surat : શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના ( corona ) કપરા સમયમાં પણ જાહેરમાં જન્મદિવસની ઉજવણી ( birthday celebration) કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. મંગળવારે શહેરમાં વધુ એક વીડિયો સોશિયલ મિડીયામાં ( social media) વાયરલ થતા લાલગેટ પોલીસે બર્થડે ઉજવનાર અક્રમ શેખ સહિતના ટોળાની સામે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી. શહેરમાં જાહેરમાં જન્મ દિવસની ઉજવણી ઉપર પોલીસ કમિશનરે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. તેમ છતાં શહેરમાં એક પછી એક જન્મ દિવસની ઉજવણી કરતા વીડિયો વાયરલ થયો હતો.તપાસ બાદ પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે.
પોલીસની કાર્યવાહી પછી પણ જાહેરમાં જન્મ દિવસની ઉજવણીના વાયરલ થઈ રહેલા વિડીયો પોલીસની ધાક ખતમ કરી રહ્યા છે. વધુ એક વાયરલ થયેલા વીડિયોમાં માથાભારે અને જુગારની ક્લબ સાથે સંકળાયેલા અક્રમ ઉર્ફે બન્નુ શેખ રાત્રિના સમયે લોકોના ટોળા એકઠા કરીને જાહેરમાં ખુલ્લી તલવારો સાથે કેક કાપીને જન્મદિવસ ઉજવતો નજરે પડે છે. આ સાથે જ ડીજે પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. યોજાયેલી પાર્ટીમાં બાળકો સહિત મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળે છે. કોઈએ માસ્ક પહેર્યુ નહોતું કે સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવ્યું ન હોવાનું જોઈ શકાય છે. જેના આધારે પોલીસે અક્રમ શેખની સામે તથા અન્ય અજાણ્યાઓની સામે ફરિયાદ દાખલ કરાવી છે.
શહેરના સૈયદવાડા ખાતે ચાર દિવસ પહેલાં જાહેરમાં કરફ્યૂના સમયે કેક કાપનાર અક્રમ સહિતનાં ટોળાં સામે ગઈકાલે લાલગેટ પોલીસે ફરિયાદ દાખલ કરી હતી. જેની તપાસમાં આજે અક્રમ સહિત ચારની ધરપકડ કરી વિડીયોમાં દેખાતી તલવાર કબજે લેવાઈ હતી.
શહેરની પીરખજૂરી મસ્જિદ સામે સૈયદવાડા સર જે.જે.સ્કૂલની બાજુમાં ગત તા.6 જૂને અક્રમે જાહેરમાં બર્થ-ડેની ઉજવણી કરી હતી. રાત્રિના કરફ્યૂના સમયમાં બર્થ-ડેની ઉજવણી માટે ભીડ ભેગી કરી હતી. અક્રમે અને ભેગા થયેલા તમામે પોતે મોઢે માસ્ક પહેર્યું ન હતું. અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવ્યા વગર તલવાર વડે કેક કાપી કાપી હતી. આ વિડીયો વાયરલ થતાં લાલગેટ પોલીસે ત્રણ દિવસ બાદ ગઈકાલે અક્રમ ઉર્ફે બન્નુ મોહંમદ અસરફ શેખ તથા અન્ય અજાણ્યાઓની સામે ફરિયાદ દાખલ કરી હતી.
બુધવારે તપાસ દરમિયાન લાલગેટ પોલીસે અક્રમ (રહે.,૨૦૨, પીરખજૂરી બિલ્ડિંગ, સૈયદપુરા માર્કેટ સોસા., મહોલ્લો, લાલગેટ), શોએબ ઉર્ફે ટીપુ ગુલામ જમાદાર (ઉં.વ.૩૬) (રહે.,ફ્લેટ નં.૪૦૧, નસેમન એપાર્ટમેન્ટ, સર જે.જે. સ્કૂલની સામે, શાહપોર, લાલગેટ), અબુ બકર નજીર અહમદ મન્સૂરી (ઉં.વ.૩૭) (રહે.,ઘ.નં.૧૨/૨૨૫૪, માછીવાડ, લાલગેટ) તથા ઓસામા ગુલામા મુસ્તુફા નાલબંધ (ઉં.વ.૨૭) (રહે.,ફ્લેટ નં.૩૦૧-એ, ત્રીજો માળ, પીરખજૂરી બિલ્ડિંગ, સૈયદવાડા, લાલગેટ)ને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી વિડીયોમાં દેખાતી તલવાર કબજે લેવાઈ હતી.