Comments

વિદ્વાન-દેશભક્તોની બૌદ્ધિક ધરોહર: માધવ ગાડગીલ અને આન્દ્રે બેતેઇલ

જેઓ ધાર્મિક કે આધ્યાત્મિક માર્ગદર્શન શોધતા હોય તેમને કદાચ ગુરુની જરૂર પડી શકે છે, જે તેમને શીખવે છે અને તેમને યોગ્ય લાગે તેવા માર્ગ પર ચાલવા આદેશ પણ આપે છે. શિષ્યને કહેવામાં આવે છે કે, તેઓ ગુરુનું વિચાર્યા વગર અને આંખ બંધ કરીને પાલન કરે. જો કે, જેઓ વિદ્વાન (સ્કોલર) બનવા ઇચ્છતા હોય તેમણે ગુરુની શોધ કરવી સલાહભર્યું નથી. વિવેચનાત્મક તપાસ અને મૌલિક સંશોધન માટે મનની અમુક પ્રકારની સ્વતંત્રતા હોવી જરૂરી છે; અન્ય કોઈના કહેવાથી નહીં પણ પોતાનાં બૌદ્ધિક હિતો અનુસાર સિદ્ધાંતો અને પદ્ધતિઓ અપનાવવાની કે છોડી દેવાની ક્ષમતા હોવી જોઈએ – ભલે તે વ્યક્તિ ગમે તેટલી શક્તિશાળી કે (ખાસ કરીને) પ્રખ્યાત હોય.

દુર્ભાગ્યવશ, આધ્યાત્મિક શોધ અને શૈક્ષણિક અભ્યાસ વચ્ચેનો આ મહત્ત્વનો તફાવત ભારતમાં મોટા ભાગે વિસરાઈ ગયો છે. આપણા દેશની શૈક્ષણિક સંસ્કૃતિ સુધારા ન થઈ શકે તેવી રીતે સામંતશાહી છે, જ્યાં વયમાં મોટા અને ઉચ્ચ હોદ્દો ધરાવતાં લોકો લગભગ ગુરુ તરીકે વર્તવા માટે બંધાયેલા હોય તેવું અનુભવે છે. તેઓ આજ્ઞાપાલનની અપેક્ષા રાખે છે અને બદલામાં આદર મેળવે છે. આ બૌદ્ધિક સામંતશાહી વિજ્ઞાન અને માનવશાસ્ત્ર બંનેમાં અસ્તિત્વ ધરાવે છે અને માનવશાસ્ત્રની અંદર પણ તમામ વૈચારિક પાસાંઓમાં જોવા મળે છે.

માર્ક્સવાદ સિદ્ધાંતમાં સામાજિક વંશવેલો કે શ્રેણીબદ્ધતાનો વિરોધ કરે છે, પરંતુ વ્યવહારમાં કોલકાતાના માર્ક્સવાદી પ્રોફેસરો તેમના જુનિયર સાથીદારો પ્રત્યે એટલા જ પદક્રમ-ચુસ્ત રહ્યા છે જેટલા વારાણસીના રૂઢિચુસ્ત હિન્દુ અભિગમ ધરાવતા પ્રોફેસરો હોય છે. યુવાન વિદ્વાનોએ ભલે કોઈ એક ગુરુની શોધમાં ન રહેવું જોઈએ, પરંતુ શરૂઆતના તબક્કે તેઓ પોતાનાથી મોટા વિદ્વાનો સાથે વાતચીત કરીને લાભ મેળવી શકે છે. આ અનુભવી વ્યક્તિઓ શરૂઆતી સંશોધકને સંકેતો, દિશાનિર્દેશો અને સૌથી વધુ તો વિવેચનાત્મક પ્રતિસાદ આપી શકે છે. તેઓ માર્ગદર્શક, સલાહકાર અથવા (કામચલાઉ ધોરણે) મેન્ટર બની શકે છે, પરંતુ ગુરુ ક્યારેય નહીં. વડીલો જે કહે તે ધ્યાનથી સાંભળવા છતાં, અંતે તો વ્યક્તિગત વિદ્વાને જ નક્કી કરવાનું હોય છે કે કઈ ચોક્કસ સંશોધન સમસ્યા પર કામ કરવું અને તે કઈ રીતે કરવું.

બૌદ્ધિક અભ્યાસ પરના આ વિચારો મને બે વરિષ્ઠ વિદ્વાનોના નિધનથી સ્ફુર્યા છે, જેમણે હું જ્યારે યુવાન હતો ત્યારે મને સૌથી વધુ પ્રભાવિત કર્યો હતો. આ બે વ્યક્તિઓ છે – પર્યાવરણશાસ્ત્રી માધવ ગાડગીલ, જેમનું ૮૩ વર્ષની વયે ૭ જાન્યુઆરીએ પુણેમાં અવસાન થયું અને સમાજશાસ્ત્રી આન્દ્રે બેતેઇલ, જેમનું ૯૧ વર્ષની વયે ૩ ફેબ્રુઆરીએ દિલ્હીમાં અવસાન થયું. હું ગાડગીલને પહેલી વાર ૧૯૮૨માં મળ્યો હતો જ્યારે હું ૨૪ વર્ષનો હતો અને તેઓ ૪૦ વર્ષના હતા. હું બેતેઇલને ૧૯૮૮માં મળ્યો હતો જ્યારે હું ૩૦ વર્ષનો થયો હતો અને તેઓ પચાસની મધ્યમાં હતા. અમારી ઉંમર વચ્ચેના તફાવત છતાં, મેં બંને સાથે તરત જ મિત્રતા કેળવી હતી, જે તેમના મૃત્યુ સુધી ચાલુ રહી. જો કે અમે ક્યારેક અમારાં પરિવારો વિશે વાત કરતા, પરંતુ મોટા ભાગે પ્રોફેસર ગાડગીલ અને બેતેઇલ સાથેની મારી વાતચીત સમાજ, રાજકારણ, સંસ્કૃતિ, ઇતિહાસ, પર્યાવરણ, ભારત અને વિશ્વ વિશે રહેતી.

પ્રથમ દૃષ્ટિએ, જીવનચરિત્રની દૃષ્ટિએ માધવ ગાડગીલ અને આન્દ્રે બેતેઇલને ઘણી બાબતો અલગ પાડે છે. ગાડગીલ વૈજ્ઞાનિક હતા, જ્યારે બેતેઇલ નહોતા. ગાડગીલનો ઉછેર પુણેમાં થયો હતો અને અંગ્રેજી શીખતાં પહેલાં તેઓ મરાઠી બોલતા હતા. જો કે બેતેઇલના પિતા ફ્રેન્ચ હતા, પરંતુ તેઓ તેમની માતાના પક્ષ (બંગાળી પરિવાર) સાથે વધુ જોડાયેલા હતા. તેઓ ચંદનનગરમાં ઉછર્યા અને મુખ્યત્વે કલકત્તામાં શિક્ષણ મેળવ્યું, શાળા-કોલેજમાં અંગ્રેજી અને શેરીમાં મિત્રો સાથે બંગાળી બોલતા. બેતેઇલે તેમની ડોક્ટરેટની ડિગ્રી ભારતમાં મેળવી હતી, જ્યારે ગાડગીલે અમેરિકામાં મેળવી હતી. ગાડગીલે તેમની વ્યાવસાયિક કારકિર્દીનો મોટો ભાગ બેંગલોરમાં વિતાવ્યો, જ્યારે બેતેઇલે દિલ્હીમાં. અંતે, ગાડગીલ અને બેતેઇલ ક્યારેય એકબીજાને મળ્યા નહોતા અને તેઓ એકબીજાને મુખ્યત્વે તેમના સામાન્ય મિત્ર (આ લેખક) દ્વારા જ જાણતા હતા.

તેમ છતાં, તેમની કારકિર્દીને સમગ્ર રીતે જોતાં હું તેમાં આશ્ચર્યજનક સમાનતાઓ જોઈ શકું છું. હવે પછી, હું એવી દસ વિશેષતાઓ ઓળખાવીશ જે માધવ ગાડગીલ અને આન્દ્રે બેતેઇલને તેમના બૌદ્ધિક અભિગમ અને શૈક્ષણિક અભ્યાસની દૃષ્ટિએ એકબીજાની નજીક લાવે છે. પ્રથમ, બંને શિષ્યવૃત્તિ અને અભ્યાસના અભિગમમાં સાચા અર્થમાં ઇન્ટર-ડિસિપ્લિનરી હતા. બેતેઇલ એક એવા સમાજશાસ્ત્રી હતા જે ઇતિહાસકારો, અર્થશાસ્ત્રીઓ અને કાયદાકીય વિદ્વાનો સાથે સંવાદ કરતા હતા; ગાડગીલ એક એવા પર્યાવરણશાસ્ત્રી હતા, જેમણે વિજ્ઞાન અને માનવશાસ્ત્ર વચ્ચેના અંતરને ભૂંસીને નૃવંશશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો સાથે મળીને સંશોધન કર્યું હતું.

બીજું, બંને તેમના કાર્યમાં સિદ્ધાંત અને પ્રયોગમૂલક સંશોધન  સાથે લાવ્યા. રસપ્રદ વાત એ છે કે, બેતેઇલ નૃવંશશાસ્ત્રી તરીકે તાલીમ પામ્યા હતા, પરંતુ પછીથી તુલનાત્મક સમાજશાસ્ત્ર તરફ વળ્યા, જ્યારે ગાડગીલે પ્રકૃતિ સાથે માનવીય ક્રિયા-પ્રતિક્રિયાઓની વિવિધતા પર ક્ષેત્ર અભ્યાસ કરતાં પહેલાં પર્યાવરણશાસ્ત્રના સૈદ્ધાંતિક અભિગમથી શરૂઆત કરી હતી. ત્રીજું, બંને શિક્ષણ આપવા અને સંસ્થા-નિર્માણ પ્રત્યે ઊંડી પ્રતિબદ્ધતા ધરાવતા હતા. દરેકે એક જ સંસ્થામાં ત્રીસથી વધુ વર્ષ વિતાવ્યાં; બેતેઇલ દિલ્હી યુનિવર્સિટી (ખાસ કરીને તેના સમાજશાસ્ત્ર વિભાગ) સાથે ગાઢ રીતે જોડાયેલા રહ્યા, જ્યારે ગાડગીલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (ખાસ કરીને તેના સેન્ટર ફોર ઇકોલોજીકલ સાયન્સ) સાથે દેખીતી રીતે જોડાયેલા હતા.

ચોથું, બંને શૈક્ષણિક જગતની બહાર વ્યાપક જનતા સાથે સક્રિયપણે જોડાયેલા રહ્યા. બંનેએ શૈક્ષણિક પુસ્તકો અને સંશોધન પત્રો પ્રકાશિત કર્યાં જેણે બૌદ્ધિક વલણો સ્થાપિત કર્યાં, છતાં બંને અવારનવાર અખબારોમાં લખતા હતા જેથી તેમના સાથી નાગરિકો માટે તેમનાં સંશોધનનાં ફળ સુલભ બને. નોંધનીય છે કે, બંનેમાંથી કોઈએ પોતાની જાતને કાર્યકર અથવા તો એક્ટિવિસ્ટ-ઇન્ટેલેક્ચ્યુઅલ તરીકે જોયા નથી. તેમણે તેમના જાહેર હસ્તક્ષેપને તે ક્ષેત્રો પૂરતા જ મર્યાદિત રાખ્યા જેમાં તેમણે પોતે સંશોધન કર્યું હતું.

પાંચમું, બંનેની કારકિર્દીની શરૂઆતમાં જ તેમના મૂળ પ્રાંતની બહાર જવાથી તેમના બૌદ્ધિક વિશ્વનો વિસ્તાર થયો હતો. બેતેઇલે કલકત્તાને બદલે દિલ્હીમાં અને ગાડગીલે પુણેને બદલે બેંગલોરમાં કામ કર્યું હોવાથી તેમની દૃષ્ટિ તે ભારતીય બૌદ્ધિકો કરતાં વધુ વ્યાપક હતી જેઓ પોતાનું આખું જીવન મોટા ભાગે પોતાના જ રાજ્યમાં વિતાવે છે. બેતેઇલનું સૌથી સઘન ક્ષેત્રકાર્ય તમિલનાડુમાં હતું અને ગાડગીલનું કર્ણાટક અને કેરળમાં હતું – એટલે કે, તેમના પોતાના સિવાયનાં અન્ય રાજ્યોમાં. તેમ છતાં, બંનેએ પોતાની માતૃભૂમિ સાથેનો સંપર્ક ગુમાવ્યો ન હતો.

ગાડગીલ મરાઠી પ્રેસ માટે લખતા અને તેમનાં છેલ્લાં વર્ષો તેમના વતનમાં વિતાવ્યાં, જ્યારે બેતેઇલે તેમના ગુરુ નિર્મલકુમાર બોઝના ક્લાસિક બંગાળી લખાણનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો અને આ અખબાર માટે ઘણા લેખો પણ લખ્યા. છઠ્ઠું, બંને ભારત બહારની દુનિયા વિશે જિજ્ઞાસુ હતા, તમામ રાષ્ટ્રીયતાના વિદ્વાનો સાથે જોડાવા અને તેમના કાર્યને ધ્યાનથી વાંચવા માટે ઉત્સુક હતા. આ રીતે તેઓ તેમનાં બૌદ્ધિક હિતોમાં સ્પષ્ટપણે સમગ્ર ભારતીય  હોવાની સાથે સાથે વિશાળ આંતરરાષ્ટ્રીયવાદી પણ હતા.

સાતમું, તેમના માનસિક ઘડતરમાં સંકુચિતતાનો સંપૂર્ણ અભાવ હોવા છતાં, બંનેએ ભારતમાં રહેવાનું, કામ કરવાનું અને તેના બૌદ્ધિક જીવનમાં યોગદાન આપવાનું પસંદ કર્યું. ગાડગીલે હાર્વર્ડ યુનિવર્સિટીની નોકરી છોડીને સ્વદેશ પરત આવવાનું પસંદ કર્યું, જ્યારે બેતેઇલે કેમ્બ્રિજ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાની પ્રોફેસરશિપની ઓફરો ઠુકરાવીને દિલ્હીમાં જ રહેવાનું પસંદ કર્યું. આઠમું, બંને દેશભક્ત હોવા છતાં, કોઈએ પણ ભારત પ્રત્યેનો તેમનો પ્રેમ દેખાડા માટે દર્શાવવાનો પ્રયાસ કર્યો નથી. તે તેઓ જે રીતે જીવ્યા અને જે રીતે વર્ત્યા તેમાં વ્યક્ત થતું હતું – જાતિ, વર્ગ, લિંગ અથવા ધર્મને ધ્યાનમાં લીધા વિના તમામ વિદ્યાર્થીઓ અને સાથીદારો સાથે સમાન વ્યવહાર કરીને અને ભારતીય બૌદ્ધિક જીવનમાં સતત યોગદાન આપીને.

નવમું, તેમની દેશભક્તિમાં દેશ જે કંઈ કરે અથવા જે કોઈ પક્ષે ઊભો રહે તેના પ્રત્યે અંધ કે વિચારહીન ભક્તિ નહોતી. બંને આઇરિશ વિદ્વાન બેનેડિક્ટ એન્ડરસનના તે નિવેદન સાથે સહમત થયા હોત કે, ‘કોઈ પણ વ્યક્તિ સાચો રાષ્ટ્રવાદી ન હોઈ શકે. જો તે તેના રાજ્ય કે સરકાર દ્વારા આચરવામાં આવેલા ગુનાઓ (પોતાના સાથી નાગરિકો સામેના ગુનાઓ સહિત) બદલ શરમ અનુભવવા માટે અસમર્થ હોય’. બેતેઇલ અને ગાડગીલ બંનેએ ભારતીય સમાજમાં વ્યાપ્ત અસમાનતાઓ પ્રત્યે શરમ અનુભવી હતી અને તેમના શૈક્ષણિક તેમજ લોકપ્રિય લેખનમાં તે તરફ ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો હતો.

અંતે, તેમના સાથી પ્રોફેસરોથી વિપરીત, બેતેઇલ કે ગાડગીલ બંનેમાંથી કોઈને ગુરુ બનવું નહોતું, કે જેમની આસપાસ પૂજા કરનારાં શિષ્યોનું ટોળું હોય. તે બંને સમજતા હતા કે વરિષ્ઠ વિદ્વાનો પાસે તેમનાં વર્ષોના અનુભવ અને જ્ઞાનનું ભાથું હોય છે, જેનો લાભ અન્યોને મળી શકે છે. તેની સામે, આ વરિષ્ઠ વિદ્વાનો પણ યુવા વિદ્વાનોમાં જોવા મળતા ઉત્સાહ અને બૌદ્ધિક જોખમ લેવાની વૃત્તિમાંથી ઘણું શીખી શકે છે. આ વિચાર તેમની ઉદારવાદી વિચારધારા સાથે સુસંગત હતો. રાજકીય હોય કે બૌદ્ધિક બાબત, તેઓ ક્યારેય જડ કે ચુસ્ત નહોતા. તેઓ કોઈ એક ચોક્કસ વિચારધારામાં બંધાયેલા રહેવાને બદલે ભારત અને વિશ્વને સમજવા માટે હંમેશા ખુલ્લા મનનો અભિગમ રાખતા હતા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top