કોરોનાના સંક્રમણના કેસોના કારણે છેલ્લા બે માસથી નહીં યોજાયેલી ભાજપના ધારાસભ્યોની મહત્વની બેઠક આગામી તા.15મી જૂને યોજાનાર છે. ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા કોરોનાની બીજી લહેર દરમિયાન હાથ ધરાયેલી આરોગ્યલક્ષી કામગીરી-તાઉતે વાવાઝોડા સામેની કામગીરીઓના પ્રેઝન્ટેશન અને આગામી સમયમાં વ્યાપક ફલક ઉપર વેક્સિનેશન વધારવાના એકશન પ્લાન અંગે ચર્ચા-વિચારણા હાથ ધરાશે.
ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની નિયમિત રીતે મળતી બેઠક કોરોના સંક્રમણને કારણે છેલ્લા બે મહિનાથી યોજી શકાઇ નથી. આ બેઠક હવે તા. ૧૫મી જૂન, ૨૦૨૧ના રોજ યોજવામાં આવશે. પટેલે કહ્યું હતું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓનું પ્રેઝન્ટેશન પણ તા. ૧૫મી જૂને યોજાનારી આ બેઠકમાં કરવામાં આવશે.
આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત નાયબ મુખ્યમંત્રી-મંત્રીમંડળના સભ્યો, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, ભાજપના તમામ ધારાસભ્યો, પ્રદેશ મહામંત્રીઓ તેમજ પાર્લામેન્ટ્રી બોર્ડના હોદ્દેદારો હાજર રહેશે. આ બેઠકમાં કોરોનાની બીજી લહેર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી આરોગ્યલક્ષી કામગીરી તેમજ તાઉતે વાવાઝોડા દરમિયાનની રાજ્ય સરકારની કામગીરીનું પ્રેઝન્ટેશન કરવામાં આવશે. એટલુ જ નહીં, આવનારા સમયમાં ગુજરાતમાં વ્યાપક ફલક ઉપર ખૂબ ઝડપથી વેક્સિનેશનની કામગીરી કરવા અંગેની વિસ્તૃત કાર્ય યોજનાની પણ આ બેઠકમાં ચર્ચા- વિચારણા કરાશે.