Entertainment

નિષ્ફળતાથી હતાશ થઈ હેમંતદા પાછા જતા જ હતા અને…..

હિન્દી ફિલ્મસંગીતમાં બંગાળી સંગીતકારોએ આપેલું સંગીત એક ઊંડી અસર મુકનારું હોય છે. એવું કેમ છે એ જાણવા એ સંગીતકારોના સંગીતમાંથી પસાર થઇએ તો વધુ સમજાય. આ સમજવું અનુભૂતિના સ્તરે જ હોય શકે કારણકે સંગીત કોઇ વિચાર નથી. સચિન દેવ બર્મન, સલીલ ચૌધરી અને તે પહેલાં આર.સી. બોરાલ, પંકજ મલ્લિક, તિમિર બરન જેવાના સંગીતને આ રીતે જોવું જોઇએ. આ એવા સંગીતકારો છે જેમણે બંગાળી સાથે હિન્દી ફિલ્મોમાં સંગીત આપ્યું. સચિન દેવ બર્મન,  સલીલ ચૌધરીના એવા અનેક ગીતો છે જે પહેલાં બંગાળીમાં પણ ગવાય હોય. એમાં એવું ય બન્યું હોય કે મૂળમાં હેમંતકુમારે ગાયું હોય તે હિન્દીમાં બીજા કોઇ પુરુષ યા સ્ત્રીગાયક વડે ગવાઇ હોય યા એનાથી જુદું ય બન્યું હોય. જેમકે ‘કહીં  દીપ જેલે કહીં દિલ’ ગીત કે જે ‘બીસ સાલ બાદ’ માં લતાજીએ ગાયેલું તે બંગાળી ફિલ્મ ‘જિવાંસા’ માં સંધ્યા મુખર્જીએ ગાયું છે. સંગીતકાર તો હેમંતકુમાર જ છે. પણ હેમંતકુમારે પોતાના સંગીત હેઠળ ‘નીલ આકાશેર નીચે’માં ‘ઓ નદી રે’ ગાયેલું એ જ ધૂન ‘કોહરા’ માં ‘ઓ બેકરાર દિલ’ ગીતમાં લતાજીના સ્વરમાં મળી.

બંગાળી ‘સૂર્યમુખી’ માં હેમંતકુમારે ‘ઓ બાંશીતે ડાકે’ ગાયેલું એજ ધૂન ‘ચંપાકલી’માં છુપ ગયા કોઇ રે’ તરીકે આપણને સાંભળવા મળી. આવા અનેક ગીતો છે. ‘દીપ જવેલે જાઇ’માં ‘એઇ રાત તોમાર’ ગીત છે જે હેમંતકુમારે ગાયેલું એજ ધૂન ‘યહ નયન ડરે ડરે’ તરીકે તેમણે જ ફરી ગાયું કયારેક જૂદું પણ બન્યું છે. સલીલ ચૌધરીએ હેમંતકુમાર પાસે બંગાળીમાં એક ગેર ફિલ્મી ગીત ગવડાવેલું ‘આમાયે પ્રશ્ન’. એજ ધૂન ‘આનંદ’ માં કહીં દૂર જબ દિન ઢલ જાયે’ તરીકે આવી. સચિન દેવ બર્મને ‘આમાર એ મન’ બંગાળી ગીતની ધૂન બનાવેલી જે કોઇ ફિલ્મ માટે નહોતી પણ એ જ ધૂન ‘સોલવા સાલ’ના ‘હે અપના દિલ તો આવારા’ માં આવી તો તેના ગાયક હેમંતકુમાર હતા. એક વાર રોશને ‘આમાર એ પ્રેમ’ની ધૂન બનાવેલી જે ગૈર ફિલ્મી હતી પણ ‘મમતા’માં એ જ ધૂન ‘છુપા તો યું દિલ મેં પ્યાર મેરા’ તરીકે હેમંતકુમારે ગાઇ છે. ‘જાને વો કૈસે લોગ થે’ ગીત હેમંતકુમારે ‘પ્યાસા’ માટે ગાયું તે એસ.ડી. બર્મનની જ એક બંગાળી ગૈર ફિલ્મી ધૂન આધારિત છે. એવા અનેક ગીતોના ઉદાહરણ અહીં શકય છે.

હેમંતકુમારની પ્રતિભા ઓળખવા માટે તેમના અનેક પાસા જોવા જોઇએ. તેઓ ફિલ્મ નિર્માતા પણ હતા અને ‘બીસ સાલ બાદ’, ‘કોહરા’, ‘ફરાર’, ‘બીવી ઔર મકાન’ ‘રાહગીર’, ‘ખામોશી’ અને ‘બીસ સાલ પહેલે’ ફિલ્મો બનાવી અને બંગાળીમાં હેમંતબેલા પ્રોડકશન્સ હેઠળ ‘નીલ આ કા શેર નીચે’ ફિલ્મ બનાવી જેનું દિગ્દર્શન મૃણાલ સેનને સોંપેલું ત્યારબાદ ‘આનંદિતા’ બનાવી તો તેના દિગ્દર્શક સ્વયં હેમંત કુમાર હતા. ૧૬ જૂન ૧૯૨૦ ના રોજ વારાણસીમાં જન્મેલા હેમંતકુમારની જન્મશતાબ્દી હવે પુરી થશે. કોલકાતામાં જ ભણેલા આ ગાયક – સંગીતકારને ભણવામાં નહીં ગાવામાં જ રસ હતો.

દાદા તો સિવિલ સર્જન ડોકટર અને પિતા એક શિપિંગ કંપનીમાં કામ કરતા હતા. હેમંતદાનું ગાવું ઘરમાં કોઇને ગમે નહીં પણ ૧૯૩૫ માં તેમણે રેડિયો માટે બે ગીતો ગાયા. સંગીત શીખવા તેઓ સચિન દેવ બર્મનના ઘરના રસ્તે આંટા મારતા ગાતા કે જેથી સાંભળે તો કશુંક ગવડાવે. પણ એવું બહુ પછી બન્યું. અલબત્ત તે પહેલાં બંગાળીમાં ગાવાની તક મળતી અને પાર્શ્વગાયક તરીકે પ્રથમ તક ૧૯૪૦ માં રાજકુમારી નિર્બાસન’ ફિલ્મમાં મળી. તેના બે વર્ષ પછી સંગીતકાર પંકજ મલ્લિકે હિન્દી ફિલ્મ ‘મીનાક્ષી’ માટે ગવડાવ્યું. સમય જતાં બંગાળી ‘પૂર્બારાગ’ને ‘અભિજાત્રી’માં તેમને સંગીત આપવાની તક પણ મળી પછી હિન્દીમાં તક પણ બંગાળી શરાધર મુખરજીએ જ આપી. ફિલ્મીસ્તાન કંપની ત્યારે ‘આનંદમઠ’ બનાવી રહી હતી જે બંગાળની જ નવલકથા પર આધારીત હતી. એ ફિલ્મમાં તેમણે સંસ્કૃતમાં અને હિન્દીમાં ગીત – શ્લોક ગાયા પણ ગાયક તરીકેની ઓળખ સચિન દેવ બર્મનના સંગીતવાળી ‘સજા’માં ‘ગુપચુપ ગુપચુપ પ્યાર કરે’ અને ‘જાલ’ ના ‘યે રાત યે ચાંદની ફીર કહાં’ થી મળી.

પરંતુ હેમંતકુમારને થતું હતું કે હું નિષ્ફળ છું એટલે કોલકાતા જવા બિસ્તરા બાંધી સ્ટેશને પહોંચ્યા અને ત્યાં રેલવે સ્ટેશન પર જ શશધર મુખરજીએ તેમને પકડયા ને કહ્યું, ‘પહેલાં મને સફળ સંગીતવાળી ફિલ્મ આપો પછી જાઓ’. અને ‘શર્ત’, ‘નાગીન’ ફિલ્મોમાં સંગીત આપ્યું. ‘શર્ત’ ના ‘ન યે ચાંદ હોગા’, ‘દેખો વો ચાંદ છૂપકે કરતા હે કયા ઇશારે’ અને ‘અનારકલી’ના અનેક ગીતો ચાલી નીકળ્યા. ‘તેરા દ્વાર ખડા એક જોગી’, ‘મન ડોલે તન ડોલે રે’. ૧૯૫૪ નું એ વર્ષ હતું અને પછી નિષ્ફળતાના કારણે નહીં. બંગાળી ફિલ્મોમાં સંગીત આપે જ કોલકાતામાં આવનજાવન રહી. ૧૯૪૫ માં તેઓ બેલા મુખરજી સાથે પરણી ચુકયા હતા અને આ સંગ હંમેશા રહ્યો. બેલા મુખર્જી પોતે પણ પાર્શ્વગાયિકા હતા. ખારમાં તેમનું ઘર હતું જેનું નામ ટાગોરના પ્રસિધ્ધ કાવ્યસંગ્રહ પરથી ‘ગીતાંજલી’ રાખેલું પછી જ એજ નામે ફિલ્મ પ્રોડકશન પણ શરૂ કરેલું.

જયારે બંગાળી વાર્તા – નવલકથા પરથી હિન્દીમાં ફિલ્મ બને તો ઘણીવાર તેમને જ યાદ કરાયા છે. ગુરુદત્તે ‘સાહિબ બીબી ઔર ગુલામ’ના સંગીત માટે હેમંતકુમારને જ નિમંત્રીત કરેલા. તેમણે પોતે ‘બીસ સાલ બાદ’ બનાવી તો બંગાળના જ વિશ્વજીતને પ્રથમ તક આપી. તેમણે નિર્માતા તરીકે છેલ્લી ફિલ્મ ‘બીસ સાલ પહેલે’ બનાવી તેમાં દિકરા જયંત (રિતેશ)ને હીરો બનાવેલો. હેમંતકુલમારની દિકરી રાનુ  મુખરજી પણ ગાયિકા હતી અને ‘નાની તેરી મોરની કાં મોર લે ગયે’ ગીત તો આજે પણ બધાને યાદ છે. જયંતના લગ્ન મૌસમી ચેટરજી સાથે થયેલા. હેમંતકુમારના જીવન અને ગાયક – સંગીતકાર તરીકેની સફરમાં અનેક પડાવ છે. કોનરાડ રૂકસે બનાવેલી ઇગ્લિશ ફિલ્મ ‘સિધ્ધાર્થ’માં હેમંતકુમારનું સંગીત હતું અને તેના માટે સંગીત માટે તેઓ ત્રણ મહિના સુધી લંડન રહેલા. તેમાં ભગવાન બુધ્ધનો અવાજ હેમંતકુમારનો છે અને બંગાળીમાં ‘ઓ નદી રે’ ગીત છે.

તેમને બંગાળ પ્રત્યે ખૂબ જ પ્રેમ એટલે બે દાયકા સુધી મુંબઇ રહ્યા પછી કોલકાતા રહેવા ચાલી ગયેલા. રવીન્દ્ર સંગીત તેમને ખૂબ પ્રિય હતું અને ટાગોરનાં ‘શ્યામા’, ‘ચાંડાલિકા’, ‘શાપમોચન’, ‘વાલ્મિકી’, ‘પ્રજિભી’, ‘ભાનુસિંઘર પદાવલી’ જેવી નૃત્ય નાટિકાનાં મુખ્ય પાત્રો માટે તેમનો જ અવાજ લેવાયો છે. ૧૯૮૫ માં રવીન્દ્ર ભારતી વિશ્વ વિદ્યાલયે અને પછી કોલકાતા વિશ્વ વિદ્યાલયે તેમને પીએચડીથી નવાજેલા. તેમને પદ્મશ્રી પુરસ્કાર મળેલો તે એટલા માટે નકારેલો કે તેમના પહેલાં તેમના સહાયક રહેલા રવિને તે સન્માન અપાયેલું. ખેર! એવું તો બને. ૨૬ સપ્ટેમ્બર ૧૯૮૯ માં અવસાન પામેલા હેમંતકુમાર ભુલી ન શકાય એવા સંગીતકાર – ગાયક છે.                                      –  બ.ટે.

Most Popular

To Top