Gujarat Main

ગુજરાત સરકારનો નિર્ણય: 18 વર્ષથી વધુ વયના તમામ લોકોનું નિશુલ્ક વેક્સિનેશન

ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં 18 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને ફ્રીમાં વેક્સિન (Free Vaccine) આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોર કમિટીની બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યુ કે પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં આગામી 1 મે થી દેશભરમાં 18 થી 45 વર્ષની વયના લોકો માટે કોરોના રસીકરણ શરુ થવાનું છે. તેમાં ગુજરાત (Gujarat) આ દોઢ કરોડ રસીકરણ ડોઝ દ્વારા પોતાનું યોગદાન આપવા પ્રતિબદ્ધ છે. રાજ્યમાં આગામી 1લી મે થી 18 થી 45 વર્ષની વયના લોકો માટે વિના મૂલ્યે કોરોના વેક્સિન અભિયાન માટે રાજ્ય સરકારે 1.50 કરોડ રસીકરણ ડોઝની વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે.

અગાઉ કેન્દ્ર સરકારે નિર્ણય લીધો હતો કે 18થી 45 વર્ષની વચ્ચેના લોકોને પ્રાઈવેટ હોસ્પિટલમાં વેક્સિન લગાવવામાં આવે અથવા તો પછી રાજ્ય સરકાર દ્વારા કરાતી વ્યવસ્થા અંતર્ગત વેક્સિનેશન કરાવવામાં આવે. એટલે કે આ ઉંમરના લોકોને કેન્દ્ર સરકાર તરફથી ફ્રી વેક્સિન આપવામાં આવશે નહિ. 45 વર્ષથી વધુની ઉંમરના લોકોને પહેલાની જેમ જ ફ્રીમાં વેક્સિન આપવાનું ચાલુ રહેશે. એવામાં ગુજરાત સહિત 12 રાજ્યોએ દરેક ઉંમરના લોકોને ફ્રીમાંમાં વેક્સિન લગાવવાની જાહેરાત કરી દીધી છે. કોર કમિટીની બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજા, મુખ્ય સચિવ  અનિલ મુકીમ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ, આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિ. ઉપસ્થિત રહ્યા હતાં.

ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, દિલ્હી, છત્તીસગઢ, પંજાબ, કેરળ, આસામ, ઝારખંડ, ગોવા, સિક્કીમ બાદ હવે ગુજરાત સરકારે પણ ફ્રી વેક્સિનેશનની જાહેરાત રહી છે. રાજ્ય સરકાર  દ્વારા આ હેતુસર કોરોના વેક્સિન ડોઝ અન્વયે પૂનાની સિરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી  કોવિશિલ્ડ વેક્સિન ના 1 કરોડ ડોઝ તેમજ હૈદરાબાદ ની ભારત બાયોટેક પાસેથી કોવેક્સિન  રસી ના 50 લાખ ડોઝ  મેળવવા માટે ઓર્ડર આપી દેવામાં આવ્યો છે.

સીએમ રુપાણીએ જણાવ્યું કે ગુજરાતમાં 6000 જેટલા સરકારી અને ખાનગી રસીકરણ કેન્દ્રો મારફતે  આરોગ્ય કર્મીઓ, ફ્રન્ટ લાઈન વર્કર્સ અને 45 થી વધુની વયના નાગરિકોના રસીકરણમાં ગુજરાત અગ્રેસર છે. અત્યાર સુધીમાં રાજ્યમાં રાજ્યમાં 1 કરોડ 13 લાખ જેટલા વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં 18 થી 45 વર્ષની વયના પાત્રતા ધરાવતા દરેક વ્યક્તિનું રસીકરણ થાય તે વ્યવસ્થાઓ ગોઠવવા કોર કમિટીની બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું. આવા 18 થી 45 વર્ષની વયના લોકોએ રસીકરણ માટે ઓન લાઇન રજીસ્ટ્રેશન કોવિન પોર્ટલ પર કરાવી શકશે.

Most Popular

To Top