AHMADABAD : ગુજરાતમાં કોરોના ( CORONA) એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. દિવસે દિવસે સંક્રમણ વધી રહ્યો છે, અને લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. બીજી તરફ રાજ્ય સરકારે પણ હાથ અધ્ધર કરી દીધા છે, અને લોકોને ભગવાન ભરોસે છોડી દીધા છે. તેવા સંજોગોમાં હવે લોકો જ સ્વેચ્છિક લોકડાઉન ( LOCK DOWN) તરફ વળ્યા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લોકોએ સ્વયંભૂ વ્યાપાર, ધંધા, રોજગાર, બંધ રાખીને સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી છે.
અમદાવાદ, સુરત સહિત રાજ્યભરમાં કોરોનાએ વિનાશક વિસ્ફોટ સર્જ્યો છે. ચારે તરફ કોરોનાના દર્દીઓની દોટ જોવા મળી રહી છે, આવા સંજોગોમાં સંક્રમણને અટકાવવા માટે ઘરમાંથી બહાર ન નીકળવું એ જ એક વિકલ્પ બાકી છે, ત્યારે રાજ્ય સરકારે કોઈ અસરકારક પગલા ન ભરીને જવાબદારીમાંથી હાથ અધ્ધર કરી નાખી નાગરિકોને નિસહાય અને બિચારા બાપડા બનાવી મૂક્યા છે. બીજી તરફ લોકો હવે પરિસ્થિતિને સમજી ગયા છે. જેથી રાજ્યના મોટા ભાગના શહેરોના વેપારી મહામંડળ અને સંગઠનો દ્વારા સ્વયં લોકડાઉન કરવાની જાહેરાત કરી રહ્યા છે. રાજ્યમાં અમદાવાદમાં પણ લગભગ મોટાભાગના શહેરોમાં બપોરે 2 વાગ્યા બાદ તમામ રોજગાર ધંધા અને વેપારો- બંધ જોવા મળી રહ્યા છે.
શહેરના મોટાભાગના વિસ્તારોમાં વેપારી સંગઠનો અને જાગૃત નાગરિકો દ્વારા સ્વયંભૂ રીતે બપોરે બે વાગ્યાથી લોક ડાઉન રાખવાની જાહેરાત કરવા સાથે તેનો અમલ પણ શરૂ કરી દીધો છે. તેવી જ રીતે વડોદરા, રાજકોટ, સુરત, ઉત્તર ગુજરાતમાં પાટણ, મહેસાણા, કલોલ, મોડાસા, હિંમતનગર સહિત અનેક નાના-મોટા ગામો, શહેરોમાં ફક્ત દૂધ- દવા અને કરિયાણાની દુકાન સિવાય તમામ દુકાનો અને રોજગાર ધંધાઓ બંધ જોવા મળી રહ્યા છે. સાથે જ લોકો સરકાર સામે ફિટકાર પણ વરસાવી રહ્યા છે. જેવી રીતે રાજ્ય સરકારે લોકોને મોતના મુખમાં ધકેલી હાથ અધ્ધર કરી દીધા છે, તેનાથી લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.