દિવાળીના તહેવાર વચ્ચે બોલિવૂડ અભિનેતા રણવીર સિંહના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. અભિનેતાના નાના ડૉ. રામ હિંગોરાનીનું 96 વર્ષની વયે અવસાન થયું છે. દિવાળીના પવિત્ર દિવસે લક્ષ્મી પૂજાના સમયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ સમાચારથી રણવીર સિંહના પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. રણવીરની કઝિન બહેન સૌમ્યા હિંગોરાની ઠાકરેએ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરીને તેમના નિધનના સમાચાર આપ્યા હતા. તેમણે ડૉ. રામ હિંગોરાની સાથેની બાળપણ અને યુવાનીની કેટલીક યાદગાર તસવીરો પણ શેર કરી હતી. આ તસવીરોમાં યુવાન રણવીર સિંહ પણ પોતાના નાના સાથે જોવા મળે છે.
સૌમ્યાએ પોતાના દાદુને યાદ કરતાં લખ્યું કે, ડૉ. રામ દિવાળીના દિવસે પરિવારને છોડીને દાદી પાસે ચાલ્યા ગયા. તેમણે પોતાના માટે આનાથી વધુ શુભ સમય પસંદ કર્યો ન હોત. દિવસનો સૌથી સુંદર સમય એટલે કે લક્ષ્મી પૂજાના સમયે તેમણે વિદાય લીધી. સૌમ્યાએ ભાવુક અંદાજમાં એવી લાગણી પણ વ્યક્ત કરી કે દાદા-દાદી બંને સ્વર્ગમાં પોતાની ખુરશી પર બેઠા હશે અને પરિવારને જોઈને ખુશ થઈ રહ્યા હશે.
તેમણે આગળ લખ્યું કે, સૌથી પ્રેમાળ દાદુ બનવા બદલ તેમનો ખૂબ આભાર. તેમણે પરિવારને બધું જ આપ્યું છે. પોસ્ટના અંતે સૌમ્યાએ દાદુને ત્યાં પણ પોતાના માટે આઈસ્ક્રીમ બચાવી રાખવાની વાત લખી હતી અને ફરી મળવાની આશા સાથે ‘હરિ ઓમ’ કહીને શ્રદ્ધાંજલિ આપી હતી.
રણવીર સિંહનો પણ પોતાના નાના સાથે ખાસ લગાવ હતો. બંને વચ્ચેનું બોન્ડિંગ અગાઉ પણ ઘણીવાર જોવા મળ્યું હતું. ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ના પ્રમોશન દરમિયાન રણવીરે પોતાના નાના સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ વીડિયોમાં તેણે ચાહકોને પોતાના નાના સાથે મુલાકાત કરાવી હતી. તે સમયે ડૉ. રામ હિંગોરાની 93 વર્ષના હતા, પરંતુ તેમની ઉંમર છતાં તેમનો ઉત્સાહ જોવા જેવો હતો.
વીડિયોમાં રણવીરના નાના તેની સાથે ફિલ્મના લોકપ્રિય ગીત ‘ઝુમકા ગિરા રે’ પર ઉત્સાહપૂર્વક ડાન્સ કરતા જોવા મળ્યા હતા. તેમનો આ એનર્જેટિક અંદાજ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો અને લોકોએ પણ તેમની ઉંમર છતાંના ઉત્સાહની પ્રશંસા કરી હતી. હવે 96 વર્ષની વયે તેમના નિધનથી પરિવારની સાથે રણવીરના ચાહકોમાં પણ શોકની લાગણી ફેલાઈ છે.