આણંદ : આણંદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતી ગાય અને ગૌવંશ પર એસિટ છાંટી તેમની હત્યા કરાતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જેમાં તાજેતરમાં ફરી આવો બનાવ બન્યો હતો. જેમાં બે પશુના મોત નિપજતાં જીવદયાપ્રેમીમાં અરેરાટી સાથે રોષ પણ ભડક્યો હતો. આવા તત્વો સામે કડક પગલાં ભરાય તેવી માગણી ઉઠી છે.
આણંદ શહેરના જીઆઈડીસી નવાપુરા તળાવ પાસે તેમજ બાકરોલ ગેટ પાસે અને ગણેશ ચોકડી નજીક ઉમંગ પાર્ટી પ્લોટ પાસે ફરતા ગૌ વંશ એક સમાન પધ્ધતિએ એસિડ એટેક કરવામાં આવી રહ્યો છે. હાલ આ વિકૃત શખસોએ આચરેલા કૃત્યથી એક આખલો, એક નાની વાંછરડી અને એક ગાય એમ ત્રણ ગૌવંશ ગંભીર રીતે દાઝી ગયાં હતાં. આથી, ગૌસેવકો તાત્કાલિક સારવાર માટે લઈ ગયાં હતાં. જોકે એસિડ એટેકને લઈ ગૌવંશને શરીરના આંતરિક ભાગોમાં જ એટલું મોટું નુકસાન થયું હતું કે આખલો અને વાછરડીનું મૃત્યુ નીપજ્યું હતું. આ કારણે ગૌ સેવક કાર્યકરોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે.
આ બાબતે વાત કરતા ગૌ સેવક આકાશ રાવે જણાવ્યું હતું કે, આણંદમાં સમયાંતરે ગૌવંશ ઉપર નિર્દયી અત્યાચારો થઇ રહ્યાં છે. પશુપાલકો આ અંગે ગંભીર નથી અને નગરપાલિકા તંત્ર પણ કોઈ નક્કર પરિણામલક્ષી પગલાં ભરી રહ્યું નથી. આ પરિસ્થિતિ ચિંતાજનક રીતે વધી રહી છે. હાલ અમારી ગૌશાળામાં ગંભીર રીતે ઘાયલ અને અશક્ત 20થી વધુ ગૌવંશ છે.