India

SC-ST અનામત બેઠકોમાં દર ચૂંટણી વખતે અદલાબદલી નહીં થાય? સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટે લોકસભા અને વિધાનસભાની અનુસૂચિત જાતિ (SC) તથા અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત બેઠકોમાં દરેક ચૂંટણી વખતે રોટેશન એટલે કે બેઠકોની અદલાબદલી કરવાની માંગણી ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે અનામત બેઠકોની વ્યવસ્થા નક્કી કરવી કે તેમાં ફેરફાર કરવો એ સંસદના અધિકારક્ષેત્રનો વિષય છે. ન્યાયતંત્ર સંસદને આ અંગે નવો કાયદો બનાવવા અથવા હાલના કાયદામાં સુધારો કરવાનો આદેશ આપી શકે નહીં. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની પીઠે આ મામલે સુનાવણી દરમિયાન અરજદારને સંસદનો સંપર્ક કરવાની સલાહ આપી હતી. કોર્ટે જણાવ્યું હતું કે જો અનામત બેઠકોમાં રોટેશનની વ્યવસ્થા લાવવી હોય તો તેના માટે કાયદાકીય ફેરફાર જરૂરી છે અને આ નિર્ણય સંસદે જ લેવાનો રહેશે.

આ સમગ્ર વિવાદ ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લાની 191-કાદીપુર વિધાનસભા બેઠક સાથે જોડાયેલો છે. આ વિસ્તારના મતદાર જગદીશ સિંહે અરજી દાખલ કરીને દલીલ કરી હતી કે કાદીપુર બેઠક છેલ્લા લગભગ સાત દાયકાથી સતત અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે. તેમના મતે, આ બેઠકમાં રોટેશન સિસ્ટમ લાગુ ન હોવાને કારણે અન્ય વર્ગના ઉમેદવારોને ચૂંટણી લડવાની તક મળતી નથી.

અરજદારે એવી પણ દલીલ કરી હતી કે લાંબા સમય સુધી એક જ બેઠક અનામત રહેવાને કારણે અનામતનો લાભ અમુક પરિવારો સુધી જ મર્યાદિત રહી જાય છે. તેથી પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીમાં જે રીતે અનામત બેઠકોમાં રોટેશનની વ્યવસ્થા લાગુ કરવામાં આવે છે, તેવી જ વ્યવસ્થા લોકસભા અને વિધાનસભાની બેઠકોમાં પણ લાગુ કરવી જોઈએ. આ માટે તેમણે પરિસીમન કાયદા, 2002ની કલમ 9(1)(c) સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અરજદારને રમૂજી અંદાજમાં કહ્યું હતું કે તેમણે આ મામલે ‘ખોટો નંબર જોડ્યો છે.’ કોર્ટનો કહેવાનો અર્થ એ હતો કે અનામત બેઠકોમાં રોટેશનની વ્યવસ્થા લાગુ કરવાનો નિર્ણય અદાલતના અધિકારક્ષેત્રમાં આવતો નથી. જો અરજદાર આ નીતિમાં ફેરફાર ઇચ્છતા હોય તો તેમણે સંસદ અને લોકપ્રતિનિધિઓ સમક્ષ પોતાની માંગણી રજૂ કરવી જોઈએ.

કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે કાયદામાં ફેરફાર કરવાની સત્તા સંસદ પાસે છે. અરજદારે પોતાની માંગણી માટે સાંસદો અને અન્ય જનપ્રતિનિધિઓનું સમર્થન મેળવવું પડશે. ત્યારબાદ સંસદમાં કાયદાકીય સુધારા અંગે નિર્ણય લઈ શકાય છે. અદાલત સંસદને ચોક્કસ પ્રકારનો કાયદો બનાવવા કે હાલના કાયદામાં ફેરફાર કરવા માટે ફરજ પાડી શકે નહીં. સુનાવણી દરમિયાન કોર્ટે બંધારણના અનુચ્છેદ 330 અને 332નો પણ ઉલ્લેખ કર્યો હતો. આ અનુચ્છેદો લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં SC અને ST સમુદાય માટે બેઠકોની અનામત વ્યવસ્થા સાથે સંબંધિત છે. કોર્ટે નોંધ્યું હતું કે આ બંધારણીય જોગવાઈઓમાં દરેક ચૂંટણી વખતે અનામત બેઠકોની અદલાબદલી કરવી ફરજિયાત હોવાની કોઈ જોગવાઈ નથી. પરિસીમન કાયદામાં પણ આવી અનિવાર્યતા નક્કી કરવામાં આવી નથી.

કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે મતદાન કરવાનો અધિકાર અને કોઈ ચોક્કસ બેઠક પરથી ચૂંટણી લડવાનો અધિકાર બંને અલગ બાબતો છે. સામાન્ય વર્ગના ઉમેદવારોને બિનઅનામત બેઠકો પરથી ચૂંટણી લડવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. તેથી કોઈ એક બેઠક અનામત હોવાને કારણે સામાન્ય વર્ગના ઉમેદવારોના ચૂંટણી લડવાના તમામ વિકલ્પો બંધ થઈ જતા નથી. કોર્ટે વધુમાં નોંધ્યું હતું કે લોકશાહીમાં મતદારો માત્ર જાતિ કે ધર્મના આધારે મતદાન કરતા નથી. રાજકીય પક્ષો, તેમની વિચારધારા અને ઉમેદવારો સહિતનાં અનેક પરિબળો મતદાનના નિર્ણયને અસર કરે છે. તેથી માત્ર અનામત બેઠકોમાં રોટેશન ન હોવાના આધારે સમગ્ર ચૂંટણી વ્યવસ્થામાં ફેરફાર કરવાની માંગણીને અદાલત દ્વારા સ્વીકારી શકાય નહીં. આ અગાઉ અલ્હાબાદ હાઈકોર્ટે પણ આ મામલાને સંસદના અધિકારક્ષેત્રનો વિષય ગણાવીને અરજી ફગાવી દીધી હતી. હવે સુપ્રીમ કોર્ટે પણ અરજદારની માંગણી સ્વીકારવાનો ઇનકાર કરીને સ્પષ્ટ કર્યું છે કે લોકસભા અને વિધાનસભાની SC-ST અનામત બેઠકોમાં રોટેશન લાગુ કરવું કે નહીં તેનો નિર્ણય સંસદે જ લેવાનો રહેશે.

Most Popular

To Top