સાઉથના ઘણા સ્ટાર્સની એન્ટ્રી હિન્દી ફિલ્મોમાં થઇ ચુકી છે. ત્યાંના સ્ટાર્સના નામો કયારેક હિન્દીવાળાના બહુ ફાવે એવા નથી હોતાં. પણ જયારે તેમના નામ સતત લેવા પડે તો આપોઆપ આવડી જાય. એવા નામ તરીકે હવે હર્ષવર્ધન રાણેને પણ ઉમેરી લેજો. અટક રાણે છે એટલે તે મરાઠી છે એવું સમજો તો અડધું સાચુ છે. તેના પિતા વિવેક રાણે મહારાષ્ટ્રીયન છે કે જે તેલુગુ બોલનારી છોકરીને પરણેલા કારણકે તેઓ હૈદ્રાબાદમાં જ રહેતા હતા. આ કારણે જ હર્ષવર્ધન પણ તેલુગુ બોલતો થયો અને એ ભાષા તેને તેલુગુ ફિલ્મોના સ્ટાર બનવામાં કામ લાગી. પપ્પા બીજી ભાષાની સ્ત્રી સાથે પરણે તો તેના આડલાભ સંતાનોને આવી રીતના પણ થતા હોય છે.
તેની પહેલી જ તેલુગુ ફિલ્મ ‘ઠકીતા ઠકીતા’ સફળ રહી અને તે ચાલી નીકળ્યો. દશેક ફિલ્મોમાં કામ કર્યું. ત્યાં સુધીમાં તે સમજી ગયો કે હવે મલ્ટી લિંગ્વલ ફિલ્મોની શકયતા ઉઘડતી જાય છે. તે હિન્દી ભાષા બોલવામાં કમ્ફર્ટ હતો અને તેની અટક રાણે હતી એટલે થયું કે મુંબઇમાં કામ મેળવવામાં વાંધો ન આવે. પ્રયત્ન કર્યો તો ‘સનમ તેરી કસમ’ ફિલ્મ મળી જેમાં તે માવરા હાકેનનો હીરો હતો. એરિક સેગલની ‘લવસ્ટોરી’ પરથી એક વખત ‘માસૂમ’ ફિલ્મ બનેલી. એજ નોવેલનો આધાર લઇ આ ફિલ્મ બની હતી. ૨૦૧૬ માં તે રિલીઝ થઇ ત્યારે જબરદસ્ત કમાણી તો ન થઇ પણ હર્ષવર્ધન સ્ટાર તરીકે ચાલી શકે છે એવી ખાત્રી કેટલાંકને કરાવી શકયો.
રાણેને બીજી ફિલ્મ મળી તે જે.પી. દત્તાની ‘પલટન.’ તેમાં જેકી શ્રોફ, અર્જુન રામપાલ, સોનુ સુદ, એશા ગુપ્તા વગેરે હતા. રાણે માટે અગત્યનું હતું કે જે.પી. દત્તાની ફિલ્મ હતી ને વિષય પણ સારો હતો. જોકે ફિલ્મ ન ચાલી એટલે હર્ષવર્ધનને ધકકો તો લાગ્યો પણ તેલુગુ ફિલ્મોમાં તો તે ચાલતો જ હતો. હિન્દી ફિલ્મો તેના માટે રોકાણ સમી હતી અને તેને બીજોય નામ્બિયાર જેવા હોલીવુડમાં ફિલ્મ બનાવનાર દિગ્દર્શકની થ્રીલર ‘તૈશ’ મળી. ફિલ્મ સારી હતી પણ મોટા સ્ટાર્સના અભાવે પૂરતી ન ચાલી. એ ફિલ્મ હિન્દી ઉપરાંત પંજાબીમાં ય બની હતી. હવે તેની પાસે બે ફિલ્મો છે. ‘હસીન દિલરુબા’ અને ‘ફુન ફાયા ફુન’.
હર્ષવર્ધન માટે આ બન્ને ફિલ્મો ખૂબ અગત્યની છે. ‘હસીન દિલરુબા’ આનંદ એલ રાય અને ભુષણકુમાર જેવા નિર્માતાની છે અને તેમાં તાપસી પન્નુ, વિક્રાંત મેસ્સી સાથે હર્ષવર્ધન છે. આ ફિલ્મ નેટફિલકસ પર રિલીઝ થવાની છે. અત્યારે બીજી જુલાઇની તારીખ ફાઇનલ થઇ છે. તાપસી હોય એટલે વાર્તામાં દમ હોય ને નિર્માતાઓ પણ એવા છે કે ગમે તેમાં હાથ ન મારે. હર્ષવર્ધનને લાગે છે કે તેની કારકિર્દી હવે ખરેખરા અર્થમાં શરૂ થઇ રહી છે. હર્ષવર્ધન એ નકકી કરીને આવ્યો છે કે હીરો તરીકે જ કામ કરવું અને શકય ત્યાં સુધી મલ્ટીસ્ટારર ફિલ્મથી દૂર રહેવું.
ફિલ્મો નાની હશે તો ચાલશે પણ સારા દિગ્દર્શક અને નિર્માતાની હોવી જોઇએ. એવી ફિલ્મો પોતાની એક જગ્યા તો શોધી જ લેતી હોય છે. તે આ બે ફિલ્મોમાં એટલો રોકાયો છે કે હમણાં તે એક જ તેલુગુ ફિલ્મમાં કામ કરે છે. બન્ને ફિલ્મો રજૂ થયા પછી તે નવા પ્લાન બનાવશે. અત્યારે સાઉથના ઘણા સ્ટાર્સ હિન્દીમાં આવી રહ્યા છે એટલે તેને સારું ય લાગે છે. હૈદ્રાબાદની મમ્મીએ તેને તેલુગુ ફિલ્મો માટે કમ્ફર્ટ બનાવ્યો તો હવે મહારાષ્ટ્રના પિતા તેને હિન્દી ફિલ્મો માટે યોગ્ય બનાવી રહ્યા છે.