સુરત: ફાયર વિભાગ ( fire department) દ્વારા છેલ્લા ચાર દિવસથી હોસ્પિટલોમાં ( hospital) સરવેની કામગીરી હાથ ધરાઈ હતી. નોટિસ બાદ પણ ફાયર સેફ્ટી ઊભી ન કરતાં ફાયર વિભાગે બુધવારે હોસ્પિટલો , ક્લિનિક (clinic) , સ્ટોર ( store) મળી કુલ 14 એકમ સામે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં લાલગેટની હિના હોસ્પિટલ, બેગમપુરાની રજત હોસ્પિટલ, વરાછાના એલ.એચ.રોડ પરની સ્વરા મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ, કતારગામ પોલીસ સ્ટેશન પાસેના સરદાર કોમ્પ્લેક્સની આશ્રય ઓર્થોપેડિક હોસ્પિટલ એન્ડ જોઈન્ટ કેર સેન્ટર, જનની હોસ્પિટલ, ધ્વનિ સર્જિકલ હોસ્પિટલ એન્ડ લેપ્રોસ્કોપી સેન્ટર, નીલકંઠ બાળકોની હોસ્પિટલ, સાઇની ક્લિનિક એન્ડ લેબોરેટરી અને નીયોપેથ લેબોરેટરી, અડાજણની મહાવીર નમકીન, ઉન સ્થિત અમન મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ, ઉન મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ, વર્ધમાન હોસ્પિટલ અને ઉધનાની પાર્ક હોસ્પિટલ અને પ્રસૂતિગૃહમાં ફાયર વિભાગ દ્વારા સીલની કામગીરી કરાઈ હતી.
સાથે સાથે સુરતના સચિનમાં સુરત સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં યુનિવર્સલ જેમ્સ કંપનીના રૂપિયા કરોડોના હીરાના મિસડેક્લેરેશન કેસમાં કૌભાંડીઓ વાયા હોંગકોંગ અમેરિકા માલ મોકલતા હતા. કસ્ટમ વિભાગને આશંકા છે કે મીત કાછડિયા માત્ર એજન્ટ છે. આ સમગ્ર કેસમાં 50થી વધુ હીરાના વેપારીઓના હીરા હોવાની આશંકા વિભાગને છે. અહીં હવાલાની સાથે આયકર ચોરી પણ હોવાથી ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પણ સક્રિય બન્યું છે.
શનિવારે સુરત ડીઆરઆઈ અને કસ્ટમ વિભાગ દ્વારા સચિન સેઝની યુનિવર્સલ જેમ્સ કંપની પર દરોડા પાડી રૂ.60 કરોડની કિંમતના 50 હજાર કેરેટ ડાયમંડનાં બે કન્સાઈન્મેન્ટ ઝડપી લીધા હતા. કંપનીએ સસ્તી કિંમતના લેબગ્રોન ડાયમંડ ચોપડે બતાવ્યા હતા અને ખરેખર અસલી ડાયમંડ નિકાસ કરાઈ રહ્યા હતા. દરોડા પડ્યા ત્યારથી જ કંપનીનો ડિરેક્ટર મીત કાછડિયા ફરાર છે. તપાસ એજન્સીઓ દ્વારા મીતની પુણાગામ ખાતેની ઓફિસને સીલ કરવામાં આવી છે. આ તરફ 60 કરોડના હીરાનો જથ્થો સીઝ કરી લેવાયો છે.
યુનિવર્સલ જેમ્સ દ્વારા રફ હીરા આફ્રિકાથી મંગાવવામાં આવતા હતા. જે અહીંથી પોલિશ્ડ થઈ હોંગકોંગ નિકાસ કરાતા હતા. તપાસ સૂત્રોના મતે એક મોડસ ઓપરેન્ડી એવી છે કે, 5 કરોડનો માલ ચોપડે 5 લાખનો બતાવી હોંગકોંગ મોકલાતો હતો અને તે માલ હોંગકોંગથી 5 કરોડની કિંમતે અમેરિકા નિકાસ કરાતો હતો. ત્યાર બાદ હવાલા મારફતે રૂપિયા સુરતમાં ટ્રાન્સફર થતા હતા. પરંતુ અહીં પ્રશ્ન એ છે કે, કરોડોના હીરાની માલિકી કોની છે? મીત કાછડિયા અને તેની કંપની કેરિયર હતી. હીરા મોકલવા બદલ તેમને કમિશન મળતું હતું. છેલ્લા થોડા મહિનામાં 25થી વધુ કન્સાઈન્મેન્ટ મોકલાયાં છે. આગામી દિવસોમાં કસ્ટમ ડિપાર્ટમેન્ટ આ કેસમાં મોટા ઉદ્યોગકારોની પણ પૂછપરછ કરે તેવી શક્યતા છે.