Columns

રોટલીમાં ભમરો અને ભાગ્યમાં ભમરો…

પ્રકૃતિની ગોદમાં કણ્વ ઋષિનો આશ્રમ આવેલો છે. ચારે બાજુ વસંત સોળે કળાએ પૂરબહારમાં ખીલી છે. વાતાવરણ મદહોશ બની ગયું છે. તે સમયે કણ્વ ઋષિના આશ્રમમાં સૌંદર્યસામ્રાજ્ઞી શકુંતલાને એક ભમરો પરેશાન કરી રહ્યો છે. ભમરો વારંવાર ઊડીને શકુંતલા પાસે આવે છે અને શકુંતલા પર મંડરાય છે. શકુંતલા એ ભમરાને ઉડાડી મૂકવા માટે પ્રયત્નો કરી રહી છે. બરાબર એ જ સમયે આશ્રમમાં દુષ્યંત પ્રવેશે છે અને શકુંતલાને ભમરો ઉડાડતી જુએ છે. કદાચ ભમરો શકુન્તલાને ફૂલ સમજી બેઠો હશે. મહાકવિ કાલિદાસ રચિત ‘અભિજ્ઞાન શાકુંતલ’ માં આવું વર્ણન છે.

ભમરો અહીંથી લાઈમલાઈટમાં આવ્યો હોય એવું લાગે છે. ભમરો એ કંઈક અંશે પુરુષનું પ્રતીક છે. જો કે ‘પુરુષ ભમરા જેવો છે કે પુરુષને ભમરો છે’ તે હજુ સુધી આપણને સમજાયું નથી. હા, કુંવારી કન્યાને ભમરા જેવો પ્રિયતમ ગમે છે જે કન્યારૂપી પુષ્પ પર મંડરાતો રહે, ગીત ગાતો રહે અને કીધું કરે. આમ કોડીલી કન્યાઓને ભમરા જેવો પ્રિયતમ ગમે પણ ભમરા જેવો પતિ ન ગમે એટલે લગ્ન પહેલાં કોડીલી કન્યા (અરે ભાઈ! દરેક કન્યા કોડીલી જ હોય છે!) પુષ્પ પર મંડરાતો ભમરો જુએ તો પ્રસન્ન થાય. આવું બધું અમારી વક્ર દૃષ્ટિથી જોયા પછી દિવસો સુધીના ગહન મનોમંથનને પરિણામે અમને ભમરાના ચાર સ્વરૂપ પ્રાપ્ત થયાં છે. નંબર એક-’પુષ્પ પરનો ભમરો’ નંબર બે-’રોટલી માં ભમરો’. નંબર ત્રણ-’ભાગ્યમાં ભમરો’ અને ‘ભમરો નંબર ચાર’ જે વિશિષ્ટ પ્રકારનો છે.

યુવાનને પણ લગ્ન પહેલાં પુષ્પ પરનો ભમરો દેખાય છે. પોતે ફુલફટાક થઈને બહાર નીકળ્યો હોય અને પુષ્પ પર બેઠેલા ભમરાને જુએ એટલે જ્યાં તેના શરીરને પહોંચવું જોખમી હોય ત્યાં તેનું મન પહોંચી જાય છે. પણ જો યુવાન ‘ફૂલ’ થઈને (પોટલી નાખીને) બહાર નીકળ્યો હોય તો તેને અપુષ્પ વનસ્પતિ પર ચડેલા કાળા મંકોડા પણ ભમરા સ્વરૂપ ભાસે છે. આમ લગ્ન પહેલાં તેને પુષ્પો પર ભમરો દેખાય છે એવા સમયે તેને દુષ્યંતની જેમ કોઈ પુરબહારમાં પાંગરતી પુષ્પા નજરે ચડે તો જ પોતે ભમરો બની જાય છે.

પુષ્પ જેવી પુષ્પાને જોઈને પાગલ બનેલો ભમરો જે ગરમાગરમ ગઝલો કે ગીતો રચે છે તેને ‘ભ્રમરગીત ‘કહેવાય છે. લગ્ન પછી ‘ભ્રમર’ કે ‘ગીત’ બેમાંથી એકેય ગોત્યાં જડતાં નથી.  આવાં ભ્રમરગીતો રચીને ફક્ત પુષ્પાને જ મોકલતો હોય તો વાંધો નહીં પણ મિત્રોને ય મોકલે. પુષ્પા આવાં ભ્રમરગીત વાંચીને ખીલી ઊઠે છે પણ આવાં ભ્રમરગીતોથી ત્રણ પ્રકારનાં લોકો વધુ ઘાયલ થાય છે. એક તો જે ‘ઘરભંગ’ થયો હોય તે. બીજું ‘જેનું ઘર બંધાયું નથી’ તે અને ત્રીજા ‘સાહિત્યની ઊંડી સૂઝ અને સમજ ધરાવતા હોય’ તે. ભમરો આટલેથી અટકી જાય તો વાંધો નહીં પણ જો ભમરો એ જ પુષ્પા સાથે લગ્ન કરે તો છ મહિનામાં ઘૂમરી ખાઈ જાય.

પછી પુષ્પાને પ્રિયતમમાં ભમરો દેખાતો નથી અને ભમરને પુષ્પામાં પુષ્પ દેખાતું નથી. લગ્ન પછી ભમરાને પુષ્પા ‘મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી’ એવી લાગે છે. પુષ્પામાં પાનખર દેખાવા લાગે છે. જેમ કોરોનામાં એંસી ટકા ફેફસાંમાં કફ જામી જાય પછી દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે અને ઓક્સિજન પર રાખવો પડે એવું જ પ્રેમરોગના સંક્રમણમાં થાય છે. એનું ઇન્ફેક્શન ફેફસાંને બદલે સીધું જ હૃદયમાં લાગે છે અને તેનું હૃદય પ્રેમરોગથી એકસો દશ ટકા સંક્રમિત થઈ ગયું હોય છે ત્યારે તેને મોજના તોરા છૂટે છે. ચારે બાજુ વસંત ખીલી હોય એવું લાગે છે. પણ જો એ જ પુષ્પાના લગ્ન અન્ય કોઇ નર સાથે થઈ જાય તો પ્રેમરોગથી પૂર્ણપણે સંક્રમિત થયેલો ભમરો ઓક્સિજન પર આવી જાય છે. લગ્નની સિઝનમાં આવા ઘણા ઓક્સિજન પર આવી જાય છે. પછી પ્રેમરોગની સાઇડ ઇફેક્ટ રૂપે તેના હૃદયમાંથી ગીત પ્રગટે છે.………

‘ભમરેને ખિલાયા ફૂલ, ફૂલ કો લે ગયા રાજકુંવર’

અલ્યા રાજકુંવર લઈ ગયો તે બલા ટળી. તું સુખી થઇ ગયો. લગ્ન પહેલાં કાંટા વગરના લાગતા કોમળ પુષ્પમાં લગ્ન પછી કાંટા અનુભવાય છે. જે પછી પ્રેમરોગથી સંક્રમિત થયેલા ભમરાના હૃદયમાં ભોંકાય છે વળી ફિલ્મોમાં તો એવું ગીત છે…‘ભંવરા બડા નાદાન હૈ…’ પણ એમ કાઈ ભમરો નાદાન હોતો નથી અને કદરદાન પણ હોતો નથી. તો વળી ગુજરાતીના મહાકવિ શ્રી હરીન્દ્ર દવે લખે છે કે…‘ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં…’ પણ લગ્ન પછી આ ગીત કંઈક આવી રીતે ગવાતું હોય છે…‘ફૂલ કહે નવરાને નવરો વાત વહે મૂંઝવણમાં, આનંદ ક્યાંય નથી જીવનમાં….’ મરાઠીમાં ‘નવરો’ એટલે ‘પતિ’ એવો અર્થ થાય છે. જ્યારે ઘણા પતિઓને જોયા પછી ગુજરાતીમાં પણ આ અર્થ ઘણો અર્થસભર લાગે છે.

આમ લગ્ન પહેલાં જે પુષ્પાની આજુબાજુ ભમરો થઈને ભમતો હોય અને પોતાની જાતને ભાગ્યશાળી માનતો હોય એ જ ભમરાને લગ્ન પછી રોટલીમાં ભમરા દેખાવા માંડે છે. પુષ્પાને કડક સૂચના આપવાની ઈચ્છા હોય છતાં ઈચ્છા પર કાબૂ રાખીને (રાખવો જ પડે) તે પ્રેમાળ સ્વરે પૂછે, ‘પુશુ ડાર્લિંગ, તે કુકિંગ ક્લાસ ન કર્યા હોવા છતાં પણ રોટલીમાં આવા સરસ ભમરા કેવી રીતે પડે છે?’

 પુષ્પા પરબારું વડકું નાખે, ‘‘હવે બડબડ કર્યા વિના ખાઈ લો ને છાનામાના’’ એટલે એ પાછો છાનોમાનો ય થઈ જાય. બા રોટલી બનાવતી ત્યારે રોટલી સહેજ પણ દાઝે તો ભમરો તરત દાઝે ભરાતો. એ જ ભયંકર ભમરો લગ્ન પછી નિતનવા ભમરાવાળી રોટલી પ્રેમથી પૂરણપોળીની જેમ આરોગી જતો હોય છે. ધીમે ધીમે એનું મન સ્વીકારવા માંડે કે જેમ ‘પુષ્પ હોય ત્યાં ભમરો હોય’ એ જ રીતે ‘જ્યાં રોટલી હોય ત્યાં પણ ભમરો હોય’. પુષ્પાની રસોઈકળાની ખૂબી એ હોય છે કે તે રોટલી બનાવતી વખતે મોબાઇલમગ્ન ન હોવા છતાં રોટલીમાં ભમરા પાડી શકે છે. પુષ્પ પરથી તો ભમરો થોડી વાર પછી ઊડી જાય છે પણ રોટલીનો ભમરો ક્યારેય ઊડતો નથી. આવી પરિસ્થિતિમાં આ સાખી યાદ આવે.

 ‘હંસા પ્રીતિ કાય કી, વિપત પડે ઊડી જાય.

 સાચી પ્રીત શેવાળ કી, જો જલ સંગ સુખ જાય.’

એવું જ કંઈક બંધન રોટલી અને ભમરાનું છે. રોટલીના છેલ્લા ટુકડા સુધી તે રોટલીને છોડતો નથી. જ્યારે રોટલીનું અસ્તિત્વ મટે છે ત્યારે જ તે ભમરાનું અસ્તિત્વ મટે છે. આમ રોટલીના ભમરાની વફાદારી લાજવાબ હોય છે અને ભમરવાળી રોટલી બનાવનાર પણ લાજવાબ હોય છે.

આ રીતે ભમરાવાળી રોટલી ખાઈ ખાઈને પરિણીત પુરુષોનો સ્વભાવ ભમરા જેવો થઈ જાય છે પછી તે ઊડીને બીજાના બગીચામાં ઘૂસી જાય છે માટે પરિણીત બહેનોએ રોટલીમાં ભમરો ન પડે એનું ખાસ ધ્યાન રાખવું. પતિ ઘણી વાર કહેતો હોય કે રોટલીમાં ભમરો ન પડે તેનું ધ્યાન રાખ. છતાં ભમરાનો નાશ થતો નથી. આ રીતે સતત પુનરાવર્તિત થતો ભમરો છેવટે પતિના હૃદયમાં એક એવી લાગણી પેદા કરે છે અને પતિ માનવા લાગે કે આપણા ભાગ્યમાં જ ભમરો છે ત્યાં રોટલીના ભમરાની ક્યાં કરવી? વળી ભમરા બાબતે પતિ વારંવાર પુષ્પાને ટોકતો હોવાથી પત્નીને પણ એવું જ ફિલ થાય કે મારા ભાગ્યમાં જ ભમરો છે તો ભોગવવાનું જ રહ્યું.

આમ લગ્ન પહેલાં ‘પુષ્પના ભમરા’ જેવો લાગતો પતિ લગ્ન પછી ‘ભાગ્યમાં ભમરો’ હોય એવો લાગવા માંડે છે. ઘણાં લોકો આવી લાગણીઓ જાહેરમાં વ્યક્ત કરી નાખે છે જ્યારે કેટલાક સંયમી નર-નારીઓ બોલતાં નથી પણ અનુભવ તો એમનો પણ એ જ હોય છે. ભાગ્યમાં ભમરો છે એવો વસવસો પરણેલા વ્યક્ત કરે એ તો ઠીક પણ વાંઢા ય વિલાપ કરતા હોય છે કારણ કે તેઓ જ્યાં કન્યા જોવા જાય ત્યાં કાં તો સામેથી ના આવે કાં તો કોઈ ને કોઈ અડચણ ઊભી થાય એટલે વાંઢાની નજર સામે ઘોડો હોવા છતાં તેને ઘોડે ચડવાનું સૌભાગ્ય પ્રાપ્ત થતું નથી. ત્યારે તે પણ નિસાસો નાખીને બોલે કે આપણા ભાગ્યમાં જ ભમરો છે બાકી ગામમાં ઉઘાડા પગે આંટા મારનારા ય ડાળે વળગી ગયા છે અને આપણે હજુ બાવનમેં વર્ષે ય ઠેકાણું શોધીએ છીએ.

  ભાગ્યમાં કોઈ ગ્રહો અવરોધરૂપ હોય તો તે ગ્રહના જપ કરી – કરાવીને ‘151% ગેરંટીવાળા જ્યોતિષીઓ’ તેનું નિવારણ કરી આપે છે પણ ભાગ્યમાં ભમરો હોય તો તેના નિવારણનો કોઈ ઉપાય કોઈ જ્યોતિષી પાસે હોતો નથી. વળી જાતકની કુંડળીમાં કયા કયા ગ્રહો છે તે જોઈ શકાય છે પણ તેની કુંડળીમાં ભમરો છે કે નહીં તે ક્યાંય જોવા મળતું નથી. જેમ કોરોનાનો વાયરસ ઘણી વાર સીટી સ્કેન કરાવવા છતાં દેખાતો નથી તેમ ભાગ્યનો ભમરો ખેરખાં જ્યોતિષીઓની કુંડળીમાં પણ દેખાતો નથી. છતાં હેરાન તો કરે જ.  આ બધામાં ‘ચોથા પ્રકારનો ભમરો’ એકદમ વિશિષ્ટ છે તે જાતકમાં હોવા છતાં તેને દેખાતો નથી. જ્યારે બીજાં લોકો કહેતાં હોય કે ‘ફલાણાને ભમરો છે!’ વળી તે લોકો ભમરાનું સરનામું પણ આપતાં હોય છે. છતાં ફલાણાને તે ભમરો દેખાતો નથી. આમ ‘ભાગ્યનો ભમરો’ અને ‘ચોથા પ્રકારનો ભમરો’ બંને હોવા છતાં દેખાતા નથી. દેખાતો ભમરો સારો પણ આ અદ્રશ્ય ભમરો વસમો.

-:: ગરમાગરમ ::-

એક કથામાંથી સાંભળેલુ ‘કમળ’નું દ્રષ્ટાંત. ‘કમળ’માંથી પોતાને સુખ મળશે, આનંદ મળશે એવા વિચારે ભમરો ‘કમળ’ના મોહમાં ને મોહમાં કમળની અંદર જઈને બેસી રહે છે. સાંજ પડતાં કમળની પાંદડીઓ બીડાવા લાગે છે છતાં ભમરો કમળ પ્રત્યે મોહાંધ બની તેને છોડતો નથી. અંતે ‘કમળ’ની પાંદડીઓ બંધ થઈ જાય છે ભમરો કમળમાં કેદ થઇ જાય છે અને છેવટે તે ગૂંગળાઈને ‘કમળ’ માં જ મૃત્યુ પામે છે. (બોધ:- કોઈનો અતિશય મોહ ન રાખવો. અમુક હદ પછી તેને છોડતાં પણ શીખવું જોઈએ.)

Most Popular

To Top