National

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબિયત લથડી, કાર્ડિયો-ન્યુરો સેન્ટરમાં દાખલ

દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબિયત બુધવારે સવારે અચાનક લથડતાં તેમને નવી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 75 વર્ષીય ધનખડ રોજિંદા ક્રમ મુજબ મોર્નિંગ વૉક કરી રહ્યા હતા ત્યારે અચાનક બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા હતા. તેઓ થોડી મિનિટો સુધી બેભાન રહ્યા હતા. આ ઘટના બાદ તેમની સાથે તૈનાત સુરક્ષાકર્મીઓ તાત્કાલિક તેમને સારવાર માટે લઈ જવાની વ્યવસ્થામાં લાગી ગયા હતા.

મળતી વિગતો મુજબ, મોર્નિંગ વૉક દરમિયાન ધનખડની તબિયત અચાનક બગડતાં સુરક્ષાકર્મીઓ તેમને પોલીસ કંટ્રોલ રૂમની વાન મારફતે સુરક્ષિત રીતે ઘરે લઈ ગયા હતા. ઘરે પહોંચ્યા બાદ તાત્કાલિક તબીબી સહાયની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ લિવર ઍન્ડ બિલિયરી સાયન્સિસ (ILBS)ની મેડિકલ ટીમને બોલાવવામાં આવી હતી. આ ઉપરાંત દિલ્હી AIIMSના તબીબ ડૉ. સંદીપ સેઠને પણ ઘરે બોલાવવામાં આવ્યા હતા. તબીબોની ટીમે તેમનું પ્રાથમિક ચેકઅપ કરીને જરૂરી સારવાર આપી હતી.

જોકે, પ્રાથમિક સારવાર બાદ પણ તેમની તબિયતને લઈને ચિંતા જળવાઈ રહેતાં તેમને વધુ તપાસ અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શરીરના મહત્ત્વપૂર્ણ પેરામીટર્સ અને તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને કોઈ જોખમ ન લેતાં તેમને સ્પેશિયલ એમ્બ્યુલન્સ મારફતે AIIMS લઈ જવામાં આવ્યા હતા. અહીં તેમને હોસ્પિટલના કાર્ડિયો-ન્યુરો સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.

હાલમાં કાર્ડિયોલોજી વિભાગના વરિષ્ઠ તબીબોની દેખરેખ હેઠળ તેમની તપાસ અને સારવાર ચાલી રહી છે. તબીબો તેમના હૃદય અને ન્યુરોલોજીકલ સ્થિતિને લગતા રિપોર્ટ્સનું મૂલ્યાંકન કરી રહ્યા છે. જોકે, ધનખડની વર્તમાન તબિયત અંગે હજુ સુધી કોઈ વિસ્તૃત સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. AIIMS કે તેમના પરિવાર તરફથી પણ કોઈ મેડિકલ બુલેટિન બહાર પાડવામાં આવ્યું નથી.તેથી તેમની તબિયત અંગે વધુ વિગતો માટે સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.

Most Popular

To Top