Dakshin Gujarat Main

નવસારી સિવિલની આરટીપીસીઆર લેબમાં રોજ માત્ર 25 % જ સેમ્પલો ટેસ્ટિંગ

navsari : નવસારી જિલ્લામાં કોરોનાનું ( corona) સંક્રમણ વધી રહ્યું છે. જિલ્લામાં કોરોના આતંક મચાવી રહ્યો છે. જેથી જિલ્લાના આરોગ્ય કેન્દ્રો પર ટેસ્ટિંગ ( testing) માટે લાંબી લાઇનો લાગતી હોય છે. જોકે રેપીડ ટેસ્ટ ( rapid test) નું રિઝલ્ટ આરોગ્ય કેન્દ્ર પર અમુક સમયમાં મળી જતું હોય છે. પરંતુ આરટીપીસીઆર સેમ્પલો ટેસ્ટિંગ ( rtpcr semple testing) માટે સુરત મોકલવામાં આવે છે. જ્યાં સુરતની લેબમાં અન્ય જિલ્લાઓમાંથી સેમ્પલો ટેસ્ટિંગ માટે આવે છે. ત્યારે દર્દીઓને 3 થી 4 દિવસ બાદ રિપોર્ટ મળતા હોય છે. જેથી જો કોઇ અજાણ્યો ઇસમને કોરોનાનો ચેપ લાગ્યો હોય તો તે રિપોર્ટ મળે ત્યાં સુધી અન્યને ચેપ લાગી જતો હોય છે.


ગત 29મી એપ્રિલે આરટીપીસીઆર સેમ્પલોના ટેસ્ટિંગ માટે નવસારી સિવિલમાં પ્રભારી મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે લેબ શરૂ કરવામાં આવી હતી. જેથી આરટીપીસીઆર ટેસ્ટીંગના રિપોર્ટ એક જ દિવસમાં મળી જાય છે. હાલ નવસારી જિલ્લામાં 2500 જેટલા સેમ્પલો લેવામાં આવી રહ્યા છે. જેના અડધા જેટલા સેમ્પલો આરટીપીસીઆર ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે છે. પરંતુ સિવિલ હોસ્પિટલની લેબમાં સેમ્પલ ટેસ્ટિંગ માટે એક જ મશીન છે. જેથી એક દિવસમાં 25 ટકા જેટલા સેમ્પલોનું ટેસ્ટિંગ થયા બાદ રિપોર્ટ મળી જતો હોય છે. જ્યારે બાકીના સેમ્પલો હજી પણ સુરતની લેબમાં મોકલવામાં આવે છે. જેથી હજી પણ આરટીપીસીઆર રિપોર્ટ બે દિવસ બાદ મળી રહ્યો છે. ત્યારે નવસારી સિવિલ હોસ્પિટલની લેબમાં મશીનો મુકી સુવિધા વધારવામાં આવે તો ટેસ્ટિંગના વધુ રીપોર્ટ જલ્દીથી મળી શકશે.

400 સેમ્પલોનું ટેસ્ટિંગ થાય છે : આરએમઓ
નવસારી સિવિલ હોસ્પિટલના આરએમઓ કિરણ શાહે જણાવ્યું હતું કે, સિવિલમાં ચાલુ કરવામાં આવેલી લેબમાં એક દિવસમાં 400 જેટલા સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. જો સેમ્પલો વધારે હોય તો બીજા દિવસે ટેસ્ટિંગ કરી રિપોર્ટ આપવામાં આવે છે.

કેટલાક વિસ્તારના સેમ્પલો સુરત મોકલાય છે : આરોગ્ય વિભાગ
આરોગ્ય વિભાગના ભાવેશભાઇએ જણાવ્યું હતું કે, નવસારી જિલ્લામાં પચ્ચીસોથી ત્રણ હજાર જેટલા સેમ્પલો રોજ લેવામાં આવે છે. જેમાંથી અડધા જેટલા સેમ્પલો આરટીપીસીઆર માટે મોકલવામાં આવે છે. નવસારી સિવિલ હોસ્પિટલની લેબમાં એક જ મશીન હોવાથી ત્યાં વધુ લોડ આપી શકાય તેમ નથી. જેથી વાંસદા, ખેરગામ, ગણદેવી અને નવસારી તાલુકાના કેટલાક વિસ્તારોના સેમ્પલો ટેસ્ટિંગ માટે સુરત મોકલી રહ્યા છીએ.

Most Popular

To Top