National

કોરોનાની બીજી લહેરમાં નિષ્ફળ સરકાર ત્રીજી લહેર મામલે સાવચેત નહીં રહે તો લાશોનો ઢગ ખડકાશે

કોરોનાના( corona) મામલે કેન્દ્ર સરકારની નિષ્ફળતાનો આખરે ખુદ કેન્દ્ર સરકારના અધિકારી થકી જ સ્વીકાર કરવામાં આવ્યો છે. ખુદ સરકારે એવું સ્વીકાર્યું છે કે કોરોનાની પહેલી લહેર બાદ બીજી લહેર આવશે તેનો અમને ખ્યાલ જ નહોતો. સરકારે એ પણ સ્વીકાર્યું છે કે આગામી દિવસોમાં કોરોનાની ત્રીજી લહેર પણ આવશે. સને 2019માં ડિસે. માસમાં ચીનમાં કોરોનાનો પ્રથમ કેસ આવ્યો હતો. બીજા વર્ષે માર્ચમાં કોરોના ભારતમાં મોટાપાયે ફેલાવાની શરૂઆત થઈ ગઈ હતી. સાડા ત્રણ મહિના સુધી કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળ્યો. ગત વર્ષે 16મી સપ્ટેમ્બરે ભારતમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હતાં. તે દિવસે ભારતમાં કોરોનાના 97 હજાર કરતાં વધારે કેસ નોંધાયા હતાં. આ પીક સમય બાદ કેસ ઓછા થવા લાગ્યા હતાં. લગભગ બે મહિના પછી 19 નવેમ્બરે કોરોનાના કેસ ભારતમાં ઘટીને અડધા થઈ ગયા હતાં. બીજી લહેર ગત માર્ચ મહિનાથી શરૂ થઈ.

1લી માર્ચે એક જ દિવસમાં 12,270 મામલાઓ સામે આવ્યા. જે બાદ દરરોજ કેસ વધતા રહ્યાં. 1 એપ્રિલે એક જ દિવસમાં 75 હજાર મામલા સામે આવી ગયા હતા. એક મહિના પછી 30 એપ્રિલે એક જ દિવસમાં 4.02 લાખ કેસ જોવા મળ્યા. ભારતમાં એટલી હદે કોરોના ફેલાયો કે કોરોનાના કેસના મામલે ભારત આખા વિશ્વમાં બીજા ક્રમે આવી ગયું. મોતના આંકડાઓમાં પણ ભારતનો મોટો હિસ્સો રહ્યો હતો. છેલ્લે આ વર્ષે ફેબ્રુઆરીમાં જાણે કોરોનાની વિદાય થાય તેવી સંભાવના ઊભી થઈ ગઈ હતી. જોકે, બાદમાં જેવા માર્ચ માસ આવ્યો કે તુરંત કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ અને તે પહેલી લહેર કરતાં વધુ ભયાનક નિવડી છે. કોરોનાની બીજી લહેરમાં ઓછા સમયમાં કોરોનાના વધુ કેસ નોંધાયા અને સાથે સાથે મોતના આંકડાઓ પણ વધી ગયાં. કેન્દ્ર અને રાજ્ય સરકારો કોરોનાની બીજી લહેરના મામલે અંધારામાં રહી ગયા.

દેશનો એવો કોઈ જ ખૂણો બાકી રહ્યો નહોતો કે જ્યાં કોરોનાના દર્દીઓ માટેના બેડ, ઓક્સીજન કે પછી દવાની અછત સર્જાઈ નહીં હોય. રેમડેસિવિર ઈન્જેકશન માટે પડાપડી થઈ અને કાળાબજારીની સાથે ડુપ્લિકેટ રેમડેસિવિર ઈન્જેકશનો પણ બનાવવામાં આવ્યાં. સરકારી તંત્ર જાણે પાંગળું થઈ ગયું. સરકારમાં બેઠેલા નેતાઓ દ્વારા સેકન્ડ વેવને સહજતાથી લેવામાં આવ્યો અને સરવાળે એવી સ્થિતિ થઈ કે કોરોનાની બીજી લહેરએ ભારતમાં ભારે ખાનાખરાબી સર્જી. પહેલી લહેરમાં જ્યાં કોરોનાના આખા દેશના કેસનો આંક સર્વોચ્ચ એક લાખની આસપાસ હતો ત્યાં કોરોનાની બીજી લહેરમાં કેસનો આંક સર્વોચ્ચ 4 લાખ સુધી પહોંચી ગયો. મોતના આંક પણ એ રીતે વધી ગયાં કે જાણે મોતનું તાંડવ ચાલી રહ્યું હોય. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટએ કોરોનાના મામલે સરકારોનો ઉધડો લેવો પડ્યો પરંતુ તેમ છતાં પણ કોરોના હજુ કાબુમાં આવ્યો નથી. સરકારી તંત્ર દ્વારા પોતાની કામગીરીના બણગાં જ ફૂંકવામાં આવ્યાં અને સરવાળે લોકો મોતના મુખમાં પહોંચી ગયાં. સરકારની ભારે ટીકાઓ થવા છતાં પણ તંત્ર દ્વારા એવો સ્વીકાર જ કરવામાં આવતો નહોતો કે કોરોનાની બીજી લહેરના મામલે તંત્ર નિષ્ફળ ગયું છે.

જોકે, જે રીતે સુપ્રીમ કોર્ટ ( supreme court) અને હાઈકોર્ટ ( highcourt) દ્વારા વિવિધ સરકારોને ફટકાર લગાડવામાં આવી રહી છે તેને કારણે તંત્રમાં થોડી ચેતના આવી છે. તંત્રએ આખરે સ્વીકારવું પડ્યું છે કે કોરોનાની બીજી લહેરના મામલે તેઓ ઊંઘતા ઝડપાયા છે. સરકાર હવે બીજી લહેરમાં નિષ્ફળતાનો એકરાર કરવાની સાથે લોકોને ત્રીજી લહેર પણ આવશે તેવી ચેતવણી આપી રહી છે. સરકારના પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઈઝર વિજય રાઘવનના કહેવા પ્રમાણે, હાલમાં કોરોનાનું સંક્રમણ તેના સૌથી ઉંચા લેવલ પર છે. જેથી લોકો ભારે સાચવવું પડશે. હાલની સ્થિતિ જોતાં કોરોનાની ત્રીજી લહેર પણ આવશે. આ લહેર ક્યારે આવશે તે નક્કી નથી પરંતુ તે ભારે ખતરનાક હોવાની સંભાવના છે. હાલમાં પણ ભારતમાં કોરોનાના કેસ રોજ 2.4 ટકાના દરથી વધી રહ્યાં છે. હાલમાં કોરોનાના રોજ 3.80 લાખની આસપાસ કેસ નોંધાઈ રહ્યાં છે. તે બતાવી રહ્યું છે કે બીજી લહેર કેટલી ખતરનાક છે. જો બીજી લહેર જ આટલી ખતરનાક છે તો ત્રીજી લહેર કેટલી ખતરનાક હશે તેની કલ્પના કરવી જ મુશ્કેલ છે. સરકારે આડકતરી રીતે પોતાની નિષ્ફળતાનો સ્વીકાર કરી લીધો છે અને એવું માની લીધું છે કે ત્રીજી લહેર આવશે અને ખતરનાક હશે ત્યારે સરકારે તેનું આગોતરા આયોજન કરવું જરૂરી છે. અન્યથા દેશમાં કોરોનામાં મોતને ભેટનારાઓની લાશો ( death body) રસ્તે રઝળતી જોવા મળશે તે નક્કી છે.

Most Popular

To Top