surat : સુરત મનપાના શાસકો દ્વારા થોડા સમય પહેલા જ વિવિધ ઝોનના વડાઓની મનપા કમિશનર દ્વારા અપાયેલી 15 લાખના ખર્ચની સત્તા છીનવી લેવામાં આવ્યા બાદ અનેક નાના-મોટા કામો અટકી પડયા છે. ત્યારે ચોમાસાને ધ્યાને રાખીને ખાડીપૂર તેમજ અન્ય આકસ્મિક સ્થિતિમાં ઝડપથી પ્રજાને રાહત થાય તેવા કામો કરી શકાય તેવા હેતુથી સ્થાયી સમિતીની મીટિંગના એજન્ડામાં લિંબાયતના ઝોનલ ચીફને ખાસ કિસ્સામાં 15 લાખના ખર્ચની સત્તા આપવા માટેની દરખાસ્ત મૂકાઇ હતી.
જો કે, સ્થાયી સમિતિ ચેરમેને થોડા દિવસો અગાઉ સ્થાયી સમિતિએ કરેલા ઠરાવને જ વળગી રહી આ દરખાસ્તને ફગાવી દેતા હવે ચોમાસામાં શુ સ્થિતિ થાય છે તે જોવુ રહયું? જો કે એક વખત થયેલા નિર્ણય બાદ આ પ્રકારની દરખાસ્ત એજન્ડા પર લેવાઇ અને હવે તેને ફગાવી પણ દેવાતા વહીવટીતંત્ર અને ચુંટાયેલી પાંખ વચ્ચે સંકલન સદંતર પડી ભાંગ્યું હોવાની પ્રતિતિ થઇ રહી છે.
તાજેતરમાં સુરત મહાપાલિકાના કાર્યપાલક ઇજનેરો તેમજ ઝોનલ વડા સહિતના અધિકારીઓને 15 લાખ સુધીના ખર્ચ કરવાની સત્તા આપતો જૂનો ઠરાવ રદ કરીને કોઇ પણ કામ માટે મનપાના શાસકોની પૂર્વ મંજૂરી લેવાનો સ્થાયી સમિતીમાં ઠરાવ કરવામાં આવ્યો હતો. અધિકારીઓ દ્વારા ખોટી રીતે ખર્ચ કરવાની સાથે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવાનો મુદ્દો ઉઠાવીને આ સત્તા લઈ લેવામાં આવી હતી. જોકે,આ ખાસ કિસ્સામાં સત્તા આપવા માટેનું કારણ એવું આપવામાં આવ્યું છે કે, આગામી ચોમાસાની ઋતુમાં લિંબાયત ઝોન વિસ્તારમાં 16 કિ.મી થી વધારે લંબાઈની ખાડી પસાર થાય છે.
છેલ્લા ઘણા વર્ષોથી આ ખાડીઓમાં ચોમાસાની ઋતુ દરમિયાન પૂર આવે છે. જેથી લિંબાયતમાં સ્લમ તેમજ અન્ય કુલ 30 થી 35 જેટલા વિસ્તારોના 50 થી 60 હજાર લોકો ખાડીપૂરથી અસરગ્રસ્ત થાય છે. જેથી સોસાયટીમાં ભરાયેલા ચોમાસાના પાણીને ડિ-વોટરિંગ કરવું કે અન્ય રેસ્ક્યુ વિગેરે કામગીરી કરવી તેમજ અન્ય મશીનરી, સાધનો ખરીદવાની આવશ્યકતા હોય આ દરખાસ્ત કરવામાં આવી હતી પરંતુ આ કામો પણ મનપા કમિશનર તેને મળતી સતા હેઠળ કરાવી શકે છે, તેથી સ્થાયી સમિતિએ અગાઉ કરેલા ઠરાવ મુજબ જ સિસ્ટમ યથાવત રાખતો નિર્ણય કરી શાસકોએ વહીવટીતંત્રને જાણ કરી હતી.