Gujarat Main

ધો-10નાં વિદ્યાર્થીઓનું પરિણામ જુનના આ દિવસોમાં જાહેર કરાશે, પરિણામ આ રીતે થશે તૈયાર

ગાંંધીનગર: (Gandhinagar) ધોરણ-10 (10th Class) ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ હવે તેમના પરિણામ અને માર્કશીટને લઈને વાલી-વિદ્યાર્થીઓમાં અસમંજસની સ્થિતિ દૂર થશે જુન અંતિમ અઠવાડિયામાં બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના ઓનલાઈન પરિણામની (Result) જાહેરાત કરાશે, જ્યારે જુલાઈના બીજા અઠવાડિયામાં બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને ગુણપત્રક- પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10 ના નિયમિત ઉમેદવારોને માસ પ્રમોશનથી પાસ કરવાનો નિર્ણય લીધો હોવાથી પરિણામને લઇને ઉદભવેલા પ્રશ્નોના નિકાળ માટે ભલામણો મેળવવા માટે સરકારે સમિતિની રચના કરી હતી. આ સમિતિ દ્વારા ધોરણના વિદ્યાર્થીને માર્કશીટ (Mark sheet) અને ધોરણ 11 માં પ્રવેશને લઇને જોગવાઇઓની ભલામણો રજુ કરવામાં આવી હતી. આ ભલામણોના આધારે આ મુજબ માર્કશીટ તૈયાર કરવામાં આવશે. એક 80 માર્ક્સે મુલ્યાંકન પદ્ધતિ છે અને બીજી 20 માર્ક્સની છે, આમ કુલ 100 માર્ક્સનું મુલ્યાંકન કરવાનું રહેશે. વિદ્યાર્થીઓની માર્કશીટમાં માસ પ્રમોશન લખવામાં આવશે નહી. જૂનના અંતિમ અઠવાડિયામાં આ પરિણામ ઓનલાઈન મુકવામાં આવશે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સુત્રોએ જણાવ્યું હતુ કે પરિણામમાં મુલ્યાંકન પદ્ધતિમાં આંતર શાળાકીય મુલ્યાંકન 20 ગુણમાંથી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. અને બાકીના જે 80 માર્ક્સ ધોરણ 9માં પ્રથમ સામાયિક કસોટી લેવામાં આવી હતી, તેમાંથી 20 માર્ક્સ ગણવામાં આવશે. દ્વિતીય સામાયિક કસોટીમાંથી 20 ગુણ લેવામાં આવશે, અને માર્ચ 2021માં ધોરણ 10ની ઓફલાઈન માધ્યમથી અલગ અલગ પરીક્ષા રાખવામાં આવી હતી. તેના 30 માર્ક્સ ગણવામાં આવશે. બોર્ડ દ્વારા જે એકમ કસોટીઓ લેવામાં આવી હતી, તેના 10 માર્ક્સ ગણવામાં આવશે. આમ ધોરણ 9 અને 10માં લેવામાં આવેલી અલગ અલગ કસોટીઓમાંથી મુલ્યાંકન કરવામાં આવશે, 80 માર્ક્સનું મુલ્યાંકન અને શાળા દ્વારા 20 માર્ક્સ એમ 100 માર્ક્સમાંથી પરિણામ આપવામાં આવશે.

રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે તેવું સરકારે સ્પષ્ટ કર્યુ છે. જે વિદ્યાર્થીને 80માંથી 26 કે સ્કૂલના 20 માર્ક્સમાંથી 7 માર્ક પણ ના મળે તો પણ તેને પાસ કરી. તેની માર્કશીટમાં ક્વોલિફાઈડ ફોર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ લખવામાં આવશે. માસ પ્રમોશનને કારણે 8 લાખથી વધુ વિદ્યાર્થી ધોરણ 11 કે તે પછીના અન્ય કોર્સમાં પ્રવેશ માટે લાયક ઠરશે. દરેક શાળાએ પરિણામના આધાર તરીકે લીધેલા તમામ આધાર ઉપર શાળા પરિણામ સમિતિના સભ્યોની સહી લેવાની રહેશે, અને તમામ આધારો શાળાના આચાર્યની કસ્ટડીમાં રાખવાનો રહેશે જ્યારે જિલ્લા શિક્ષણાધિકારી નિયામક શાળાઓની કચેરી કે બોર્ડ દ્વારા વેરિફિકેશન માટે મંગાવવામાં આવે ત્યારે ઉપલબ્ધ કરવાના રહેશે. શાળા યોગ્ય અને જરૂરી આધારો સિવાયની કામગીરી કરે, તો તેની સામે શિક્ષણ બોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

4થી 10 જૂન સુધી બોર્ડ દ્વારા જાહેર કરેલી પદ્ધતિ મુજબ વિદ્યાર્થીઓના પરિણામનું શાળાઓ દ્વારા આખરીકરણ કરવાનું રહેશે. 8 થી 17 જૂન દરમિયાન શાળાઓ દ્વારા તૈયાર કરેલા પરિણામ બોર્ડની વેબસાઈટ ઉપર અપલોડ કરવાની કાર્યવાહી કરવાની રહેશે. જુન અંતિમ અઠવાડિયામાં બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના ઓનલાઈન પરિણામની જાહેરાત કરાશે, જ્યારે જુલાઈના બીજા અઠવાડિયામાં બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને ગુણપત્રક- પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવશે.


Most Popular

To Top