Business

ગળું સૂકાવું, આંખોમાં બળતરા અને શ્વાસમાં ભારેપણું… દિલ્હીની હવા પર ડૉક્ટરની ચિંતા

દિવાળીના તહેવાર બાદ દેશની રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા અત્યંત કથળી ગઈ છે. પ્રદૂષણના વધતા સ્તરને પગલે તબીબોએ પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. દિલ્હીની હવામાં ફેલાયેલા ઝેરી ધુમાડા અને પ્રદૂષિત કણો લોકોના સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરી રહ્યા છે. દિલ્હીની સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 299 નોંધાઈ છે, જ્યારે ચાંદની ચોક અને તાલકટોરા ગાર્ડન સહિતના અનેક વિસ્તારોમાં AQI 400ની નજીક પહોંચી ગયો છે. આ સ્થિતિ વચ્ચે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ડૉક્ટર વિજય હદ્દાએ ચોંકાવનારું નિવેદન આપતાં કહ્યું છે કે દિલ્હીની હવાની સ્થિતિ એવી બની ગઈ છે કે નવાઈ લાગે છે કે લોકો આ વાતાવરણમાં જીવિત કેવી રીતે છે.

દિલ્હીના 59 હવા ગુણવત્તા મોનિટરિંગ સ્ટેશનોમાંથી ઓછામાં ઓછા 24 સ્ટેશનો પર AQI 300થી વધુ નોંધાયો છે. આ આંકડો ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં આવે છે. જ્યારે 31 સ્ટેશનો પર હવાની ગુણવત્તા ‘ખરાબ’ શ્રેણીમાં નોંધાઈ હતી. માત્ર કેન્ટ અને શ્રી અરબિંદો માર્ગ વિસ્તારની હવાની સ્થિતિ સામાન્ય હોવાનું જણાવાયું છે. બીજી તરફ પૂસા વિસ્તારમાં સૌથી વધુ પ્રદૂષણ નોંધાયું હતું, જ્યાં AQI 385 સુધી પહોંચ્યો હતો. અનેક વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર ઊંચું રહેતાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના વેચાણમાં પણ મોટો વધારો નોંધાયો હતો. ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, દિલ્હીમાં દિવાળીના અવસરે અંદાજે ₹300 કરોડના ફટાકડાનું વેચાણ થયું હતું. વેપારીઓના જણાવ્યા અનુસાર, ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ફટાકડાના વેચાણમાં લગભગ 30 ટકાનો વધારો થયો હતો. સ્થિતિ એવી હતી કે અનેક દુકાનોમાં દિવાળીના એક દિવસ પહેલાં જ ફટાકડાનો સ્ટોક ખતમ થઈ ગયો હતો. ફટાકડાના વધેલા વેચાણ અને ઉજવણી દરમિયાન થયેલા ધડાકાઓ વચ્ચે હવા તથા અવાજના પ્રદૂષણનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે. દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ (DPCC)ના અહેવાલ મુજબ, 26માંથી 19 કેન્દ્રો પર અગાઉના વર્ષની સરખામણીએ અવાજનું પ્રદૂષણ વધારે નોંધાયું હતું.

દિલ્હીની હવાની સ્થિતિ અંગે AIIMSના ડૉક્ટર વિજય હદ્દાએ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “જે AQI ક્યારેક ત્રણ અંકમાં હતો, તે હવે ચાર અંક સુધી પહોંચી ગયો છે. દુનિયાભરમાં ચર્ચા થાય છે કે ભારતનું સૌથી પ્રદૂષિત શહેર કયું છે, તો તે દિલ્હી છે. અહીં રહેનારાઓની જિંદગી જરાય સરળ નથી.” તેમણે હવામાં રહેલા પ્રદૂષિત કણો શરીરમાં કેટલી મોટી માત્રામાં પ્રવેશી શકે છે તે સમજાવતાં કહ્યું હતું કે, “જો તમે આ ઝેરી ધુમાડો સતત અંદર ખેંચો છો, દર મિનિટે ઓછામાં ઓછી 20 વાર અને દરેક શ્વાસમાં અડધો લીટર હવા તો આખા દિવસમાં કેટલું ઝેર શરીરમાં જતું હશે? મને તો નવાઈ લાગે છે કે આપણે જીવિત કેવી રીતે છીએ! મને પૂરો વિશ્વાસ છે કે સમયની સાથે આ ઝેરી હવાની શરીરમાં ગંભીર અસરો દેખાશે.”

ડૉક્ટરે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી લોકોને શ્વાસ લેતી વખતે છાતીમાં ભારેપણું અનુભવાતું હશે. ગળું વારંવાર સૂકાઈ જવું, નાક બંધ રહેવું અને આંખોમાં બળતરા સાથે પાણી આવવું જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. આ લક્ષણો પ્રદૂષિત હવાના સંપર્કમાં આવવાથી થતી શરૂઆતની તકલીફો હોઈ શકે છે. જોકે, ડૉક્ટરના મતે સૌથી મોટી ચિંતા લાંબા સમય સુધી પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાને કારણે શરીરના વિવિધ અંગો પર થતી અસરોની છે. આ અસરો શરૂઆતમાં સ્પષ્ટ દેખાતી નથી, પરંતુ સમય જતાં ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. દિલ્હીની હાલની સ્થિતિએ ફરી એકવાર હવાના પ્રદૂષણ અને લોકોના સ્વાસ્થ્ય વચ્ચેના ગંભીર સંબંધ તરફ ધ્યાન દોર્યું છે.

Most Popular

To Top