યુવતીને ભગાડી જવાનો વહેમ રાખી બોલાચાલી, એક યુવકને ગોળી વાગતા ઇજા
(પ્રતિનિધિ) સાવલી
સાવલી તાલુકાના ખાંડી ગામે આવેલા એક ફાર્મ હાઉસમાં ગંભીર ફાયરિંગની ઘટના સામે આવી છે. ડભોઇ તાલુકાની એક કન્યાને ભગાડી જવાના વહેમને લઈ થયેલી બોલાચાલી બાદ ફાયરિંગ થતાં નિમેશ બારીયા નામના યુવકને હાથમાં ગોળી વાગી હોવાનું જાણવા મળી રહ્યું છે.
યુવતીના ગુમ થવાના વહેમથી તણાવ
આધારભૂત સૂત્રો મુજબ, ડભોઇ તાલુકાના એક ગામની કન્યા ઘરેથી ભાગી જવાનો બનાવ ન બન્યો હોવા છતાં, શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે ખાંડી ગામે આવેલા ફાર્મમાં નોકરી કરતો એક યુવક તેને ભગાડી ગયો હશે. આ શંકાના પગલે ગઈકાલે રાત્રે કન્યાના સગા-સંબંધીઓ ફાર્મ હાઉસ ખાતે પહોંચ્યા હતા.
ફાર્મ ખાતે પહોંચ્યા બાદ બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઘટનાની જાણ થતાં ફાર્મના માલિક સી.કે. પટેલ સ્થળ પર આવ્યા હતા. બોલાચાલી વધુ ઉગ્ર બનતાં પહેલા હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. ત્યારબાદ પણ મામલો શાંત ન થતાં ફરી એક વખત ફાયરિંગ થયું, જેમાં નિમેશ બારીયાને હાથમાં ગોળી વાગી હતી.
ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.
સ્વરક્ષણમાં ફાયરિંગનો દાવો
મળતી માહિતી અનુસાર, ગઈકાલે રાત્રે થયેલી મારામારી દરમિયાન સ્વરક્ષણના ભાગરૂપે ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, આ બાબતે હજી સુધી ભાદરવા પોલીસ મથકે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી.
ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે અને તમામ પાસાંઓથી ઘટનાની ચકાસણી કરવામાં આવી રહી છે.
રિપોર્ટર: વિમલ પટેલ