છોટાઉદેપુર: છોટાઉદેપુર શહેરમાં કોરોના મહામારીના સંક્રમનને અટકાવવા અર્થે સરકાર દ્વારા આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખવા અર્થે જાહેરાત કરવામાં આવી હતી. જેનો વેપારીઓ દ્વારા કડક અમલ કરવામાં આવ્યો હતો. 23 જેટલા દિવસ સુધી નગરના સંપૂર્ણ બજારો બંધ રહ્યા હતા.
જેને સરકાર દ્વારા તારીખ 21થી છૂટછાટ અપાતા વેપારીઓમાં ખુશી જોવા મળી હતી. છોટાઉદેપુર શહેરમાં કોરોના સંક્રમણ વધતા તેની ચેઇન તોડવા અર્થે સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં મેડિકલ સ્ટોર, દૂધ, શાકભાજી, ફ્રૂટ જેવી આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે અને અન્ય બીજા વેપાર અર્થની દુકાનો બંધ રહેશે. જેને લઈ 23 જેટલા દિવસ આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રહી હતી.
પરંતુ તા 21થી બજારો ખોલવા અર્થે સરકાર દ્વારા છૂટછાટ અપાતા છોટાઉદેપુરના બજારો ધમધમી ઉઠ્યા હતા. શનિવારે છોટાઉદેપુર નગરમાં બજારોમાં 23 દિવસ પછી ઘરાકી જોવા મળી હતી. ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતી પ્રજા ખરીદી અર્થે જોવા મળી હતી. ઘણા દિવસો પછી બજારો ખુલતા વેપારીઓમાં આનંદ ફેલાયો હતો. ઘણા દિવસોથી દુકાનો બંધ રહેતા આર્થિક રીતે માર પડતા વેપારીઓની હાલત કફોડી બની ગઈ હતી. પરંતુ શનિવારે બજારોમાં ઘરાકી જોવા મળતા વેપારીઓમાં જીવમાં જીવ આવ્યો હતો અને ખુશીની લહેર જોવા મળી હતી.