સુરત: છેલ્લા દોઢ વર્ષથી સુરત (Surat) સહિત દેશભરમાં તમામ વેપાર ઉદ્યોગ (Industry)ની હાલત કફોડી થઇ છે. દોઢ વર્ષમાં લગભગ છ મહિના સુધી વેપાર બંધ હતા અને ત્યાર બાદ અને હાલમાં પણ ઘણા ધંધા બંધ જેવી હાલતમાં હતા. તે સમયે પણ કૌભાંડી (Scammers)ઓ સક્રિય હતા અને બોગસ બિલિંગ (bogus billing) કરી દક્ષિણ ગુજરાતમાં આશરે 800 કરોડ રૂપિયાથી વધુનું રિફંડ (refund) મેળવી લીધું હતું.
આ ગેરરીતિ સરકારના ધ્યાને આવતા દક્ષિણ ગુજરાતમાં 400થી વધુ શંકાસ્પદ બોગસ પેઢીઓની માહિતી વડોદરા સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ યુનિટ (સીઆઈયુ) દ્વારા સુરત કમિશનરેટને મોકલી તેમના રિફંડ બ્લોક કરવા અને સ્થળ પર જઇ તપાસ કરવામા માટે સૂચના આપી છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનો કાયદો અમલમાં આવ્યા બાદથી જ દેશમાં દિલ્હી પ્રથમ ક્રમાંક પર અને સુરતમાં બોગસ આઇટીસી મામલે બીજા નંબર પર રહ્યું છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાં કાપડ, હીરા, કેમિકલ, યાર્ન, એન્જિનિયરિંગ, મેડિસિન સહિત અનેક ઉદ્યોગો હોવાથી કૌંભાડીને મોટો સ્કોપ મળી રહે છે. સુરતમાં સ્ટેટ જીએસટી અને સેન્ટ્રલ જીએસટી, ડાયરેક્ટ્રેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સહિતની એજન્સીઓ દ્વારા વારંવાર કૌંભાડીઓ પર કાર્યવાહી કરવામાં આવે છે તે છતાંય કોઇ ફરક પડ્યો નથી.
કૌભાંડીઓ પર વૉચ રાખવા વડોદરામાં સીઆઇયુની રચના કરવામાં આવી
દેશભરમાં કૌંભાડીઓ પર વૉચ રાખવા માટે ઝોન પ્રમાણે ઇન્ટેલિજન્સ યુનિટની રચના કરવામાં આવી છે. આ યુનિટ તેમની પાસે ઉપલબ્ધ સિસ્ટમથી જે લોકો રિફંડ મેળવી રહ્યા છે તેમના પર વૉચ રાખે છે. જે લોકો જીએસટીઆર રિટર્ન ફાઇલ કરવામાં અનિયમિત છે અને જેમનું રિફંડ અચાનક વધી ગયું હોય કે ઘટી ગયું હોય, અથવા કોઇ પણ રીતે શંકાસ્પદ જણાય તો તરતજ તેની માહિતી સંબંધિત કમિશનરેટને મોકલી આપે છે. છેલ્લા દોઢ વર્ષમાં આશરે 600 કરોડ રૂપિયાના બોગસ રિફંડની માહિતીઓ સીઆઇયુ દ્વારા મોકલવામાં આવી છે. જેમાં 200થી વધુ કૌંભાડીઓ સામેલ છે.
અધિકારીઓએ તપાસ કરી તો 90 ટકા સ્થળ પર કોઈ પેઢી જ મળી નહીં
સીઆઇયુ દ્વારા જે શંકાસ્પદ પાર્ટીઓની યાદી મોકલવામાં આવી હતી. તેની સ્થળ તપાસ માટે ગયેલા અધિકારીઓને 90 ટકા સ્થળ પર કોઇ પેઢી મળી ન હતી. માત્ર કાગળ પર પેઢીઓ બનાવી કોઇ પણ ભૌતિક ખરીદી કે વેચાણ કર્યા વગર કોમ્પ્યુટર પર ખોટા બિલો દ્વારા ખરીદી અને વેચાણ દર્શાવી કૌભાંડ કરાયા હોવાનું બહાર આવતા તમામ પાર્ટીઓના એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા હતા. અમુક કેસોમાં ભેજાબાજો પકડાયા છે જોકે મોટાભાગના કેસોમાં કાગળ પર દર્શાવેલા હોય તેની કરતા માલિક કોઇ અન્ય હોય છે. જેથી તેને શોધવુ મુશ્કેલ બની જાય છે.
અત્યાર સુધી કોરોનાને લીધે કામગીરી શિથિલ હતી, પણ હવે પ્રિવેન્ટીવની 13 ટીમ સક્રિય થઇ
વડોદરા સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ યુનિટ તરફથી મળેલા ઇનપુટના આધારે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જોકે કોરોનાને લીધે આ કાર્યવાહી શિથિલ બની ગઇ હતી. પરંતુ હવે કોરોનાની પરિસ્થિતિ થાળે પડતા ચીફ કમિશનર દ્વારા તમામ અધિકારીઓને તેમના વિસ્તારમાં આવેલી શંકાસ્પદ પેઢીઓની તપાસ કરી કાર્યવાહી તેમની સામે કાર્યવાહી કરવા માટે જણાવ્યુ છે. જેના માટે પ્રિવેન્ટીવની ટીમો વધારવામા આવી છે. અત્યાર સુધી પ્રિવેન્ટીવના સાત યુનિટો હતા. જે વધારીને 13 કરવામાં આવ્યા છે.