કોલકાતાથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકઑફ પહેલાં જ હાઇજેકની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. વિમાનના શૌચાલયમાં લાગેલા અરીસા પર ધમકીભર્યો સંદેશ લખેલો જોવા મળતાં પાયલોટે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને જાણ કરી હતી. આ ઘટનાને ગંભીરતાથી લેતાં વિમાનને આઇસોલેશનમાં ખસેડવામાં આવ્યું હતું અને સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી હતી.
ઘટનાની જાણ થતાં જ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF) અને એરપોર્ટ સુરક્ષાના વિશેષ કર્મચારીઓ વિમાનની તપાસ માટે પહોંચ્યા હતા. માનક સંચાલન પ્રક્રિયા (SOP) અનુસાર વિમાનના દરેક ભાગની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. કોઈ શંકાસ્પદ વસ્તુ કે અન્ય જોખમ હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા કર્મચારીઓએ બારીકાઈથી તપાસ કરી હતી.
આ દરમિયાન ધમકીભર્યો સંદેશ કોણે લખ્યો અને તેની પાછળનો હેતુ શું હતો તે જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. એરપોર્ટ પરિસર ઉપરાંત વિમાનની અંદર લાગેલા CCTV કેમેરાનાં ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યાં છે. ફૂટેજની મદદથી સંદેશ લખનાર વ્યક્તિની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલ સુરક્ષા એજન્સીઓ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.