Sports

મુંબઇ અને આરસીબી વચ્ચેની મેચ સાથે આજથી આઇપીએલનો પ્રારંભ

ચેન્નાઇ, તા,08 (પીટીઆઇ) : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝનની શુક્રવારથી મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચથી શરૂઆત થઇ રહી છે ત્યારે પહેલી જ મેચથી રોહિત શર્મા પોતાની ટીમનો વારસો જાળવી રાખવાના જ્યારે વિરાટ કોહલી પોતાની ટીમનો એક નવો વારસો રચવાના ઇરાદાથી મેદાનમાં ઉતરશે. આ સાથે જ બધાની નજર જેની ટીમ ગત સિઝનમાં પ્લે ઓફમાં પણ સ્થાન મેળવી શકી નહોતી તે અનુભવી મહેન્દ્ર સિંહ ધોની પર પણ ટકેલી હશે કે તે કેવી વ્યુહરચના સાથે મેદાનમાં ઉતરશે.

કોરોનાવાયરસના વધતા કેસને ધ્યાને લઇને ઘરઆંગણે આ લીગનું આયોજન બાયો સિક્યોર બબલથી સુરક્ષિત માહોલમાં થશે અને દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં નહીં આવે. માત્ર પાંચ મહિનામાં બે આઇપીએલ ટૂર્નામેન્ટ સંબંધિત હિતધારકો માટે આદર્શ સ્થિતિ તો નથી જ પણ કોવિડ-19 કેસની બીજી લહેર વચ્ચે પ્રશંસકો માટે આગામી સાત અઠવાડિયા ઘણાં રોમાંચક બની રહેશે.

ટૂર્નામેન્ટની પહેલી જ મેચ ડિફેન્ડીંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ અને અત્યાર સુધી આઇપીએલનું ટાઇટલ જીતી ન શકેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે ત્યારે બંને ટીમમાં સામેલ મોટા હિટર્સ દર્શકોનું ભરપુર મનોરંજન કરશે એ નક્કી છે. હવે જોવાનું એ રહે છે કે ટૂર્નામેન્ટની પહેલી મેચમાં બંને ટીમ કેવું પ્રદર્શન કરશે. રોહિત શર્માની ખેવના મુંબઇને છઠ્ઠુ ટાઇટલ જીતાડવાની સાથે ટાઇટલની હેટ્રિક કરવાની રહેશે, તો વિરાટ કોહલીની ખેવના આરસીબીને પહેલું ટાઇટલ જીતાડવાની હશે.

આ વર્ષના અંતે ઘરઆંગણે યોજાનારા ટી-20 વર્લ્ડકપને ધ્યાને લેતા આ ટૂર્નામેન્ટ મહત્વની
ભારતમાં ઘરઆંગણે આ વર્ષના અંતે ટી-20 વર્લ્ડકપનું આયોજન થશે અને તેને ધ્યાને લેતા આઇપીએલ ટૂર્નામેન્ટનું આયોજન માત્ર ભારત માટે જ નહીં વિદેશના ખેલાડીઓ માટે પણ મહત્વનું પુરવાર થઇ શકે છે. ઘરઆંગણે રમાનારી આઇસીસીની એક મોટી ટુર્નામેન્ટ પહેલા મોટાભાગના ખેલાડીઓને આ ટૂર્નામેન્ટ દ્વારા સારી પ્રેક્ટિસ મળી શકે છે.

યુએઇમાં યોજાયેલી છેલ્લી સિઝનની જેમ આ સિઝન પણ સુચારુ ઢબે યોજવાની બીસીસીઆઇને આશા
હાલમાં ભારતમાં જ્યારે કોરોનાના કેસ વધતા જઇ રહ્યા છે ત્યારે ઘરઆંગણે આ લીગનું આયોજન સારી રીતે પાર પાડવાનો બીસીસીઆઇ સામે પડકાર છે. ખાસ તો ટૂર્નામેન્ટ પહેલા કેટલાક ખેલાડીઓ અને વાનખેડે સ્ટેડિયમનો ગ્રાઉન્ડ સ્ટાફના કેટલાક સભ્યો તેમજ ટૂર્નામેન્ટ સાથે જોડાયેલા અન્ય કેટલાક લોકોને કોરોના થયો હતો, જો કે રમત માટેના આકરા બાયો બબલ સુરક્ષિત માહોલને કારણે બીસીસીઆઇને આશા છે કે યુએઇની જેમ જ આ સિઝનનું આયોજન સુચારું ઢબે પાર પાડી શકાશે.

મોટાભાગના દેશોના કેપ્ટનની નજર ટૂર્નામેન્ટ દરમિયાન પોતાના દેશના ખેલાડીઓના પ્રદર્શન પર સ્થિર રહેશે
આ વર્ષના અંતે ભારતમાં યોજાનારા આઇસીસી ટી-20 વર્લ્ડકપને ધ્યાને લેતા વિરાટ કોહલીની આ ટૂર્નામેન્ટ દ્વારા વર્લ્ડકપ માટેના પોતાના સંભવિત ખેલાડીઓના પ્રદર્શન પર નજર રાખવાનો પ્રયાસ કરશે. જ્યારે ઇંગ્લેન્ડનો કેપ્ટન ઇયોન મોર્ગન અને વેસ્ટઇન્ડિઝનો કેપ્ટન કિરોન પોલાર્ડની નજર પણ પોતાની સંબંધિત ફ્રેન્ચાઇઝી વતી રમતા દેશના ખેલાડીઓના પ્રદર્શન પર સ્થિર રહેશે.

તમામ ટીમોમાં મુંબઇની બેટિંગ લાઇનઅપ સૌથી મજબૂત હોવાથી તેઓ ફેવરિટ
મુંબઇ ઇન્ડિયન્સની ટીમ વતી પાંચ ટાઇટલ જીતીને સૌથી સફળ કેપ્ટન રહેલા રોહિત શર્માની નજર છઠ્ઠુ ટાઇટલ જીતવાની સાથે જ આ લીગમાં પહેલીવાર ટાઇટલની હેટ્રિક કરવા પર મંડાયેલી છે. મુંબઇની બેટિંગ લાઇનઅપ ઘણી મજબૂત છે. જો રોહિત નિષ્ફળ જાય તો ક્વિન્ટોન ડિ કોક બાજી સંભાળી લેશે અને આ બંને ઓપનર નિષ્ફળ જાય તો પછી ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવ જવાબદારી સંભાળી લેવા તૈયાર રહેશે. જો ટોપ ઓર્ડર ફેલ જાય તો પછી પંડ્યા બંધુઓ અને કિરોન પોલાર્ડ બાજી સંભાળી શકે છે.

વિરાટ કોહલીની આરસીબી પહેલુ ટાઇટલ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ હજુ સુધી આઇપીએલનું એકપણ ટાઇટલ જીતી શકી નથી અને તેઓ આ સિઝનમાં પોતાના પર લાગેલું એ મહેણું ભાંગવાનો ઇરાદો ધરાવતા હશે. આરસીબીમાં ઘણાં સ્ટાર ખેલાડીઓ છે પણ તેમનું ટીમ સંયોજન મુંબઇ જેટલું મજબૂત નથી. ટીમે ગ્લેન મેક્સવેલ પર મોટી રકમ ખર્ચીને તેને ટીમમાં સમાવ્યો છે, સાથે જ ન્યુઝીલેન્ડનો કાઇલ જેમિસન પણ રાતોરાત કરોડપતિ બન્યો તો છે પણ ભારતીય પીચ પર તેની બોલિંગની પરખ હજુ થઇ નથી.

Most Popular

To Top