમાં તેણે કબૂલ્યું હતું કે તેને અરિશ્માએ 120 તોલા સોનાના દાગીના આપ્યા હતા. જે તેણે તેના સગા સંબંધીઓ અને મિત્રોના નામે મુથુટ ફાઇનાન્સમાં ગીરવે મૂકીને ગોલ્ડ લોન લીધી હતી. જે હર્ષિલ નાયકે મુથૂટ ફાઇનાન્સમાં ગીરવે મુકેલ દાગીના છોડાવીને પોલીસમાં જમા કરાવ્યા હતા. પણ બાકીના 50 તોલા સોનું ક્યાં છે તે કોઈ મગનું નામ મરી પાડતા નથી. હાલ તો પોલીસે 120 તોલા દાગીના રિકવર કરીને કાર્યવાહી કરી રહી છે.

હર્ષિલ નાયકે 1.25 કરોડની મિલકત પાણીના ભાવે વેચી સેટલમેન્ટ કરી સરન્ડર થયો
હર્ષિલ નાયકે મુથુટ ફાયનાન્સમાં અલગ-અલગ નામે મુકેલા 120 તોલા સોનાના દાગીના તેને રૂપિયા ભરીને છોડાવી દીધા હતા. જે પોલીસને જમા કરાવી પણ લીધા હતા. આ માટે તેની પારિવારિક રૂપિયા 1.25 કરોડથી પણ વધુની કિંમત ધરાવતી મિલકત તેણે પાણીના ભાવે 70 લાખમાં વેચી દઈને આ બધું સેટલમેન્ટ કર્યાનું કહેવાય છે. જે બાદ જ તે પોલીસને સરન્ડર થયો હતો.

કારના એક ટાયરમાં પંચર પડતા તેને બનાવવાને બદલે ચારે ચાર ટાયર બદલાવી નાખ્યા
હર્ષિલ નાયક અને તેની સ્ત્રી મિત્ર અરિશ્મા પટેલ વચ્ચે ગાઢ મિત્રતા હોવાનું કહેવાય છે. હર્ષિલ પોતે ખૂબ લક્ઝરી જિંદગી જીવતો. તેણે અરિશ્માને એક લાખનો મોબાઇલ અને નવી એક્ટીવા પણ ભેટ આપ્યાનું જાણવા મળે છે. તાલુકા પંચાયતની સીટ ઉપર વિજય થતા તેની ખુશીમાં તેણે 60 હજારથી વધુના ફટાકડા ફોડ્યા હતા. મોજશોખ કરવા ગમે એટલા રૂપિયા ખર્ચ ખર્ચ કરી નાખતો, પણ આ બધું બાપ કી કમાઈ અને ઉછીના લઈને કરતો. છૂટા હાથે પૈસા મિત્રો માટે વાપરવાને કારણે તેનું મિત્ર મંડળ ખૂબ મોટું હતું. મિત્રો સાથે ગોવા ફરવા જતી વખતે તેની કારના એક ટાયરમાં પંચર પડ્યું હતું. તો પંચર બનાવવાને બદલે કારના ચારે ચાર ટાયર તેણે બદલાવી નાખ્યા હતા. આમ પોતે ખૂબ લક્ઝુરિયસ લાઈફ જીવતો હતો.


પ્રકરણ સુરત રેન્જ આઇ.ના દરબારમાં પહોચ્યું હતું
આ કેસમાં અરિશ્માબેન અને તેનો ભાઈ જૈમીનના નામ સામે આવ્યા હતા તેઓ બીલીમોરાના જાણીતા ઉદ્યોગપતિ પરિવારના ફરજંદો છે. જોકે આ પ્રકરણ છેક સુરત રેન્જ આઇ.જી.પી ડો.રાજકુમાર પાંડિયનના દરબારમાં ગયું હતું. જે પછી થયેલી ફરિયાદના આધારે રેન્જ આઇ.જી.પીના આદેશ બાદ બીલીમોરા પોલીસે ગુનો નોંધ્યો હતો અને જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાય અને નાયબ પોલીસ અધિક્ષક એસપી રાણાની દેખરેખ હેઠળ તપાસ કરવામાં આવી હતી, જેના ફળસ્વરૂપે 120 તોલા અંદાજિત સવા કિલો સોનાના દાગીના રિકવર કરવામાં સફળતા મળી હતી

Most Popular

To Top