સુરતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. થોડા દિવસો પહેલા માત્ર 13 વર્ષના બાળકનું મોત નીપજ્યું જ્યારે હવે સુરતની સિવિલ હોસ્પિટલમાં 14 દિવસના બાળકે કોરોનાને કારણે દમ તોડ્યો હતો. 11 દિવસની સારવાર બાદ આ બાળકનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ તાપી જિલ્લાના ઉચ્છલમાં રહેતા રાજશ્રીબેન રોહિતભાઇ વસાવાને ત્યાં 14 દિવસ પહેલા બાળકનો જન્મ થયો હતો.
બાળકના જન્મની સાથે તેની માતાનો કોરોના રિપોર્ટ કઢાવતા તે પોઝિટિવ આવ્યો હતો. જન્મના ત્રીજા જ દિવસે બાળકની તબિયત લથડી હતી બાળકને વ્યારાની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો અને ત્યાં બાળકનો રિપોર્ટ પોઝિટિવ હોવાનું કહેવાયુ હતુ. આ સાથે જ બાળકને સુરતની સિવિલમાં રિફર કરવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રીક ડો. વિજય શાહે જણાવ્યું હતુ કે, બાળકનો જન્મ થયો ત્યારે તેનું વજન 2.80 કિલોગ્રામ હતુ અને સારવાર દરમિયાન બાળકનું વજન 600 ગ્રામ ઘટી ગયું હતું.
બાળકને તાવની સાથે ડી-હાઇડ્રેશન, જુદા જુદા ઇન્ફેકશન અને રેપીડ ટેસ્ટ પોઝિટિવ સાથએ સિવિલમાં લાવવામાં આવ્યો હતો. બાળકને કોરોનાની સાથે અન્ય બિમારી હોવાથી તેનું મૃત્યુ થયું હોવાનું કહી શકાત. મૃતકના પિતા રોહિતભાઇના જણાવ્યા પ્રમાણે બાળકને જન્મની સાથે જ કિડની અને ખેંચની પણ બિમારી હતી. બાળકને હોસ્પિટલમાં 11 દિવસની સારવાર બાદ બુધવારે મોત નીપજ્યું હતુ. બાળકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાં મોકલવામાં આવ્યો હતો.