દમણ: (Daman) સંઘપ્રદેશ દમણમાં 1 લી એપ્રિલથી 45 વર્ષથી વધુની વય ધરાવતા લોકોનું વેક્સિનેશન કાર્ય શરૂ થયું છે. સરકારની ગાઈડ લાઈન મુજબ વિવિધ વેક્સિનેશન સેન્ટર (Vaccination Center) ખાતે લોકોનું વેક્સિનેશન કાર્ય થઈ રહ્યંર છે. અત્યાર સુધીમાં 14,112 લોકોને કોવિડ-19 ની વેક્સિન આપવામાં આવી છે. ત્યારે રવિવારે મોડીરાત્રે તા.5 અને 6 એપ્રિલના રોજ જે 17 જગ્યાએ વેક્સિનેશન કાર્ય થવાનું હોય એ સેન્ટરોની એક યાદી પ્રશાસન તરફથી પ્રસિધ્ધ કરાઈ હતી. જેમાં 6 એપ્રિલનાં રોજ થનાર વેક્સિનેશન સેન્ટરમાં ત્રીજા ક્રમાંકે ભાજપ કાર્યાલયના (BJP Office) સરનામાનો ઉલ્લેખ કરાતા વિવાદ ઉભો થયો હતો. મોડી રાત્રે વિવિધ સોશ્યલ મિડિયા પર આ અંગે ટીકા ટીપ્પણીઓનો સીલસીલો ચાલતા અંતે આ અંગે દમણનાં કલેક્ટર ડૉ. રાકેશ મિન્હાસે તાત્કાલિક ભાજપના નામ વાળી પ્રેસનોટને રદ્દ કરી 16 જગ્યાએ થનાર વેક્સિનેશન સેન્ટરની પ્રેસનોટને માહિતી વિભાગ દ્વારા મોડી રાત્રે પ્રસિધ્ધ કરવાની કાર્યવાહી કરી હતી.
એડ્રેસમાં ચૂક થઈ હોય શકે બાકી ભાજપ કાર્યાલયને સેન્ટર તરીકે રાખવામાં આવ્યું જ નથી
સમગ્ર ઉઠેલા વિવાદ બાદ આ અંગે દમણનાં કલેક્ટર ડૉ. રાકેશ મિન્હાસનો ફોન મારફતે સંપર્ક કરાતા તેમણે જણાવ્યું કે, વેક્સિનેશન માટે ભાજપ કાર્યાલયની પસંદગી ઉતારવામાં આવી જ નથી. હોઈ શકે નોડલ ઓફિસર અથવા તો ટાઈપીંગ એરરને લઈ આ પ્રમાણેની ભૂલ થઈ હોય. વેક્સિનેશન માટે પ્રદેશમાં 16 જગ્યાએ 2500 જેટલા વેક્સિનેશનનું કાર્ય સફળતા પૂર્વક ચાલી જ રહ્યું છે. ત્યારે ખાનગી જગ્યા ફાળવવાનો સવાલ જ નથી ઉદભવતો. ત્યારે આ પ્રમાણેની ચૂક કઈ રીતે થઈ છે એ બાબતે તપાસ કરાવવામાં આવશે.
દક્ષિણ ગુજરાતમાં 88 કેસ
સુરત: દક્ષિણ ગુજરાતમાં કોરોના તેજ રફતારથી આગળ વધી રહ્યો છે. નવસારી જિલ્લામાં કોરોનાના વધુ 20 કેસ, છેલ્લા ચાર દિવસમાં 74 કેસ, વલસાડ જિલ્લામાં કોરોનાની આફત, નવા 15 કેસ, દમણમાં વધુ 15 કેસ, દા.ન.હ.માં 12 દર્દી કેસ, નર્મદા જિલ્લામાં ૧૮ને ચેપ લાગ્યો તો તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ પછી હવે કારોબારી અધ્યક્ષ મોહનભાઇ કોંકણી પણ કોરોના સંક્રમિત થયા છે. તાપી જિલ્લામાં સોમવારે પણ કોરોનાનો કહેર યથાવત રહેતાં સરકારી ચોપડે વધુ ૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જોકે ભરૂચ જિલ્લામાં કોરોનાના દર્દીનો કોઈ સત્તાવાર આંક જાહેર કરાયો ન હતો.
- ક્યાં કેટલા કેસ
- જિલ્લો કેસ
- નવસારી 20
- નર્મદા 18
- વલસાડ 15
- દમણ 15
- દા.ન.હ. 12
- તાપી 08
- કુલ 88