Top News

સાયબર યુદ્ધની શરૂઆત? સાયબર હુમલાથી હચમચી ઉઠ્યું અમેરિકા

ઈરાનના હેકર્સે કહ્યું – દુનિયા હવે બધું જોશે

અમેરિકાની અગ્રણી મેડિકલ ટેકનોલોજી કંપની Stryker પર મોટા પાયે સાયબર હુમલો થયો હોવાનો દાવો ઈરાન સાથે જોડાયેલા હેકિંગ ગ્રુપે કર્યો છે. આ હુમલાની જવાબદારી ‘Handala’ નામના હેકર જૂથે લીધી છે. ગ્રુપે દાવો કર્યો છે કે તેણે કંપનીના લગભગ 50 ટેરાબાઇટ ડેટા હેક કરીને કાઢી લીધા છે.

હેકર જૂથે જણાવ્યું કે આ સાયબર હુમલો ઈરાન પર થયેલા સૈન્ય હુમલાના જવાબરૂપે કરવામાં આવ્યો છે. ગ્રુપના નિવેદન અનુસાર, ઈરાનના મિનાબ વિસ્તારમાં આવેલી એક સ્કૂલ પર થયેલા હુમલામાં 150થી વધુ લોકોના મોત થયા હતા, જેને તેઓ “નિર્દય હુમલો” ગણાવી રહ્યા છે.

વધુમાં હેકર્સે જણાવ્યું કે તેમની “મહત્વપૂર્ણ સાયબર ઓપરેશન સંપૂર્ણ સફળતા સાથે પૂર્ણ થઈ ગઈ છે.” તેમના દાવા પ્રમાણે ચોરી કરાયેલ તમામ ડેટા હવે “વિશ્વના સ્વતંત્ર લોકોના હાથમાં” છે. સાથે જ તેમણે ચેતવણી આપી કે સાયબર યુદ્ધનો આ માત્ર શરૂઆતનો તબક્કો છે.

બીજી તરફ, Stryker કંપનીએ નિવેદનમાં કહ્યું કે કંપનીના Microsoft આધારિત નેટવર્કમાં વૈશ્વિક સ્તરે વિક્ષેપ આવ્યો હતો. કંપનીએ સ્વીકાર્યું કે આ ઘટના સાયબર હુમલાના કારણે થઈ છે, પરંતુ હાલ સુધી રાન્સમવેર અથવા માલવેરનો કોઈ પુરાવો મળ્યો નથી અને સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાયું છે.

સાયબર સુરક્ષા નિષ્ણાતો મુજબ ‘Handala’ છેલ્લા કેટલાક સમયથી ઇઝરાયલ અને ગલ્ફ વિસ્તારમાં આવેલી કંપનીઓ પર સાયબર હુમલાઓનો દાવો કરી રહ્યું છે. ઇઝરાયલની સાયબર સુરક્ષા કંપની Check Point Software Technologiesના સાયબર ઈન્ટેલિજન્સ વડા Gil Messingએ જણાવ્યું કે આ ગ્રુપ લાંબા સમયથી સક્રિય છે અને તેને ઈરાની શાસન સાથે જોડાયેલ સૌથી કુખ્યાત હેકિંગ ગ્રુપમાં ગણવામાં આવે છે.

આ પહેલા પણ Googleના થ્રેટ ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં જણાવાયું હતું કે આ ગ્રુપ મુખ્યત્વે “હેક-એન્ડ-લીક” ઓપરેશન ચલાવે છે, જેમાં ડેટા ચોરી કરીને તેને જાહેર કરવાની ધમકી આપવામાં આવે છે જેથી ભય અને અનિશ્ચિતતા ફેલાય, મહત્વનું છે કે Stryker મિશિગનના કાલામાઝૂ શહેરમાં સ્થાપિત વૈશ્વિક મેડિકલ ડિવાઈસ કંપનીમાં લગભગ 56,000 કર્મચારીઓ કામ કરે છે અને 2025માં તેની આવક લગભગ 25 અબજ ડોલર સુધી પહોંચી હતી. કંપની ઓર્થોપેડિક ઇમ્પ્લાન્ટ, સર્જિકલ સાધનો, હોસ્પિટલ બેડ અને રોબોટિક સર્જરી સિસ્ટમ જેવા અનેક મેડિકલ ઉપકરણો બનાવે છે.

હેકિંગ ગ્રુપે પછી દાવો કર્યો કે તેણે પેમેન્ટ ટેક્નોલોજી કંપની Verifone પર પણ હુમલો કર્યો છે. જોકે કંપનીએ આ દાવાને નકારી કાઢતાં જણાવ્યું કે તેમના સિસ્ટમમાં કોઈ વિક્ષેપ અથવા સુરક્ષા ભંગનો પુરાવો મળ્યો નથી. આ ઘટનાએ ફરી એકવાર દર્શાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય રાજકીય તણાવ હવે સાયબર યુદ્ધના નવા મોરચે પહોંચ્યો છે, જ્યાં મોટા કોર્પોરેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ નિશાન બની રહ્યા છે.

Most Popular

To Top