ગાંધીનગર : મધ્ય પૂર્વ વિસ્તારમાં બદલાતી પરિસ્થિતિ અને વધતા ભૂ-રાજકીય તણાવને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં ઘરેલું વપરાશ માટે એલપીજી ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં હાલ ઘરેલું જરૂરિયાત માટે એલપીજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી નાગરિકોને ગેસની અછત અંગે ચિંતા કરવાની જરૂર નથી.
નાગહરિક પુરવઠા વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યું છે કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ઉપલબ્ધ એલપીજી સ્ટોકનું પરિવહન અને વિતરણ સુચારૂ રીતે કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં આશરે ૩૦ ટકા ઘરેલુ ગેસ પાઇપલાઇન મારફતે પૂરો પાડવામાં આવે છે. પાઇપલાઇન ગેસનો પણ પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી રાજ્યની સ્થિતિ અન્ય રાજ્યોની સરખામણીએ વધુ સ્થિર ગણાય છે.
રાજ્યમાં ઘરેલું ગેસનો પૂરતો પુરવઠો દરેક વિસ્તારમાં ઉપલબ્ધ રહે તે માટે કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ જાહેર ક્ષેત્રની તેલ
માર્કેટિંગ કંપનીઓ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તે મુજબ હવે એક જ ગ્રાહક દ્વારા બે એલપીજી સિલિન્ડર બુકિંગ વચ્ચે ઓછામાં ઓછા ૨૫ દિવસનો સમયગાળો રાખવો ફરજિયાત રહેશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ અનાવશ્યક ગભરાટ અને ગેસના અતિરિક્ત સંગ્રહને રોકવાનો છે.
કેન્દ્ર સરકારના નિર્ણય મુજબ હાલમાં વ્યાવસાયિક ગેસ સિલિન્ડરનું વેચાણ નિયંત્રિત રાખવામાં આવ્યું છે. જોકે હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓને તેમની જરૂરિયાત મુજબ એલપીજી ફાળવણી ચાલુ રાખવામાં આવી છે.
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે ચેતવણી આપતાં જણાવ્યું છે કે એલપીજીનો અનાધિકૃત સંગ્રહ, કાળાબજારી, નિર્ધારિત
ઉપયોગ સિવાય અન્ય ઉપયોગ અથવા નક્કી કરેલી કિંમત કરતાં વધુ ભાવ વસૂલવો આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ૧૯૫૫ અને એલપીજી નિયંત્રણ આદેશ ૨૦૦૦ મુજબ કાયદાકીય ગુનો છે. આવી ગેરરીતિ કરતા વ્યક્તિઓ સામે રાજ્ય સરકારના સક્ષમ અધિકારીઓ દ્વારા કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.