SURAT

પાછલા બારણે ધંધા બંધ કરાવવાને બદલે તંત્ર સીધું જ લોકડાઉન આપે દે..

સુરત: (Surat) સુરતમાં કોરોના એટલી હદે વકર્યો છે કે હોસ્પિટલોમાં લાશોના ઢગલા જોવા મળી રહ્યાં છે. જ્યારે રોજ એક હજાર જેટલા કોરોનાના દર્દીઓ સુરત શહેર અને જિલ્લામાં નોંધાઈ રહ્યાં છે. કોરોનાના નાથવા માટે હાલમાં એકમાત્ર હથિયાર લોકડાઉન (Lock down) છે પરંતુ ગત વખતે લોકડાઉનને કારણે જે રીતે સરકાર પર માછલા ધોવાયા હતાં તેને કારણે આ વખતે સરકાર આ નામોશીથી બચવા માટે લોકડાઉન કરવાથી બચી રહી છે અને અઘોષિત લોકડાઉન માટે બળજબરી કરી વેપારીઓ-ઉદ્યોગકારોને ધમકાવી રહી છે. લારી-ગલ્લા, હોટલ-રેસ્ટોરન્ટને (Hotel Restaurant) ફરજિયાતપણે એક અઠવાડિયા માટે એકમો બંધ કરી દેવા માટે કહેવામાં આવી રહ્યું છે. પોતાની જવાબદારીમાંથી બચવા માટે તંત્ર આવી હરકત કરવાને બદલે સીધું લોકડાઉન જ જાહેર કરી દે તોજ કોરોના કાબુમાં આવશે.

જ્યારથી કોરોના વકર્યો છે ત્યારથી તંત્રની બુદ્ધી બહેર મારી ગઈ છે. કોરોનાને કાબુમાં લેવા માટે પગલાઓ લેવામાં આવ્યા નહીં અને હવે જ્યારે આગ લાગી ગઈ છે ત્યારે કુવો ખોદવા બેઠા છે અને તે પણ લોકોને દેખાય નહીં તેવી રીતે. જો લારી-ગલ્લા, હોટલ-રેસ્ટોરન્ટની સાથે અન્ય એકમો બંધ કરાવવાથી કોરોના કાબુમાં આવતો હોય તો સીધી લોકડાઉનની જ જાહેરાત કરી દેવી જોઈએ. પરંતુ લોકડાઉનમાં પોતાની પર દોષનો ટોપલો નહી આવે તે માટે તંત્ર દ્વારા પડદા પાછળ દાવ ખેલવામાં આવી રહ્યાં છે. શહેરમાં કોરોનાનું સંક્રમણ બેકાબુ થઇ જતા હવે ફરી એકવાર શહેર આંશિક લોકડાઉન તરફ ધકેલાઇ રહયું છે, ત્યારે મનપાના તમામ ઝોનના કાર્યપાલક ઇજનેરોને શુક્રવારથી ખાણી-પીણીની લારીઓ, હોટલ-રેસ્ટોરન્ટ, પાનના ગલ્લા, ચાની લારીઓ વગેરે બંધ કરાવવા સુચના અપાઇ હોય મનપા દ્વારા સ્વૈચ્છિક બંધના નામે અધોષિત લોકડાઉનનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

જો કે લોકોને પણ કોરોનાના સંક્રમણમાં થયેલા બેફામ વધારાથી ભારે ભય લાગી રહ્યો હોય, જો સરકાર લોકડાઉન કરે તો પણ વાંધો નથી તેમ વેપારીઓ કરી રહ્યાં છે. તંત્ર પાછલા બારણેથી બળજબરીથી લોકડાઉન કરાવવાને બદલે જાહેરનામું જારી કરીને વીક એન્ડ કે અમુક ચોકકસ દિવસો માટે લોકડાઉન કરી દે તે જરૂરી ચે. સત્તાવાર રીતે લોકડાઉન જાહેર નહીં કરવાને કારણે તંત્ર દ્વારા હવે વ્હાલાદવલાની નીતિ અપનાવવામાં આવી રહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જે માને તેનું બંધ અને જે નહીં માને પરંતુ સાચવી લે તેના એકમો ચાલુ રાખવા દેવામાં આવી રહ્યાં છે. વેપારીઓ કહી રહ્યાં છે કે જો બંધ કરાવવું જ હોય તો આખા શહેરના એકમો બંધ કરાવી દો. કેટલાક વિસ્તારને જ વેપારીઓને અન્યાય શા માટે?

ઘોડદોડ રોડ પરના રંગીલા પાર્કમાં 12 પોઝિટિવ દર્દી મળતા કન્ટેન્ટમેન્ટ કરવા ગયેલા સ્ટાફને ઘેરી લેવાયો (ફોટો મેઇલ કર્યો છે)
ઘોડદોડ રોડ સ્થિત રંગીલા પાર્કમાં મનપા દ્વારા ટેસ્ટિંગ દરમિયાન જુદી જુદી દુકાનોમાં કામ કરતા 12 કર્મચારીઓ પોઝિટિવ મળી આવતાં મનપાના અઠવા ઝોનનો સ્ટાફ કન્ટેન્ટમેન્ટ ઝોન માટે આડશો ઉભી કરવા માટે ગયો તો વેપારીઓ દ્વારા તેને ઘેરી લઈને હોબાળો કરવામાં આવ્યો હતો. વેપારીઓ દ્વારા એવા સવાલો કરવામાં આવ્યા હતાં કે જો દુકાનો બંધ કરવાથી કોરોના કાબુમાં આવતો હોય તો આખા સુરતની દુકાનો બંધ કરાવો. માત્ર અમારા જ કોમ્પ્લેક્ષમાં કેમ આડશો ઉભી કરવામાં આવી રહી છે? વાતાવરણ ભારે ગરમાતાં મનપાની ટીમને પરત ફરવુ પડયું હતું. જો કે બાદમાં ઝોનલ વડા સિટી ઇજનેર આશિષ દુબે પોતે સ્થળ પર ગયા હતા અને વેપારીઓને સમજાવ્યા હતા કે આટલી મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ દર્દી મળે એટલે ક્વોરન્ટાઈન તો કરવું જ પડશે. જો નહી કરવા દો તો પોલીસ મુકવી પડશે. આખરે વેપારીઓ ઢીલા પડયા હતા અને જેમ બને તેમ વહેલી તકે આડશો હટાવવાની વિનંતી સાથે કન્ટેન્ટમેન્ટનો અમલ કરવા દીધો હતો. જોકે, સમસ્યા એ જ છે કે રંગીલા પાર્કની જેમ આગામી દિવસોમાં બીજે પણ કોરોનાના કેસ આવી શકે તેમ છે તો સત્તાવાર રીતે લોકડાઉનની જાહેરાત કેમ કરવામાં આવતી નથી?

Most Popular

To Top